વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકાએ વેનેઝુએલા સાથે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો સોદો કર્યો છે અને તેનાં 65 બિલિયન બેરલ ક્રૂડ ઓઈલ પર કબજો જમાવ્યો છે. અમેરિકાએ કબજો જમાવેલા આ ક્રૂડ ઓઈલનો જથ્થો ભારતનાં 40 વર્ષ માટેનાં ક્રૂડ ઓઈલની જરૂરિયાત બરાબર છે. ટ્રમ્પે તેમનાં ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે વિદેશ પ્રધાન માર્કો રૂબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને વેનેઝુએલાનાં વચગાળાનાં રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ સાથેની વાતચીત પછી આ સમજૂતી કરાઇ છે. વેનેઝુએલા સાથેનો આ સોદો વિશ્વનાં ઈતિહાસમાં સૌથી મોટામાં મોટો ઓઈલ સોદો છે. વેનેઝુએલા પાસે ક્રૂડ ઓઈલનો વિશ્વમાં સૌથી મોટામાં મોટો ભંડાર છે. તેની જમીનની નીચે આશરે 303 બિલિયન બેરલ કાચા ક્રૂડ ઓઈલનો ભંડાર ભર્યો હોવાનું જાણવા મળે છે. જે વિશ્વનાં કુલ ઓઈલ ભંડારનાં 17 ટકા છે.
અમેરિકા સાથેની સમજૂતી મુજબ વેનેઝુએલાનાં 17 ઓઈલ ક્ષેત્રને ફરી વિકસિત કરાશે, જેમાં 100 બિલિયન ડોલર કરતાં વધારે રકમ રોકવામાં આવશે. આ કામથી વેનેઝુએલા સરકારને આવનારા સમયમાં આશરે 209 બિલિયન ડોલર ટેક્સ પેટે મળશે.


