વિશ્વનું સૌપ્રથમ ડબલ આર્મ - શોલ્ડરનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

Wednesday 01st June 2022 05:27 EDT
 
 

લિયોન (ફ્રાન્સ)ઃ કોઈ વ્યક્તિના બન્ને હાથ કપાઈ ગયા હોય અને દાયકા સુધી આ જ સ્થિતિમાં જીવન વીતાવ્યા તેના બન્ને હાથ અને ખભાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, અને તેને એટલી જબરજસ્ત સફળતા મળે કે તે પહેલાં જેવા જ થઈ જાય અને જાણે તેને કંઈ જ થયું ન હોય તેમ લાગે તેવું અશક્ય લાગે, પણ આ અશક્ય લાગતી બાબત આજે હકીકત બની છે. વિશ્વનું સૌપ્રથમ ડબલ આર્મ અને ખભાનું અતિ જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરનાર મેડિકલ એક્સપર્ટ્સ પણ આ સર્જરીની જ્વલંત સફળતાથી અચંબિત છે.
આ સર્જરીએ જેમનું જીવન બદલી નાંખ્યું છે તે વ્યક્તિ છે ફ્રાન્સના લિયોનમાં વસતો 49 વર્ષીય ફેલિક્સ ગ્રેટરસન. તેને 1998માં આઈસલેન્ડમાં કોપવોગુર ખાતે કામ કરતી વખતે વીજકરંટ લાગ્યો હતો, તેમાં તેણે તેના બંને હાથ ગુમાવવા પડ્યા હતા. દાયકા સુધી બંને હાથ વગર જીવન વીતાવ્યા તેણે એક સર્જનને - દુનિયામાં ક્યારેય ના થઇ હોય હોય તેવી સર્જરી - બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવા મનાવી લીધા. જાન્યુઆરી 2021માં 15 કલાકના ઓપરેશન પછી તેના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. આજે આ ઓપરેશનને 16 મહિના પછી તેના બંને હાથમાં રિકવરી જોઇને ડોક્ટરો ખુશ ખુશ છે.
ધીમે ધીમે જીવન બદલાયું
સામાન્ય વ્યક્તિ નોર્મલ હાથ વડે જે ક્રિયાઓ કરી શકે છે તે બધી ક્રિયા ફેલિક્સ કરી શકે છે. તે જાતે બ્રશ કરી શકે છે, તેના કૂતરા સામે બોલ ફેંકી શકે છે, અને જિમમાં જઈ કસરત પણ કરી શકે છે. આ ટ્રાન્સપ્લાન્ટેડ હાથ પછી હવે તે તેની પુત્રીઓને ભેટી શકે છે. તે તેના હાથના અભાવે પત્ની સાથે વેકેશન પર માંડ-માંડ જઈ શકતો હતો. હવે તે કહે છે કે આજે હું મારા હાથ બારીની બહાર કાઢીને લહેરાવી શકું છું. ફેલિક્સ કહે છે કે મારો 50મો જન્મદિવસ નજીકમાં જ છે. હું ગાર્ડનમાં પાર્ટી માટે મારું ઘર જાતે સાફ કરવાનો છું.
તે કહે છે કે ઓપરેશન પછી ધીમે ધીમે હાથ હલવા લાગ્યા હતા, પરંતુ તેમાં જરા પણ તાકાત નહોતી. સ્નાયુઓમાં ધીમે-ધીમે નર્વ સિસ્ટમ જોડાવા લાગી અને તેમાં ચેતન આવ્યું.
હાથના અભાવે તેને કાર પગથી ચલાવતા શીખવું પડ્યું હતું અને ફેલિક્સ એકદમ ધીમે-ધીમે કાર ચલાવતો હતો. જોકે હવે સમય બદલાયો છે. ફેલિક્સ કહે છે કે આજે હું મારી પત્નીને આલિંગન આપી શકું છું. તે મારા પહેલા જેવા હાથને જોઈને ખૂબ જ ખુશ છે. મેં હાથ ગુમાવ્યા તે સમયે મોબાઈલ ફોનનું ખાસ ચલણ નહોતું. હવે તો મોબાઈલ વગર લોકોને ચાલતું નથી. મેં મારા ટ્રાન્સપ્લાન્ટેડ હાથે પહેલી વખત મોબાઈલ હાથમાં પકડવાનો રોમાંચ અનુભવ્યો. મારા હાથની વધારે સક્રિયતાનો આધાર નર્વ સિસ્ટમ કેટલી જોડાય છે તેના પર છે. આ પહેલાં તો મારા હાથ ટેમ્પરેચરનો અનુભવ કરી શકતા ન હતા. પાણી ગરમ કે ઠંડુ હોવાનું અનુભવી શકતા ન હતા, જે હવે અનુભવી શકે છે. આજે હું મારા હાથના દરેક હિસ્સાને અનુભવી શકું છું, પરંતુ હજી પણ સંપુર્ણ પરફેક્ટ થયું નથી. આ પ્રકારના હાથની નર્વ સિસ્ટમ અલગ જ હોય છે. તમે જો કોણીથી નીચે અડો તો અલગ જ સંવેદના થાય છે. મને આશા છે કે મારી સ્થિતિ વધુ સારી થશે. ડોક્ટરોએ ફેલિક્સને જણાવ્યું છે કે તેની નર્વ સિસ્ટમની સક્રિયતા પ્રતિ દિન મિલીમીટરના વેગે આગળ ધપી રહી છે. આમ વર્ષની અંદર તે ઘણી સારી સ્થિતિમાં પહોંચી જશે.

1998માં આઈસલેન્ડમાં પાવરલાઈન ફિક્સ કરતી વખતે થયેલા અકસ્માતમાં ફેલિક્સને તીવ્ર કરંટ લાગ્યો હતો. તેના પર કુલ 54 ઓપરેશન થયા હતા અને તે ત્રણ મહિના કોમામાં રહ્યો હતો. છેવટે તેના હાથ કાપી નંખાયા ત્યારે તેનો જીવ બચ્યો હતો. આમ છતાં પણ તેને તે વાતનો આનંદ હતો કે તે સાવ સંપૂર્ણપણે પેરેલાઈઝ થઈ ગયો નથી. સાત મહિના પછી તેને રિહેબિલિટેશન સેન્ટર ખાતે મોકલાયો હતો, જ્યાં તેની સારવાર થતાં દર્દમાં રાહત થઈ હતી. ફેલિક્સે આ દુર્ઘટનાને પગલે તેની કારકિર્દી ગુમાવી, તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ તેને છોડીને ગઈ. તેણે ભૂતપૂર્વ કંપની સામે વળતરનો દાવો માંડ્યો અને કેસ જીતીને લાખો ડોલર મેળવ્યા.
આ પછી ફેલિક્સે વિશ્વના શ્રેષ્ઠ સર્જનની શોધ આરંભી. સર્જનને મળ્યો અને તેના બંને કપાયેલા હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવા વિનંતી કરી. વિશ્વમાં આ પ્રથમ પ્રકારની સર્જરી હોવાથી નિષ્ણાતો પણ સર્જરીની સફળતા અંગે આશંકિત હતા. 23 વર્ષ બાદ ફેલિક્સે - તેનો અકસ્માત થયો હતો તે જ દિવસે - ડબલ આર્મ અને શોલ્ડરની સર્જરી કરાવી હતી.
હજારો કલાકના રિહેબિલિટેશને ફેલિક્સને જબરજસ્ત સફળતા અપાવી છે. તેણે કહ્યું હતું કે આ પ્રક્રિયા તબક્કાવારની છે. આજે મને સંતોષ એ વાતનો છે કે મારા પ્રયત્નને સફળતા મળી અને મને જાણે સ્વતંત્રતા મળી હોય તેવું લાગણી અનુભવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter