વેનેઝુએલા સરકારને અમેરિકાની સત્તાવાર માન્યતા

Friday 13th March 2026 05:54 EDT
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પે શનિવારે કહ્યું કે અમેરિકાએ વેનેઝુએલાની વર્તમાન સરકારને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકાની વેનેઝુએલા નીતિમાં મોટા ફેરફારના રૂપમાં મુલવાઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં અમેરિકી સેનાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને ત્યાંના પુમખ નિકોલસ માદુરો અને પત્ની સિલિયા ફ્લોરેસને બાનમાં લઈ લીધા હતા. અમેરિકાએ માદુરો પર નાર્કો ટેરરિઝમના આરોપ લગાવ્યા છે અને તેમની સામે ન્યૂયોર્કમાં ખટલો ચાલશે. ફ્લોરિડાના ડોરલ ખાતે શીલ્ડ ઓફ ધ અમેરિકા સમિટને સંબોધતાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને તે કહેતા ખુશી થાય છે કે આ સપ્તાહે આપણે વેનેઝુએલાની સરકારને સત્તાવાર માન્યતા આપી દીધી છે.’ અમેરિકાએ માદુરોને ઝડપી લીધા પછી વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે હેડ ઓફ ધ સ્ટેટની ડયુટી નાયબ પ્રમુખ ડેલ્સી રોડ્રિગેજને ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારથી જ અમેરિકા અને તનાવપુર્ણ રહેલા સંબંધોને સુધારવા પગલાં લઈ રહ્યા હતા.
થોડા દિવસ પહલાં ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગેજની ખુબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ડેલ્સી વેનેઝુએલામાં ખુબ સારી કામગીરી કરી રહ્યાં છે. ટ્રુથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું હતું કે ડેલ્સી અમેરિકી અધિકારીઓને સારી રીતે સહયોગ આપી રહ્યા છે. વેનેઝુએલામાં તેલ ઉત્પાદન શરૂ થઇ ચુક્યું છે. તે અરસામાં અમેરિકી ગૃહપ્રધાન ડગ બર્ગમે વેનેઝુએલાની તાજેતરમાં મુલાકાત લીધી હતી. વેનેઝુએલામાં તેલ અને ખનિજ ખનન પ્રવૃતિને વેગ આપવા તેમણે ડેલ્સી રોડ્રિગેજ સાથે વાતચીત કરી હતી. જાન્યુઆરીના અંત ભાગમાં અમેરિકી નાણા મંત્રાલયે અમેરિકામાં નોંધાયેલી એજન્સીઓને વેનેઝુએલામાં ડ્રિલિંગ, ખરીદ વેચાણ અને નિકાસ સંબંધિત લેવડદેવડ માટે અધિકૃત કરી દીધી હતી. ફેબ્રુઆરીમાં અમેરિકી ઉર્જા પ્રધાને પણ વેનેઝુએલાની મુલાકાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter