કોલંબોઃ શ્રીલંકામાં હિંસાના માહોલ વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા ૭૦ વર્ષીય ગોટાભાયા રાજપક્સે બાવન ટકા કરતાં વધુ મતો મેળવીને વિજેતા જાહેર થયા છે.
લઘુમતી મતદાતાઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓથી માંડીને મતદાતાઓને લઇ જતી બસ પર ગોળીબાર જેવા હિંસક બનાવોથી ખરડાયેલી આ ચૂંટણીના પરિણામોને ભારત માટે ચિંતાજનક ગણાવવામાં આવે છે કેમ કે રાજપક્સે ચીનના સમર્થક તરીકે જાણીતા છે. રાજપક્સે ૫૨.૨૫ ટકા એટલે કે આશરે ૬૯,૨૪,૨૫૫ મત મેળવ્યા છે. જ્યારે તેમના સૌથી નજીકના પ્રતિદ્વંદી પ્રેમદાસાને ૪૧.૯૯ ટકા (૫૫,૬૪,૨૪૯) મત મળ્યા છે.
શ્રીલંકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં કુલ ૩૫ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં સૌથી તાકતવર ગણાતા પૂર્વ સંરક્ષણ સચિવ ગોટાભાયા રાજપક્સે આખરે જીતી ગયા છે. તેમની ટક્કર વર્તમાન સત્તાધારી પક્ષના ઉમેદવાર બાવન વર્ષીય સાજીત પ્રેમદાસા અને નેશનલ પીપલ્સ પાવરના સંયુક્ત ઉમેદવાર અનુરા કુમારા સાથે હતી. આમ આ ચૂંટણી એક રીતે ત્રિપાંખિયો જંગ હતી, જેમાં આખરે રાજપક્સે વિજેતા જાહેર થયા છે. છેલ્લે ૨૦૧૫માં શ્રીલંકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી થઇ હતી તે વેળા વિજેતા જાહેર થયેલા સિરિસેના આ વખતે ચૂંટણી નહોતા લડયા.
બીજી તરફ, શ્રીલંકામાં જ્યાં તામિલ અને મુસ્લિમોની વસતી વધુ છે ત્યાં રાજપક્સેનો કોઇ જ ઉમેદવાર જીતી શક્યો નથી. આમ આ વખતની ચૂંટણીના પરીણામો પણ શ્રીલંકામાં ભાગલા પાડનારા સાબિત થયા છે.
આ ચૂંટણી પર ચીન અને ભારત બન્નેની ચાંપતી નજર હતી કેમ કે રાજપક્સે તેમના ચીનતરફી વલણ માટે જાણીતા છે અને સ્થાનિક રાજકારણમાં તેઓ કદાવર નેતા ગણાય છે. તેમની જીત સાથે જ શ્રીલંકામાં રાજપક્સે સમુદાયના નેતા ફરી સત્તામાં આવ્યોાછે. આ જીત બાદ શ્રીલંકા અને ભારતના સંબંધો પર અસર પડી શકે છે તો ચીન શ્રીલંકાની મદદ લઇને સમુદ્રી માર્ગેથી મનમાની કરી શકે છે.
ચીનના સમર્થક
રાજપક્સેને ચીન સમર્થક માનવામાં આવે છે કેમ કે તેઓએ ખુલ્લેઆમ એવી જાહેરાત કરી હતી કે જો હું સત્તામાં આવીશ તો ચીન સાથે શ્રીલંકાના સંબંધોને વધુ મજબુત બનાવીશ. જ્યારે બીજા ક્રમે આવેલા પ્રેમદાસા ભારત અને અમેરિકા સમર્થક માનવામાં આવે છે. હાલ શ્રીલંકાએ ચીન પાસેથી કરોડો રૂપિયા લીધા છે. આમ તે ચીનના દેવા તળે દબાયેલું હોવાથી પણ હવે ચીનના ઇશારે કામ કરી શકે છે. આથી વધુ એક પડોશી દેશ સાથે ભારતના સંબંધો કથળી શકે તેમ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. એવી પણ શક્યતા છે કે રાજપક્સે હવે વડા પ્રધાન પદે પોતાના ભાઇ મહિંદાને સત્તા સોપી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપક્સેને જીત બદલ શુભકામના પાઠવી હતી.
એલટીટીઈ સામે ઓપરેશન ચલાવ્યું હતું
રાજપક્સે પરિવારે શ્રીલંકામાં અનેક તમિળોની હત્યા કરાવી હતી. શ્રીલંકામાં તમિળ બળવાખોર સંગઠન એલટીટીઇ સક્રિય હતું ત્યારે રાજપક્સે વરિષ્ઠ સંરક્ષણ અધિકારી તરીકે કાર્યરત હતા. તેમની દેખરેખમાં જ શ્રીલંકન સૈન્યે અનેક નિર્દોષ તમિળોની હત્યા કરી નાંખી હતી, જેમાં એલટીટીઇના વડાનો પણ સમાવેશ થાય છે. રાજપક્સે પરિવાર હંમેશા ચીનતરફી વલણ ધરાવતો રહ્યું છે.
તાજેતરમાં જીતી ગયેલા ગોટાભાયા રાજપક્સે શ્રીલંકાના પૂર્વ વડા પ્રધાન મહિંદાના ભાઇ છે. મહિંદા અગાઉની ચૂંટણીમાં આશ્ચર્યનજક રીતે હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મહિંદાએ જ શ્રીલંકામાંથી તામિળોના બળવાને અંકુશમાં લીધો હતો. આ પછી મહિંદા શ્રીલંકાના બૌદ્ધ સમુદાયમાં ખૂભ લોકપ્રિય બની ગયા હતા. રાજપક્સે તે સમયે સંરક્ષણ મંત્રાલયમાં હતા. અને તેની દેખરેખમાં જ એલટીટીઇ વિરુદ્ધ શ્રીલંકન સુરક્ષા દળોએ આક્રમક ઓપરેશન હાથ ધરીને તેમનો સફાયો કરી નાંખ્યો હતો.


