વિશ્વમાં ૩.૬૬ લાખ દર્દી, મરણાંક ૧૬,૦૯૮

Wednesday 25th March 2020 10:28 EDT
 

નવી દિલ્હી: કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૩.૬૬ લાખના આંકડાને પાર કરી ગઈ છે અને વિશ્વમાં કુલ ચેપી દર્દીઓની સંખ્યા ૩,૬૬,૮૬૬ થઈ છે. આ ચેપથી મરણાંક ૧૬,૦૯૮ થયો છે. જોકે રાહતની વાત એ છે કે ૧,૦૧,૦૬૫ દર્દીઓ સાજા થયા છે. યુરોપમાં બીજા નંબરે પ્રભાવિત દેશ સ્પેનમાં ૫૦૦થી વધુ દર્દીઓનાં મૃત્યુ થતાં એક અઠવાડિયાની ઇમર્જન્સી ૧૧ એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. સ્પેનમાં હવે મરણાંક ૨,૨૦૬ થયો છે. ઇરાનમાં પણ સોમવારે વધુ ૧૨૭ દર્દીઓનાં મૃત્યુ થતાં મરણાંક વધીને ૧,૮૧૭ થયો છે. બીજી તરફ જ્યાંથી કોરોના વાઇરસ ફેલાયો છે એ ચીનમાં વધુ ૯ દર્દીનાં મૃત્યુ સાથે મરણાંક ૩,૨૭૦ થયો છે. કોરોના વાઇરસનો ચેપ આશરે ૧૯૨ દેશોમાં પ્રસરી ગયો છે.
ન્યૂ ઝીલેન્ડમાં કેસ બમણા થતાં લોકડાઉન
ન્યૂઝીલેન્ડમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો ૧૦૦ને પાર થતાં ન્યૂ ઝીલેન્ડ સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.
પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવની સાથી કર્મી સાથે સેલ્ફી
પાકિસ્તાનમાં ઇરાનથી આવેલા કોરોના પોઝિટિવ સહકર્મચારી સાથે સેલ્ફી લેવાના આરોપસર ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ખૈરપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનર તેમના સહ કર્મચારી સાથે સેલ્ફી લીધી હતી. આ કોરોના પોઝિટિવ અધિકારી ઇરાનમાં તીર્થયાત્રા કરીને પાછો આવ્યો હતો.
પાકિસ્તાન લોકડાઉન કરી શકાય નહીં: ઇમરાન
પાકિસ્તાનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૮૦૦ને પાર થઈ છે, ૬નાં મૃત્યુ થયા છે. આમ છતાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે અમે દેશને લોકડાઉન કરી શકીએ એમ નથી કારણ કે દેશમાં ૨૫ ટકા વસતી એવી છે જે રોજ કમાય છે, ગુજરાન ચલાવે છે. આ ૨૫ ટકા વસતી ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. જો લોકડાઉનની જાહેરાત કરીએ તો લોકોમાં ગભરાટ ફેલાશે. ખાવાપીવાની ચીજોની અછત ઊભી થશે.
વિદેશ પ્રવાસની જાણ નહીં કરનાર ડોક્ટર જેલમાં
રશિયામાં એક ડોક્ટર સ્પેનમાં રજા ગાળ્યા બાદ પાછો ફર્યો ત્યારે તેણે સ્પેનના પ્રવાસની જાણકારી સત્તાવાળાઓને આપી નહોતી અને એના કારણે આ ડોક્ટરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ કહ્યું હતું કે સ્પેનમાં ફરીને આવ્યા બાદ આ ડોક્ટરે જાણ આપી નહોતી અને તેણે ૧,૨૦૦ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રશિયામાં કોરોના વાઇરસનો ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા ૪૩૮ સુધી પહોંચી છે.
ઓસ્ટ્રેલિયામાં ૧૦૦ વધુના એકત્ર થવા પર પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયામાં લગ્ન સમારંભો મારફત કોરોના વાઈરસના પ્રસારના ૩૫થી વધુ કેસ સામે આવતાં સરકારે ૧૦૦થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે અનેક યુગલોએ ભવ્ય અને ખર્ચાળ લગ્ન સમારંભો રદ કરવાની ફરજ પડી હતી. નવા નિયમ હેઠળ ઘરની અંદરના કાર્યક્રમમાં પ્રતિ વ્યક્તિ ઓછામાં ઓછી ચાર મીટરની જગ્યા હોવી જોઈએ. વધુમાં સરકારે લોકોને એકબીજાથી ઓછામાં ઓછું ૧ મીટર દૂર રહેવા સલાહ આપી છે.
• પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનનું કહેવું છે કે અમારા દેશમાં લોકડાઉન કરવું મુશ્કેલ છે. અહીંના ૨૫ ટકા લોકો ગરીબ છે. જો શહેરો બંધ કરીને લોકોને વાઈરસથી બચાવીશું તો ભૂખથી મરી જશે. પાકિસ્તાનમાં ૨૫૫થી વધુ લોકો ચેપગ્રસ્ત છે. ચીનથી પરત ફરેલા વિદેશ પ્રધાન શાહ મહેમૂદ શાહ પણ કોરોનાની લપેટમાં છે.
• સાઉથ કોરિયામાં ચેપના મામલા અચાનક વધી ગયા છે. સૌથી વધુ પ્રભાવિત દેગુ શહેરમાં નર્સિંગ હોસ્પિટલમાં સોમવારે એક જ દિવસમાં ૮૭ નવા કેસ સામે આવ્યા હતા. રસ્તા પર અને કારમાં જ લોકોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. અહીં અત્યાર સુધી ૮૫થી વધુનાં મોત થયાં છે, જ્યારે આશરે ૮૫૦૦ ચેપગ્રસ્ત છે. ચેપ ફેલાવવા પર સિયોલ તંત્રે શિન્ચેઓન્ઝી ચર્ચના સંસ્થાપક લી મન હી અને ૧૧ અન્ય વિરુદ્ધ કેસ ચલાવવાનો પણ આદેશ આપ્યો છે.
• ઈઝરાયલમાં રોજ કેસમાં વધારો નોંધાતા લોકો ચિંતામાં છે. અહીં લોકોના ફોન ટ્રેકિંગ પણ શરૂ કરાયાં છે. ઈઝરાયલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૩૦થી વધુ નોંધાઈ છે. વડા પ્રધાન નેતાન્યાહૂએ રોજ ૩૦૦૦ના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter