નવીદિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી મદદ મળવાની શરૂઆત થઇ ચૂકી છે. ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાએ ભારત એક સાચું પાડોશી હોવાને નાતે મદદ માટે અપીલ કરી હતી. ભારતે આજે શ્રીલંકાને એક બિલિયન ડોલરની ક્રેડિટ લાઇન આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીલંકાના નાણાપ્રધાને વડાપ્રધાન મોદીની મુલાકાત પણ કરી હતી.
વિદેશપ્રધાન એસ.જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘પાડોશી સૌથી પહેલા ભારત શ્રીલંકાની સાથે ઊભું છે. જીવનજરૂરી ચીજવસ્તુના પુરવઠા માટે 1 બિલિયન ડોલરની ક્રેડિટ લાઇન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.’ ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના નાણાપ્રધાન બાસિલ રાજપક્સેએ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી.
શ્રીલંકાના રાજદૂતના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીએ શ્રીલંકાના નાણાપ્રધાન બાસિલને વિશ્વાસ અપાવ્યો હતો કે ભારત હંમેશાં એક મિત્ર પાડોશી દેશના રૂપમાં શ્રીલંકા સાથે ઊભું રહેશે. બાસિલે પણ આ સંકટની ઘડીમાં શ્રીલંકાને આપવામાં આવેલી મદદ બદલ મોદીનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતા સરકાર સામે બળવો કરવા લાગી છે. ચીની દેવામાં ફસાયેલા શ્રીલંકાનું અર્થતંત્ર તૂટવા લાગ્યું છે.