વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦૭૯૩૦ કેસનો નવો રેકોર્ડ

Wednesday 16th September 2020 08:17 EDT
 
 

જિનિવા, વોશિંગ્ટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ આખા વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૭૯૩૦ કેસ સોમવારના ૨૪ કલાક દરમિયાન નોંધાયા હતા જે અત્યાર સુધીનો નવો રેકોર્ડ છે. અગાઉ ૬ સપ્ટેમ્બરે નોંધાયેલા કેસ કરતા ૧૦૦૦થી પણ તે વધુ કેસ છે. મંગળવારના અહેવાલો અનુસાર આખી દુનિયામાં કોરોનાનાં કેસની સંખ્યા વધીને ૨૯૬૦૭૩૩૭ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૯૩૫૮૯૫ થયો હતો. મંગળવાર સુધીમાં વિશ્વમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા ૨૧૪૧૫૫૨૪ નોંધાઈ છે.
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ૬૭૫૮૯૮૭ થઈ છે જ્યારે મૃતકાંક ૧૯૯૪૧૮ અને સાજા થનારા લોકોની સંખ્યા ૪૦૪૦૮૬૦ થઈ છે. કોરોના સંક્રમણ મામલે ભારત વિશ્વમાં બીજું છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા ૫૦ લાખને પાર થઈ ગઈ છે. ત્રીજા નંબરે બ્રાઝિલમાં કુલ કેસની સંખ્યા ૪૩૫૬૬૯૦ સુધી પહોંચી છે. વિશ્વમાં હાલમાં જ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે WHOએ જણાવ્યું છે કે આગામી સમયમાં કોરોના હજી વકરી શકે છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં યુરોપમાં ભય
ઓક્ટોબર અને નવેમ્બરમાં યુરોપનાં દેશોમાં કોરોનાને કારણે દરરોજ થતાં મૃત્યુનો આંક વધી શકે તેમ છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું. યુરોપમાં હાલ દર અઠવાડિયે કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને સ્પેન અને ફ્રાન્સમાં સ્થિતિ ગંભીર છે. યુરોપનાં ૫૫ દેશોમાં રોજિંદા કોરોના કેસનો આંક વધી રહ્યો છે. ઈઝરાયેલે જોકે કોરોના અંગે સાવચેતી દાખવીને વધુ ૩ અઠવાડિયા સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.
વુહાનમાં જ કોરોના તૈયાર થયો હતોઃ ચીની વિજ્ઞાની
ચીનથી ફરાર થઈને વિદેશમાં શરણું લઈ રહેલી ચીનની વાઈરોલોજિસ્ટ અને વ્હિસલ બ્લોઅર લી મેંગ યાને તાજેતરમાં દાવો કર્યો હતો કે ચીની સૈન્યના ઈશારે કોરોના વાઈરસ વુહાનની લેબમાં જ તૈયાર થયો છે. ખાસ પ્રકારના ચામાચીડિયામાંથી સેમ્પલ લઈને આ વાયરસ તૈયાર કરાયો હતો. તેણે એવો જ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં આ બાબતના પુરાવા દુનિયા સમક્ષ રજૂ કરીશ. વિજ્ઞાનીએ કહ્યું કે, વુહાનમાં આ વાત ઘણાં લોકોને ખબર છે, પરંતુ સરકારના ડરથી કોઈ બોલતું નથી, જે અવાજ ઉઠાવે છે તેનો અવાજ ચીની સરકાર બંધ કરી દે છે. હું આ બાબતના પુરાવા એકઠા કરીશ અને દુનિયા સમક્ષ રજૂ કરીશ.
પાકિસ્તાન ઉદાહરણરૂપ: WHO
કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા પાકિસ્તાનની સરકારે લીધેલા પગલાંની WHOનાં વડાએ પ્રશંસા કરી છે. ટેડ્રોસે કહ્યું છે કે, કોરોના સામે કેવી રીતે લડવું તે આખી દુનિયાએ પાકિસ્તાન પાસેથી શીખવા જેવું છે. અહીં કોરોના સામે લડવા વર્ષો પહેલા બનાવવામાં આવેલા પોલિયોનાં માળખાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ત્યાંના હેલ્થ વર્કર્સ દ્વારા ઘરે ઘરે જઈને સંક્રમિતોને શોધીને સારવાર કરાઈ
રહી છે.
ઉત્તર કોરિયામાં ચીનથી આવનારને ઠારનાં આદેશ
દક્ષિણ કોરિયા ખાતેના અમેરિકી દળોના કમાન્ડરના જણાવ્યા મુજબ ઉત્તર કોરિયાના સત્તાવાળાઓએ કોરોના સંક્રમણને ખાળવા ચીનમાંથી કોરિયામાં પ્રવેશ કરનારને ઠાર મારવાના આદેશ આપ્યા છે. કોરોના સંક્રમિત ચીનમાંથી ઉત્તર કોરિયામાં પ્રવેશે નહીં તે હેતુસર આ આદેશ છે. ઉત્તર કોરિયાની આરોગ્ય સેવાઓ ખૂબ જ નબળી છે. ચીનમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા પછી તેના પાડોશી મિત્રો રાજ્યમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જાન્યુઆરીમાં જ ઉત્તર કોરિયાએ સંક્રમણને ખાળવા તેની ચીની સાથેની સરહદ સીલ કરી દીધી હતી. દેશમાં પણ ઇમરજન્સી જાહેર કરી દીધી હતી.
વિશ્વમાં રસી પહોંચાડવા ૮૦૦૦ જમ્બો જેટની જરૂર પડશે
હજુ સુધી વેક્સિન તૈયાર થઈ નથી, પરંતુ વેક્સિન તૈયાર થશે ત્યારે કેવી રીતે દુનિયાના ખૂણે ખૂણે તેને પહોંચાડાશે. આ મુદ્દે સ્વાસ્થ્ય એજન્સીઓ, ફાર્મા કંપનીઓ અને એરલાઈન્સે રૂપરેખા તૈયાર કરી છે. આ અંગે ધ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ના વડા એલેક્ઝાન્ડર જુલિયાકે કહ્યું છે કે, કોરોનાની વેક્સિન શોધવાનો જેટલો પડકાર છે એટલો જ પડકાર તેને દુનિયાભરમાં પહોંચાડવાનો પણ હશે. તેમના પ્રમાણે દુનિયાના બધા જ દેશોમાં જો સમયસર વેક્સિન પહોંચાડવી હશે તો ઓછામાં ઓછામાં ૮૦૦૦ જમ્બો જેટની જરૂર પડશે. બોઈંગ ૭૪૭ પ્રકારના ૮૦૦૦ વિમાનો રસીની ડિલિવરી કરશે ત્યારે માંડ બધા દેશો સુધી વેક્સિન પહોંચશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter