એસ્ટોનિયાની રાજધાની ટાલિનના એક મોલમાં લોકો માત્ર શોપિંગ માટે જ નહીં, પરંતુ ત્યાં રાખેલી 10 હજાર વર્ષ જૂની શિલાને નિહાળવા પણ આવે છે. આ શિલા વિમસી શોપિંગ સેન્ટરની એકદમ વચ્ચોવચ છે. વાત એમ છે કે મોલના નિર્માણ માટે ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે મજૂરોને આ મોટી શિલા નજરે પડી હતી. પહેલા તો તેને વિસ્ફોટકથી તેને તોડી પાડવાની યોજના હતી. જોકે બાદમાં મોલ ડેવલપર્સે નિર્ણય કર્યો કે શિલાને હટાવાશે નહીં, પરંતુ તેની આસપાસ મોલનું નિર્માણ કરાશે. તેનો આ તુક્કો કામ કરી ગયો. આજે આ શિલા મોલની ઓળખ બની ચૂકી છે. શિલાના કારણે પણ મોલમાં સતત મુલાકાતીઓની અવરજવર રહે છે. વિજ્ઞાનીઓના મતે આ શિલા હજારો વર્ષ પહેલા ગ્લેશિયરોની સાથે ઢસડાતી ઢસડાતી આવીને અહીં અટકી ગઇ હશે.