વિશ્વભરમાં વકરતો કોરોના વાઇરસ

હવે જૂની સિસ્ટમથી રહેવાનું ભૂલી જાઓ : WHO

Tuesday 28th July 2020 08:26 EDT
 
 

જિનિવા/વોશિંગ્ટનઃ કોરોના સંક્રમણે આખા વિશ્વમાં માઝા મૂકી છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૬૬૯૦૩૧૮, મૃત્યુઆંક ૬૫૭૫૨૦ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૦૨૭૫૩૮૦ હતો. ૨૬મી જુલાઈએ અહેવાલો હતા કે, દુનિયાના ૪૦ દેશોમાં રોજ કોરોનાના કેસમાં વધારો થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસસે આ સ્થિતિમાં જણાવ્યું છે કે, લોકોએ હવે જૂની સિસ્ટમથી રહેવાનું ભૂલી જવું પડશે. લોકો બહાર મેળાવડા કરવા કે લોકોને મળવા ઇચ્છતા હોય તો તે જિંદગી - મોત વચ્ચેનો નિર્ણય હોઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું ઓનલાઇન મહાસત્ર
કોરોનાના કારણે સંયુક્ત રાષ્ટ્રનું મહાસત્ર ઓનલાઈન યોજાવાનો ઠરાવ પસાર કરાયો છે. સત્ર આ વખતે ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે જેમાં ૧૯૩ દેશ ભાગ લેશે. ૭૫ વર્ષમાં પહેલીવાર આ સત્ર પહેલી વખત ઓનલાઈન યોજાશે.
આ દસ દેશ સૌથી વધુ સંક્રમણ પ્રભાવિત
કોરોના મામલે અમેરિકા વિશ્વમાં મોખરે છે. ૨૮મીના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં કુલ ૪૪૩૫૮૨૬ સંક્રમિતો, મૃત્યુઆંક ૧૫૦૫૨૮ અને સાજા થયેલાની સંખ્યા ૨૧૩૭૯૮૬ છે. ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન પણ કોરોના પોઝિટિવ હોવાથી તે હવે ઘેરથી
કામ કરશે. આ સ્થિતિમાં ટ્રમ્પે જણાવ્યું છે કે, કોરોના વેક્સિન ઝડપથી તૈયાર કરવા ટ્રમ્પ સરકાર ચીન સહિતની કોઇપણ સરકાર સાથે કામ કરવા તૈયાર છે.
કોરોના સંક્રમણ અંગેની વૈશ્વિક યાદીમાં બ્રાઝિલ વિશ્વમાં બીજું છે. ત્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૪૪૬૩૯૭, મૃતકાંક ૮૭૭૩૭ અને સાજા થયેલાઓની સંખ્યા ૧૬૬૭૬૬૭ છે. આ મુદ્દે ભારત ત્રીજું છે. ભારતમાં કોરોનાના કુલ ૧૪૯૩૯૦૪ કેસ, મૃત્યુઆંક ૩૩૫૩૭ અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૯૫૭૦૪૪ નોંધાઈ છે. ભારત પછી ચોથું રશિયા, પાંચમું દક્ષિણ આફ્રિકા, છઠ્ઠું પેરુ છે. તે પછીના ક્રમે મેક્સિકો, ચિલી, સ્પેન અને દશમા ક્રમે બ્રિટન છે.
બોલિવિયામાં ૪૦૦ મૃતદેહ શોધી કાઢયા
મેક્સિકોમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે બોલિવિયામાંથી અહેવાલો હતા કે, સ્થાનિક પોલીસે બોલિવિયાની ગલીઓ, ઘર નજીકથી ૫૦૦ મૃતદેહો શોધી કાઢયાં હતાં. રાષ્ટ્રીય પોલીસ વડા ઇવાલ રોજેસે કહ્યું કે, મૃતદેહો પૈકી ૮૫ ટકા મૃતદેહો (૩૪૦) કોવિડ-૧૯નો ભોગ બનેલા દર્દીઓના હતા. બાકીના લોકોના મૃત્યુ અન્ય બીમારીથી થયા હશે.
કોરોનાની વૃદ્ધિને અવરોધતી૨૧ દવાની ઓળખ
આશાના કિરણ સમાચાર એ છે કે, અમેરિકામાં સેનફોર્ડ બર્નહેમ પ્રિબિસ મેડિકલ ડિસ્કવરી ઇન્સ્ટિટયૂટ સહિતના સંશોધકોએ કોરોનાની માનવ શરીરમાં વૃદ્ધિને અટકાવી શકે તેવી ૨૧ દવાઓના સમૂહની ઓળખ કરી લીધી છે. પ્રયોગશાળામાં તેમણે એન્ટિવાઇરલ એક્ટિવિટી કરતા ૧૦૦ જેટલાં મોલિક્યુલ શોધી કાઢયાં છે. જરનલ નેચરમાં પ્રસિદ્ધ કરાયેલા સ્ટડી અનુસાર આ દવાઓ કોરોનાના રિપ્રોડક્શનને અટકાવવામાં સફળ રહી છે. સેનફોર્ડ બર્નહેમ પ્રિબિસ મેડિકલ ડિસ્કવરી ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર સુમિત ચંદાએ જણાવ્યું હતું કે, રેમડેસિવિર કોરોનાના દર્દીઓમાં રિકવરી ટાઇમ ઘટાડવામાં સફળ રહી છે.
• કોરોનાનો સામનો કરવા સ્પેન વિકાસશીલ દેશોને ૧.૭ અબજ યૂરો (રૂપિયા ૧૪૬૧ હજાર કરોડ)નું ભંડોળ પૂરું પાડશે. સ્પેનના વિદેશ પ્રધાન અરાંચા ગોંજાલેજે આ જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભંડોળ મળતાં વિકાસશીલ દેશોની જાહેર આરોગ્ય સેવાનું સ્તર ઊંચું આવશે અને લોકોના જીવ બચશે.
• ફિલિપાઇન્સમાં કોરોનાના ભયને જોતાં જેલોમાંથી ૨૧ હજાર કેદીઓને મુક્ત કરાયા છે. સરકારે જણાવ્યું કે ૧૭ માર્ચથી ૧૩ જુલાઇ વચ્ચે દેશની ૪૭૦ જેલમાંથી આ કેદીઓને મુક્ત કરાયા છે. ફિલિપાઇન્સની જેલોમાં સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જતો હતો.
• ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન મનાંગાગ્વાએ દેશભરમાં સંચારબંધી અમલી કરવા નિર્ણય લીધા પછીથી દેશમાં સંચારબંધી અમલી બની હતી. સુરક્ષાદળો સવારના છથી સાંજે છ વાગ્યા સુધી શેરીઓમાં તૈનાત રહીને લોકોને જીવન જરૂરિયાતની ચીજો લેવા જવા સિવાય ઘરમાંથી બહાર નીકળતા રોકશે. આ ઉપરાંત એક સ્થળે ૫૦થી વધુ લોકોને ભેગા થવા સામે પણ પ્રતિબંધ લદાયો છે.
• પાકિસ્તાનમાં સંક્રમિતોની સારવાર માટે કોરોનામુક્ત લોકોના પ્લાઝમાના કાળા બજાર થઇ રહ્યાંના અહેવાલ છે.
• કોરોના સંક્રમણના ભરડામાં ફસાયેલા થાઇલેન્ડમાં લોકડાઉનની મુદત ૩૧ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. દેશમાં ચોથીવાર લોકડાઉનની મુદતમાં વધારો કરાયો છે.
• યુરોપિયન યુનિયને કોરોના સામે લડવા ૮૫૫ અબજ ડોલર ફાળવ્યાં હોવાની જાહેરાત ૨૧મી જુલાઈએ કરી હતી. ૨૭ દેશોના નેતાઓ સાથે ચાર દિવસની વાટાઘાટો પછી ઈયુએ આ જાહેરાત કરી હતી. હાલમાં તો સાત વર્ષ માટે કોરોના પ્રભાવિત દેશોને આ ફંડમાંથી સહાય મળશે. જોકે એક તબક્કે ફ્રાન્સ, નેધરલેન્ડ, હંગેરી અને ઓસ્ટ્રિયાએ આટલા માતબર ફંડનો વિરોધ કર્યો હતો. ફ્રાન્સે આ પ્રક્રિયામાંથી ખસી જવાની ધમકી પણ આપી હતી, પરંતુ આખરે એન્જેલા મર્કેલની સમજાવટ પછી ફંડ આપવા સંમતિ સધાઈ હતી.
• ફ્રાન્સમાં કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે તમામ નાગરિકોના કોરોના ટેસ્ટ ફ્રી કરી દીધાં છે. જેમણે પૈસા આપીને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે તેમને પૈસા પાછા મળશે.
• વિયેતનામમાં સોમવારે કોરોનાના ૩ કેસ સામે આવતાં સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે અને દેશમાંથી ૮૦ હજાર પ્રવાસીઓને દેશનિકાલ કરી દીધા હતા.
• ફિલિપાઈન્સની સરકારે અટવાઈ પડેલા નાગરિકોને તેમના વતન-પરિવાર પાસે પાછા મોકલવાની તૈયારી તાજેતરમાં કરી હતી. તે પૂર્વે તેમને કોરોનાનો ટેસ્ટ કરવા માટે મનિલાના સ્ટેડિયમમાં બોલાવ્યા હતા. જોકે, સરકારની અપેક્ષા કરતાં મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં
આવી પહોંચતાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડ્યાં હતાં.
• ગ્વાટેમાલા સિટી નજીક એસ્કુઇંટલા શહેરમાં લોકોને કોરોના અંગે જાગૃત કરવા તથા ઘરે જ રહેવાની અપીલ કરવા માટે મુખ્ય ચાર રસ્તા સહિતના માર્ગો પર કોફિન મુકાયા છે. જેમના પર રોજ ફૂલો પણ ચઢાવાયા છે. આ સાથે અહીં મુકાયેલા સાઇનબોર્ડ પર મેસેજ લખાયો છે કે ઘરે રહેવું છે કે આ કોફિનમાં? મરજી તમારી છે. કોફીનની નીચે કોરોનાથી બચવા માટે સુરક્ષાના જરૂરી ઉપાયો પણ જણાવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter