હેલસિંકીઃ સમુદ્રમાં ડૂબેલા એક 300 વર્ષ જૂના જહાજના અવશેષોએ હવે ફેશનની દુનિયામાં નવી ઓળખ બનાવી છે. ફિનલેન્ડના સંશોધકો અને ડિઝાઈનરોએ 17મી સદીના એક જહાજના લાકડામાંથી એવો અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે. જેણે ઇતિહાસ, વિજ્ઞાન અને સસ્ટેનેબલ (ટકાઉ) ફેશનને એકસાથે જોડી દીધા છે. આ જહાજ સાત વર્ષ પહેલાં ફિનલેન્ડના ઓહલુ શહેરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું. હોટેલના પાર્કિંગની નીચે મળેલા 17મી સદીના આ માલવાહક જહાજને પાછળથી ‘હાહિતપેરા’ નામ આપવામાં આવ્યું હતું.
જહાજનો કેટલોક ભાગ મ્યુઝિયમના સંરક્ષણ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જ્યારે બાકીના લાકડાને રિસાઈકલ કરીને નવો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આલ્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, ટેક્સટાઇલ એન્જિનિયરો, કેમિસ્ટો અને ફેશન ડિઝાઇનરોએ લગભગ બે વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર કામ કર્યું. સૌથી પહેલા સદીઓ જૂના લાકડાનું બહારનું પડ હટાવવામાં આવ્યું. પછી અંદરના ભાગને નાના ટુકડાઓમાં બદલીને ખાસ ટેકનિક ‘આયનસેલ’ દ્વારા ફાઇબર તૈયાર કરવામાં આવ્યું. આ ટેકનિક લાકડા અને અન્ય સેલ્યુલોઝ આધારિત પદાર્થોને કપડાના દોરામાં બદલી શકે છે.


