શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે ચીન સમર્થક ગોટબાયા રાજપક્સેઃ ભારતની મુશ્કેલી વધી શકે છે

Wednesday 20th November 2019 05:12 EST
 
 

કોલંબોઃ પૂર્વ સંરક્ષણ સચિવ અને ચીનતરફી ઝોક ધરાવતા ગોટબાયા રાજપક્ષેએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમનો શપથગ્રહણ સમારોહ રાજધાની કોલંબોથી ૨૦૦ કિ.મી.ના અંતરે આવેલા અનુરાધાપુરા-સ્થિત રૂવાનાવેલી સેયા નામના પ્રાચીન બૌદ્ધ સ્તુપમાં યોજાયો હતો. આ સાથે જ રાજપક્ષે કોલંબોની બહાર શપથ લેનાર પહેલા રાષ્ટ્રપતિ બન્યા છે.
લઘુમતી મતદાતાઓ પર હુમલાઓથી માંડી મતદાતાઓને લઇ જતી બસ પર ગોળીબાર જેવા બનાવોથી ખરડાયેલી આ ચૂંટણીના પરિણામો ભારત માટે ચિંતાજનક ગણાવાય છે. રાજપક્સે ચીનના સમર્થક તરીકે જાણીતા છે. અલબત્ત, તેમણે ભારત સાથે ગાઢ મિત્રતા નિભાવવાની જાહેરાત કરી છે, પરંતુ આ શબ્દો પાળે છે કે કેમ એ તો સમય જ કહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપક્સેને જીત બદલ શુભકામના પાઠવી હતી.
રવિવારે જાહેર થયેલા પરિણામોમાં વિપક્ષના સશક્ત નેતા ૭૦ વર્ષીય રાજપક્સેએ બાવન ટકા કરતાં વધુ મતો મેળવ્યા હતા. તેમને ૬૯.૨૪ લાખથી વધુ મત મળ્યા છે. તો સૌથી નજીકના પ્રતિદ્વંદી પ્રેમદાસાને ૫૫.૬૪ લાખથી વધુ મત મળ્યા છે.
બીજી તરફ, શ્રીલંકામાં જ્યાં તામિલ અને મુસ્લિમોની વસતી વધુ છે ત્યાં રાજપક્સેનો કોઇ ઉમેદવાર જીત્યો નથી. આમ આ વખતના ચૂંટણી પરિણામો ભાગલા પાડનારા સાબિત થયા છે. ચૂંટણીમાં કુલ ૩૫ ઉમેદવારો મેદાનમાં હતા. ૨૦૧૫માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા સિરિસેના આ વખતે ચૂંટણી નહોતા લડયા.

આજે કહે છેઃ ‘ભારત સાથે આત્મીય સંબંધો જળવાશે’

શપથવિધિ બાદ રાજપક્ષેએ જણાવ્યું હતું કે શ્રીલંકા તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખશે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના સંઘર્ષમાં તટસ્થ ભૂમિકા ભજવશે. ભારત સાથે આત્મીય સંબંધો જાળવવામાં આવશે. શ્રીલંકા ભારતનો ગાઢ મિત્ર દેશ છે. પોતાના ટૂંકા સંબોધનમાં તેમણે રાષ્ટ્રપતિ પદની દાવેદારીનું સમર્થન કરવા બદલ દેશના બૌદ્ધ ભિક્ષુઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું જાણતો હતો કે ફક્ત સિંહાલી સમુદાયના ટેકાથી આ ચૂંટણી જીતીશ, પરંતુ હું સુનિશ્ચિત કરીશ કે હું બધાનો રાષ્ટ્રપતિ બની રહું. હું બધા સમુદાયોની રક્ષા કરીશ, પરંતુ ટોચનું સ્થાન બૌદ્ધોને આપીશ. તેમણે કહ્યું કે હું સિંહાલી સમુદાયના ટેકાથી ચૂંટણી જીત્યો છું. મેં લઘુમતીઓને સાથે આવવાનું કહ્યું હતું, પણ મને તેમનું કોઈ સમર્થન મળ્યું નથી.

ત્યારે કહ્યું હતુંઃ ‘ચીન સાથે સંબંધ વધુ મજબુત કરીશ’

રાજપક્સે ચીન સમર્થક તરીકે જાણીતા છે. તેમણે પ્રચાર વેળા ખુલ્લેઆમ જાહેરાત કરી હતી કે જો હું સત્તામાં આવીશ તો ચીન સાથે શ્રીલંકાના સંબંધોને વધુ મજબુત બનાવીશ. જ્યારે બીજા ક્રમે રહેલા પ્રેમદાસા ભારત અને અમેરિકા સમર્થક માનવામાં આવે છે. હાલ શ્રીલંકાએ ચીન પાસેથી કરોડો રૂપિયા લીધા છે. આમ દેશ ચીનના દેવા તળે દબાયેલો હોવાથી પણ હવે ચીનના ઇશારે કામ કરી શકે છે. આ ચૂંટણી પરિણામોથી વધુ એક પડોશી દેશ સાથે ભારતના સંબંધો કથળી શકે તેમ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. એવી પણ શક્યતા છે કે રાજપક્સે હવે વડા પ્રધાન પદે પોતાના ભાઇ મહિંદાને સત્તા સોપી શકે છે.

ચૂંટણી પર ભારત અને ચીનની નજર હતી

ચૂંટણી પર ચીન અને ભારત બન્નેની ચાંપતી નજર હતી કેમ કે રાજપક્સે તેમના ચીનતરફી વલણ માટે જાણીતા છે અને સ્થાનિક રાજકારણમાં તેઓ કદાવર નેતા ગણાય છે. તેમની જીત સાથે શ્રીલંકામાં રાજપક્સે સમુદાયના નેતા ફરી સત્તામાં આવ્યોાછે. આ જીત બાદ શ્રીલંકા અને ભારતના સંબંધો પર અસર પડી શકે છે તો ચીન શ્રીલંકાની મદદ લઇને સમુદ્રી માર્ગેથી મનમાની કરી શકે છે.

એલટીટીઈ સામે લશ્કરી ઓપરેશન ચલાવ્યું હતું

રાજપક્સે પરિવારે દેશમાં અનેક તમિળોની હત્યા કરાવી હતી. દેશમાં તમિળ બળવાખોર સંગઠન એલટીટીઇ સક્રિય હતું ત્યારે રાજપક્સે સંરક્ષણ સચિવ તરીકે કાર્યરત હતા. તેમની દેખરેખમાં જ શ્રીલંકન સૈન્યે અનેક નિર્દોષ તમિળોની હત્યા કરી નાંખી હતી. રાજપક્સે પરિવાર હંમેશા ચીનતરફી વલણ ધરાવતો રહ્યો છે.
ગોટબાયા રાજપક્સે પૂર્વ વડા પ્રધાન મહિંદાના ભાઇ છે. મહિંદા અગાઉની ચૂંટણીમાં આશ્ચર્યનજક રીતે હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મહિંદાએ જ શ્રીલંકામાં તમિળોના બળવાને નાથ્યો હતો. આ પછી મહિંદા બૌદ્ધ સમુદાયમાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા. રાજપક્સે તે સમયે સંરક્ષણ મંત્રાલયમાં હતા અને તેમના માર્ગદર્શનમાં જ શ્રીલંકન સુરક્ષા દળોએ એલટીટીઇ વિરુદ્ધ આક્રમક ઓપરેશન હાથ ધરીને તેમનો સફાયો કરી નાંખ્યો હતો.

ભારતના વિરોધ છતાં ચીની સબમરીન ઘુસવા દીધી

વડા પ્રધાન મોદીએ નવા રાષ્ટ્રપતિ રાજપક્સેને જીત બદલ શુભકામના તો પાઠવી છે. જોકે હકીકત એ છે કે તેઓ ભારત માટે મુશ્કેલી વધારી શકે છે. તેમણે ભૂતકાળમાં શ્રીલંકાના સમુદ્રીમાર્ગેથી ચીનને ભારત-તરફ ઘૂસણખોરી કરવા દીધી હતી. રાજદ્વારી નિષ્ણાંતોના મતે ભારત-શ્રીલંકા સંબંધો પર રાજપક્સેના વિજયની વિપરિત અસર પડી શકે છે. ૨૦૧૪માં રાજપક્સે ભારત પ્રવાસે આવ્યા હતા, તે વેળા ભારતે શ્રીલંકાના સમુદ્રીમાર્ગે ચીની સબમરીનને ઘૂસણખોરી કરવા દેવાઇ હોવાના મુદ્દે નારાજગી દર્શાવી હતી.
જોકે ભારતના આ વિરોધની રાજપક્સે પર કોઇ અસર નહોતી થઇ અને ભારતથી શ્રીલંકા પરત ફર્યાના થોડાક જ દિવસમાં ફરી તેણે ચીની સબમરીનને ભારતમાં ઘુસણખોરી માટે રસ્તો કરી આપ્યો હતો. આ સમયે શ્રીલંકાએ દાવો કર્યો હતો કે અમે ભારતને ચીની સબમરીનના પ્રવેશની જાણકારી આપી હતી. આ ઉપરાંત રાજપક્સે પરિવાર શ્રીલંકામાં રહેતા તમિળો પર પહેલાથી અત્યાચાર કરતો રહ્યો છે. ૨૦૧૭માં ગોટાબાયા રાજપક્સે ભારતવિરોધી નિવેદનો આપી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter