વિશ્વનો સૌથી મોટો અવાજ ધરાવે છે જોસેફ મેકગ્રેલ-બેટઅપ

Monday 13th July 2026 08:34 EDT
 
 

કેનબરા: ઓસ્ટ્રેલિયાના એર-કંડિશનર ક્લીનર અને ઓનરરી પબ્લિક એનાઉન્સર જોસેફ મેકગ્રેલ-બટઅપે વિશ્વમાં સૌથી મોટો અવાજ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. કેનબરા નિવાસી 58 વર્ષીય જોસેફે ‘નાવ’ શબ્દને 122.4 ડેસિબલ્સમાં બોલીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ સાથે જ તેણે 1994માં નોંધાયેલા 121.7 ડેસિબલ્સ અવાજના અગાઉના રેકોર્ડને તોડ્યો છે. આ સિદ્ધિ સાથે તેનો અવાજ એમ્બ્યુલન્સની સાયરન કે જેટ વિમાનના ટેકઓફના અવાજની શ્રેણીમાં આવી ગયો છે.
મેકગ્રેલ-બેટઅપે જણાવ્યું કે આ સિદ્ધિ માટે તેને વધુ પ્રેક્ટિસની જરૂર નહોતી પડી. વિક્રમ નોંધાવવા માટે સત્તાવાર પ્રયાસ દરમ્યાન રેકોર્ડ બ્રેક ચીસ પાડવા માટે તેણે સાત વાર પ્રયાસ કરવો પડ્યો હતો. આ પ્રયાસને કારણે અનેક દિવસો સુધી તેનો અવાજ બેસી ગયો, પણ તેણે આ અનુભવને રોમાંચક ગણાવ્યો. તેણે સ્પષ્ટતા કરી કે અગાઉની રેકોર્ડધારક એનાલિસા ફ્લૈનાગનને હજી પણ વિશ્વ સૌથી મોટો અવાજ ધરાવતી મહિલા તરીકે ઓળખે છે, જ્યારે પોતે સ્વયંને સૌથી મોટો અવાજ ધરાવતા પુરુષ તરીકે માને છે. અવાજની તીવ્રતામાં તેની દિલચસ્પી 2017માં કેનબરાના સત્તાવાર ટાઉન ક્રાયર (જાહેર ઘોષણા કરનાર) બન્યા પછી જાગી. લોર્ડ જોસેફના ઔપચારિક ટાઈટલ સાથે કામ કરતા તેઓ સાર્વજનિક કાર્યક્રમોની જાહેરાત કરે છે અને ‘એન્શિયન્ટ એન્ડ ઓનરેબલ ગિલ્ડ ઓફ ઓસ્ટ્રેલિયન ટાઉન ક્રાયર્સ’ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં ભાગ લે છે. 2024માં તેણે પારંપરિક ‘ઓયેઝ, ઓયેઝ, ઓયેઝ’ને 98 ડેસિબલના અવાજમાં બોલીને ગિલ્ડની પ્રતિયોગિતા જીતી હતી.
રેકોર્ડ બનાવવાની સફળ કોશિશ કેનબરાના એક રેડિયો સ્ટુડિયોમાં પ્રોફેશનલ દેખરેખમાં કરાઈ હતી અને પછી ગિનીસ બુકે તેના પરિણામોની પુષ્ટિ કરી હતી. મેકગ્રેલ-બેટઅપ માટે રેકોર્ડ બુકમાં નામ નોંધાવવું કોઈ નવી બાબત નથી. 2019માં તેના નામે કેટલાક સમય માટે તીરંદાજીની ગતિનો પણ રેકોર્ડ હતો.
પોતાની ખેલ ભાવના અનુસાર તેનું માનવું છે કે તેને પોતાની આ નવી સિદ્ધિ બચાવી રાખવાની કોઈ ઈચ્છા નથી. કારણ કે તેના મતે તમામ રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter