વિશ્વભરમાં કોરોનાના ૧૯.૩૩ લાખથી વધુ કેસઃ ૧.૨૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા

Wednesday 15th April 2020 07:33 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. ૧૪મી એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના વિશ્વભરમાં ૧૯.૩૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ બીમારીના કારણે ૧.૨૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સામે ૪.૪૫ લાખ લોકોને સારવાર મળ્યા પછી તેઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને સ્વાઈન ફ્લૂ કરતા ૧૦ ગણો ઘાતક ગણાવી લોકડાઉન કે અન્ય પ્રતિબંધોને અચાનક ન હટાવવાની સરકારોને સલાહ આપી છે.
ઈટાલીમાં દોઢ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૨૦ હજારથી વધુએ જીવ ગુમાવ્યો છે. ચીન કરતાં અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની બાબતમાં ચીન સાતમા નંબરે આવી ગયું હોવાના અહેવાલ છે. ભારત ૨૨માં ક્રમે છે. એશિયાની વાત કરીએ તો કુલ કેસ બે લાખ ૮૭ હજાર ૩૧૮ અને મૃત્યુઆંક ૧૦ હજાર ૬૦૦ નોંધાયો છે. પોઝિટિવ કેસની બાબતમાં ભારત એશિયામાં છઠ્ઠા નંબરે છે. ચીન, ઈરાન, તૂર્કી, ઈઝરાયલ અને દ. કોરિયામાં ભારત કરતા વધારે કેસ નોંધાયા છે.
અમેરિકામાં કેસની પોણા છ લાખથી વધુ
અમેરિકાએ ૧૪મી એપ્રિલે જાહેર કર્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં ૫ લાખ ૮૭ હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને આશરે ૨૩ હજાર ૬૪૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂ યોર્કની સ્થિતિ કથળી રહી છે અને મેડિકલ સારવાર મેળવવામાં લોકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. કોરોના વાઈરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય ઈમરજન્સીની જાહેરાત કરી છે.
દેશના તમામ ૫૦ રાજ્ય ઇમરજન્સી ઝોન જાહેર કરાયા છે અને આ અમેરિકી ઇતિહાસમાં પહેલીવાર થયું છે. ન્યૂ યોર્કમાં અત્યાર સુધી કુલ એક લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ આંકડો ચીન અને બ્રિટનના કેસથી વધુ છે. ન્યૂ યોર્ક સ્ટેટની વાત કરીએ તો અહીં પોણા બે લાખથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં મૃત્યુ પામનારાનો કુલ આંકડો ૧૦ હજાર સુધી પહોંચ્યો છે. નિષ્ણાતો માને છે કે યુએસમાં શટરડાઉનના કારણે મૃતકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતની હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવા અમેરિકા પહોંચી ગઈ છે. ઉપરાંત અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના કોમ્પેક્સમાં હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.
આ દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન મીડિયા ઉપર ક્રોધે ભરાયા હતા. તેમણે સીબીએસ ચેનલના રિપોર્ટર પાઉલા રીડના સવાલના જવાબમાં કહ્યું કે તમે જુઠ્ઠા છો અને તમારું (કોરોના અંગેનું) સમગ્ર કવરેજ ખોટું છે. પાઉલા રીડે ટ્રમ્પને પૂછ્યું હતું કે, ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા માટે તમે શું કર્યું હતું? ટ્રમ્પે સવાલનો જવાબ આપવાનો નનૈયો ભણતા ભડકીને કહ્યું કે શું તમને ખ્યાલ છે? તમારા બધાં રિપોર્ટ ખોટાં છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકામાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાગરિકો ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે એટલા માટે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલા એક લાખથી વધારે મોતની વાત કરાઈ રહી હતી, પરંતુ હવે આ આંકડો ઓછો રહેશે.
ચીન ૧૪૬૪ નાગરિકોને પરત લાવ્યું
ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના ૧૪૬૪ નાગરિકોને પરત લાવ્યું છે અને ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ ચીને કોરોના વાઈરસના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી છે. એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે. પ્રથમ રસી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ અને ચીન નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ દ્વારા ડેવલપ કરાઈ છે. બીજી રસી ઘણી કંપનીઓનું સંયુક્ત સાહસ છે જેનું નેતૃત્વ સિનોવાક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ કરે છે. ચીનમાં કુલ ૮૨ હજાર ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના કુલ ૧૧૩૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સાઉથ કોરિયામાં ચૂંટણીની ટીકા
એક સમાચાર સંસ્થા મુજબ કોરોના વાઈરસની મહામારી વચ્ચે દક્ષિણ કોરિયામાં ૧૫ એપ્રિલે યોજાયેલી ૩૦૦ બેઠક ઉપરની ચૂંટણીના કારણે દ. કોરિયની વૈશ્વિક ટીકા થઈ રહી છે. એક તરફ કોરોનાના કારણે ૪૭ દેશમાં ચૂટણી સ્થિગત કરાઈ છે ત્યારે દ. કોરિયામાં ચૂંટણીને લઈને રાજધાની સિયોલમાં લોકોની ભીડ જોવા મળે છે. દક્ષિણ કોરિયામાં ક્યારેય ચૂંટણી સ્થિગત થઈ નથી, કોરોનાના માહોલામાં પણ પણ ચૂંટણી સ્થિગત કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા, બ્રિટન, ફ્રાન્સ અને ઈથિયોપિયા, ભારત સહિત ૪૭ દેશમાં કોરોનાના કારણે ચૂટણીઓ સ્થિગિત કરાઈ છે. જોકે અમેરિકા અને ન્યૂઝીલેન્ડ ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી. દક્ષિણ કોરિયામાં ૧૦ હજાર ૫૧૨ કેસ છે અને ૨૧૪ લોકોનાં મોત થયાં છે.
ઈરાનમાં દિવસનો મૃત્યુઆંક ઓછો થયો
મંગળવારે ઈરાનમાં ૯૮ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. છેલ્લા મહિનામાં પહેલીવાર દિવસમાં ૧૦૦થી ઓછો મૃતકાંક નોંધાયો છે. અહીં કુલ મૃત્યુઆંક ૪૬૮૩ છે અને કુલ કેસ ૭૩ હજાર ૩૦૩ નોંધાયા છે.

• વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ બાવન દેશમાં કોરોના સામે લડાઈ લડી રહેલા ૨૨ હજાર ૭૩ સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. WHOના મતે સ્વાસ્થ્ય કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો આપવા જોઈએ. તેઓ માટે સારા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ.
• બ્રાઝીલમાં અત્યાર સુધીમાં ૨૦ હજાર ૭૨૭ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કુલ મૃત્યુઆંક ૧૧૨૪ થયો છે.
• પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા પાંચ હજારના આંકડાને વટાવી ગઈ અને ૮૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પાકિસ્તાનમાં લોકડાઉન છે. કરાચીમાં જરૂરિયાતવાળા લોકોને સરકાર રોકડ સહાય કરી રહી છે.
• બાંગ્લાદેશમાં ૮૦૩ કેસ નોંધાયા છે અને ૩૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.
• શ્રીલંકામાં ૨૧૮ કેસ નોંધાયા છે અને ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
• અફઘાનિસ્તાનમાં ૬૬૫ કેસ નોંધાયા છે અને ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો છે.
• પોર્ટુગલ અને સ્પેનની સરહદ ૧૫ મે સુધી બંધ કરાઈ.
• નેપાળમાં કોરોનાના ૧૪ કેસ નોંધાયા છે અને જાનહાનિ થઈ નથી.
• ભૂતાનમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે અને હજુ કોઈનું મોત થયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter