વ્લાદિવોસ્તોકના કૃષ્ણભક્તોએ અનેક અવરોધો વચ્ચે મંદિરનું નિર્માણ કર્યું

Wednesday 21st December 2016 08:30 EST
 
 

વ્લાદિવોસ્તોકઃ રશિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વ્લાદિવોસ્તોક શહેરના ભગવાન કૃષ્ણના ૮૫થી વધુ ભક્તોએ અનેક અવરોધો વચ્ચે સહેજ પણ હિંમત હાર્યા વગર ISKCON મંદિર બાંધ્યું છે. એક મિલિયન ડોલરથી વધુના ખર્ચે તૈયાર થયેલુ મંદિર ૨૦૧૪માં ખૂલ્લું મૂકાયું હતું.
વ્લાદિવોસ્તોક શહેર ચીન અને ઉત્તર કોરિયા સાથેની રશિયાની સરહદથી થોડા અંતરે આવેલું પોર્ટ સિટી છે. ત્યાં ઈસ્કોનનું પહેલું સેન્ટર ભાડાના મકાનમાં હતું. બીજા સેન્ટરના બિલ્ડીંગનું નવીનીકરણ કર્યું. પરંતુ, સ્થાનિક સરકારે તે પ્રોપર્ટી પાછી લઈ લીધી. તેથી તેમણે ફરી બીજા સ્થળની શોધ શરૂ કરી. જોકે, પ્રોપર્ટીના વધેલા ભાવોને લીધે આ કામ મુશ્કેલ બન્યું. પરંતુ, હિંમત હાર્યા વગર તેમણે એક કમિટી બનાવી અને મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માંડ્યું. તેમાં એક શ્રદ્ધાળુની રેસ્ટોરાં ‘ગંગા’ મુખ્ય સ્રોત બની. તેની આવકની અમુક રકમ ભંડોળમાં જમા કરાતી હતી.
વિન્ડો ફ્રેમિંગના વ્યવસાયમાં સંકળાયેલા અન્ય શ્રદ્ધાળુ કૃષ્ણ કેશવ દાસે નફાની મોટાભાગની રકમ મંદિર નિર્માણ માટે આપી હતી. ૨૦૧૧માં જમીન ખરીદવા માટે પૂરતું ભંડોળ એકત્ર થયું અને મંદિરનું બાંધકામ શરૂ થયું. બાંધકામની ટીમનું નેતૃત્વ એક રશિયન યુવક દ્વારકાધીશ દાસે સંભાળ્યું હતું. મંદિર માટેની જમીન સીધા ઢોળાવ પર હતી. તેના પર મંદિરનો પાયો નાખવાનું કામ કપરું હતું. પરંતુ, દ્વારકાધીશ દાસે આશા ગુમાવી નહિ અને સતત પ્રયાસો અને કૌશલ્ય દ્વારા મંદિરનો પાયો નાખવામાં સફળતા મેળવી. મંદિરના મુલાકાતીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી રહી છે અને તેઓ મંદિર નિર્માણમાં સંકળાયેલા ભક્તોને બિરદાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter