ટોકિયો: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના બે મોટા અર્થતંત્રો જાપાન અને ચીનના પ્રવાસના ભાગરૂપે ટોકિયો પહોંચ્યા હતા. મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે 15મા શિખર મંત્રણા કરી હતી. જેમાં બંને દેશોએ તેમના અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટે આગામી 10 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરારના ભાગરૂપે સંરક્ષણ સહિત 13 સમજૂતી કરાર કર્યા હતા. કરારના ભાગરૂપે જાપાન આગામી દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (અંદાજે રૂ. 6 લાખ કરોડ)નું રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી શુક્રવારે જાપાનના પ્રવાસે ટોકિયો પહોંચ્યા હતા. મોદી અને ઈશિબા વચ્ચેની બેઠકનો આશય ભારત અને જાપાન વચ્ચે વેપાર, રોકાણ અને ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો હતો.
આ શિખર સંમેલનમાં બંને દેશો વચ્ચે 13 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જા, ટેલિકોમ, દવાઓ, મહત્વના ખનીજો અને નવી તથા ઊભરતી ટેક્નોલોજી સહિત કેટલીક પરિવર્તનકારી પહેલોનો સમાવેશ કરાયો છે. વડાપ્રધાન મોદી અને પીએમ ઈશિબાએ આ સમજૂતીઓનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ભારત અને જાપાન વચ્ચે સહયોગ જરૂરી છે. બંને નેતાઓ વચ્ચેની મંત્રણાને તેમણે સફળ અને ફળદાયી ગણાવી હતી.
તમે ટેક્નો પાવર, અમે ટેલન્ટ પાવરહાઉસ
જાપાનનાં બે દિવસનાં પ્રવાસે ગયેલા ભારતનાં પીએમ મોદીએ ભારત -જાપાન ઈકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે તમે ટેકનો પાવર છો અને અમે ટેલેન્ટ પાવર હાઉસ છીએ. બંનેનો સહયોગ એકબીજાનાં વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. જાપાનનાં ઉદ્યોગપતિઓને તેમણે ભારતમાં મોટાપાયે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મોદીએ કહ્યું કે બંને દેશો સાથે મળીને ટેક્નોલોજી અને ઈનોવેશનનાં ક્ષેત્રે આખી દુનિયાનું નેતૃત્વ કરી શકે તેમ છે. તેમણે જાપાનનાં ઉત્પાદકોને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું મેક ઈન ઈન્ડિયા હેઠળ આખી દુનિયા માટે ચીજવસ્તુ-બનાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા ફોર હોલ વર્લ્ડ. આજે ટેક્નોલોજી અને ટેલેન્ટ દુનિયાનું નેતૃત્વ કરી શકે તેમ છે. જાપાનની ટેક્નોલોજી અને ભારતની પ્રતિભા સાથે મળીને આ સદીન ટેકક્નોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે તેમ છે. ભાર રોકાણ માટે સૌથી વધારે પ્રોમિસિંગ સ્થળ છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માગે છે. જેમાં 7 ટકા કંપનીઓ નફો કરે છે.
તાલીમાર્થી ભારતીયોને મળતા મોદી
વડાપ્રધાન મોદીએ તેમની મુલાકાતના બીજા દિવસે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને અન્ય દેશો કરતા ખાસ વિશેષ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો વર્ષો જૂના છે જે વધુને વધુ ગાઢ થઈ રહ્યા છે. તેમણે ભારતનાં રાજ્યો અને જાપાનનાં પ્રાંતોને પરસ્પર સહયોગ વધારે ગાઢ બનાવવા અનુરોધ કર્યો હતો.
મોદીએ જાપાનમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની સવારી માણી હતી અને સેનડાઈમાં ટોકયો ઈલેક્ટોન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મોદીએ બુલેટ ટ્રેન માટે તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઈવરોને મળીને વાતચીત કરી હતી.
સેમિકંડક્ટર ક્ષેત્રે સાથે સહયોગ સાધવા હિલચાલ
મોદીએ જાપાનના સેનડાઈમાં સેમિકંડક્ટર ચિપ બનાવતી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે જાપાન અને ભારત વચ્ચેના સહયોગમાં સેમિકંડક્ટર ક્ષેત્ર મહત્ત્વનું છે ભારતે આ ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. જેમા યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. જાપાનની સેમિકંડક્ટર બનાવતી કંપની ટોક્યો ઈલેક્ટ્રોન ફેક્ટરી સાથે સહયોગ સાધવા વિચારાઈ રહ્યું છે.
મહત્ત્વના દ્વિપક્ષીય કરાર
• આગામી 10 વર્ષ માટે ભારત અને જાપાન જોઈન્ટ મિશન • સુરક્ષા સહયોગ • ભારત અને જાપાનનાં લોકો વચ્ચે આદાનપ્રદાન માટે એક્શન પ્લાન • સંયુક્ત ઋણ વ્યવસ્થા માટે સહયોગ • ભારત અને જાપાન ડિજિટલ ભાગીદારી • ખનિજ સંશોધન માટે સહયોગ • ચંદ્રયાન મિશન-5 માટે અંતરિક્ષ એજન્સીઓ વચ્ચે સહયોગ • ક્લીન હાઈડ્રોજન અને એમોનિયા માટે જોઈન્ટ ડેક્લેરેશન • સાંસ્કૃતિક આદાન પ્રદાન • ડિસેન્ટ્રલાઈઝડ ડોમેસ્ટિક વોટર વેસ્ટ મેનેજમેન્ટ • પર્યાવરણ જાળવણી • ભારતનાં સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થા અને જાપાનનાં વિદેશ મંત્રાલય વચ્ચે કરાર • વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને શિક્ષણ, સંસ્કૃતિ, રમત ગમત માટે જોઈન્ટ ડેક્લેરેશન


