રિયાધઃ વોગ અરેબિયાના કવર પેજ ઉપર સાઉદી અરેબિયાની રાજકુમારીને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલી દર્શાવાતા વિવાદ થયો છે. સાઉદી અરેબિયામાં લોકોએ આ કવરપેજની ટીકા કરી હતી. સોશિયલ મીડિયામાં લોકોએ રાજકુમારી સામે પણ આ તસવીર બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો.વોગ અરેબિયાના કવર પેજ ઉપર રાજકુમારી હાઈફા અબ્દુલ્લાને સ્ટિયરિંગ સંભાળતી દર્શાવવામાં આવી છે. ઊંચા સેન્ડલ પહેરીને રાજકુમારીએ ડ્રાઈવિંગ સીટ ઉપર જગ્યા લીધી છે અને તેના એક હાથમાં સ્ટિયરિંગ છે. આ તસવીર સાથે એવો મેસેજ અપાયો હતો કે પ્રિન્સ સલમાનના સુધારાવાદી વલણના કારણે હવે સાઉદી અરેબિયા કારનું સ્ટિયરિંગ મહિલાઓના હાથમાં આપવા સજ્જ છે. મેગેઝિનના જૂન માસના અંકમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સુધારાવાદી વલણની પ્રશંસા કરાઈ હતી.
જોકે, કેટલાક રૂઢિવાદી લોકોએ આ તસવીર સામે વિરોધ ઉઠાવ્યો હતો. કેટલાક લોકોએ તો એવી ય દલીલ કરી હતી કે પ્રિન્સ સલમાનના સુધારાવાદી વલણના અમે સમર્થક છીએ પણ રાજકુમારી સાથે અને સામાન્ય મહિલાઓ સાથેના અલગ અલગ વલણનો અમે વિરોધ કરીએ છીએ. તેમનો અર્થ એ થતો હતો કે રાજકુમારીએ ડ્રાઈવિંગ કર્યું હોય તો તેની સામેય કાર્યવાહી થવી જોઈએ અથવા તો જેની સામે કાર્યવાહી થઈ છે તેમને માફી આપવી જોઈએ. ગત મહિને મહિલાઓને કાર ચલાવવા દેવાની ઝુંબેશ કરી રહેલી ૧૧ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. તે મુદ્દો પણ સાઉદી અરેબિયામાં બહુ ચર્ચાયો હતો.