વ્હાઇટ હાઉસમાં BAPS મંદિરના પૂજારી દ્વારા યજુર્વેદના શાંતિ-મંત્રનું પઠન થયું

Tuesday 12th May 2020 15:48 EDT
 
 

વોશિંગ્ટન: વૈશ્વિક કોરોના પ્રકોપમાંથી સૌને રાહત મળે, સૌનું કલ્યાણ થાય તે માટે ૮મી મેએ અમેરિકાનાં વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં BAPS સ્વામીનારાયણ મંદિરના પૂજારીમાં વૈદિક મંત્રોચ્ચાર કરી, શાંતિ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વર્ષ-૧૯૫૨થી મે મહિનાનાં પ્રથમ ગુરુવારે ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિન’ની ઉજવણી બધા જ ધર્મના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત સૌ પ્રથમવાર એવું બન્યું કે BAPS સ્વામીનારાયણ મંદિર-રોબિન્સવિલ, ન્યૂ જર્સીના પૂજારીએ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રાર્થનામાં ભાગ લીધો હોય.
વ્હાઇટ હાઉસમાં શાંતિ-પ્રાર્થના અંગેની વધુ વિગતો આપતાં BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણથી ન્યૂ જર્સી-રોબિન્સવિલ સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર કે જે ભારત બહારનાં સૌથી વિશાળ BAPS સ્વામીનારાયણ મંદિરોમાંનું એક છે, તેના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ’ના અવસરે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં અન્ય ધર્મના ધાર્મિક નેતાઓ સાથે જોડાયા હતા. તેઓએ કોરોના મહામારીથી પ્રભાવિત સૌના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને યજુર્વેદમાં ઉલ્લેખિત વૈદિક શાંતિમંત્ર સાથે પ્રાર્થના કરી હતી.
તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત સર્વે ઉપસ્થિતોને ગાર્ડન પોડિયમ પરથી પૂજારી હરીશભાઈએ સંક્ષિપ્તમાં શાંતિ પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ને પગલે ઊભી થયેલી સામાજિક અગવડ અને લોકડાઉનથી ત્રસ્ત સમયમાં ચિંતા અનુભવવી કે શાંતિ ન અનુભવવી એ અસામાન્ય વાત નથી. આ શાંતિ પ્રાર્થના સાંસારિક ધન, સફળતા, પ્રસિદ્ધિ માટે નહીં અથવા તો સ્વર્ગની પ્રાપ્તિ માટે નથી, પરંતુ સૌને શાંતિ મળે તે માટે યજુર્વેદના મંત્ર દ્વારા થઈ રહી છે. આ મંત્રનો સારાંશ છે કે ‘સ્વર્ગ, આકાશ, પૃથ્વી – સર્વત્ર શાંતિ થાવ. જળમાં, ઔષધિ-વૃક્ષમાં તથા તમામ પાક પર શાંતિ થાવ. બ્રહ્મા અને સૌને શાંતિ મળો. આપણે સૌ શાંતિનો અનુભવ કરીએ. ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ:.’ આ શાંતિ-પ્રાર્થના બાદ પૂજારી હરીશભાઈનો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter