શહીદ ભારતીય સૈનિકોના બાળકોને કેનેડામાં અભ્યાસ માટે સ્પોન્સર કરાશે

Wednesday 08th September 2021 06:10 EDT
 
 

ટોરોન્ટોઃ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના બાળકોને કેનેડામાં અભ્યાસ માટે ટોરોન્ટો સ્થિત કેનેડા - ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF) તેમને સ્પોન્સર કરશે. CIF એ આ હેતુસર તાજેતરમાં ચેરિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દ્વારા ૧૦૦,૦૦૦ કેનેડિયન ડોલર એકત્ર કર્યા હતા. આ ટુર્નામેન્ટ દર વર્ષે રમાશે.

CIFના ચેરમેન સતીશ ઠક્કરે જણાવ્યું કે યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીય સૈનિકોના પરિવારોને સહાય કરવા આ તેમની નવી પહેલ છે. આ પરિવારોના બાળકોને કેનેડા તેમજ ભારતમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે તેઓ મદદ કરશે. તેનો તમામ ખર્ચ તેઓ ચૂકવશે.
ચીનના પીએલએ સાથે ગયા વર્ષે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોના પરિવારોને ફાઉન્ડેશને ૪૦,૦૦૦ કેનેડિયન ડોલર ડોનેટ કર્યા હતા.
ઠક્કરે જણાવ્યું કે ફાઉન્ડેશને તાજેતરમાં જ ભારતમાં ખોલેલી ઓફિસ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોની પસંદગી કરશે. તેમણે ઉમેર્યું કે કેનેડા આવતા બાળકોને પહેલા વર્ષનો તમામ ખર્ચ ચૂકવાશે કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને બીજા વર્ષથી તેમના માટે કમાવવાની પરવાનગી છે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ભારતીય હાઈ કમિશનર અજય બિસેરિયાએ જણાવ્યું કે સંસ્થાનો ઉદ્દેશ પ્રશંસનીય છે.
ઠક્કરે ઉમેર્યું કે CIFએ ભારતમાં કોવિડ મહામારી દરમિયાન અનાથ બનેલા ૭૫ બાળકોને દત્તક લીધા હતા. તેઓ ૧૭ વર્ષના થશે ત્યાં સુધી તેમની ભોજન, આવાસ અને શિક્ષણની જરૂરિયાતોને તેઓ પૂરી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter