શ્રીલંકાને ભારત દ્વારા રૂ. ૩,૨૩૦ કરોડની લાઇન ઓફ ક્રેડિટ અપાશે

Wednesday 04th December 2019 07:05 EST
 
 

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે ૨૮મી નવેમ્બરથી ભારતની ત્રિદિવસીય મુલાકાતે હતા. વડા પ્રધાન મોદી અને રાજપક્ષે વચ્ચે ૨૯મી નવેમ્બરે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને એના બાદ બંને નેતાઓ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત ૪૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩,૨૩૦ કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ આપશે. આમાંથી આશરે ૭૧૬ કરોડ રૂપિયા સોલર પ્રોજેક્ટ પર ખર્ચ કરવા માટે આપવામાં આવશે.
૧૦ દિવસ પહેલાં ૧૮ નવેમ્બરે રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ ગોટબાયા રાજપક્ષેની આ પહેલી વિદેશ મુલાકાત છે અને તેમણે આ માટે ભારતને પસંદ કરતાં એનું રાજકીય મહત્ત્વ વધી ગયું છે.
મોદીએ કહ્યું હતું કે ભારતીય હાઉસિંગ યોજના હેઠળ શ્રીલંકાના ઉત્તર અને પૂર્વ પ્રાંતોમાં આ પહેલાં ૪૬,૦૦૦ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તામિલ મૂળના લોકો માટે બીજાં ૧૪,૦૦૦ ઘરોનું નિર્માણ કાર્ય જારી છે. શ્રીલંકા સાથે સંબંધો મજબૂત કરવા માટે અમે વિચારો વ્યક્ત કર્યા છે અને મને આશા છે કે શ્રીલંકા સરકાર તામિલોની સમાનતા, ન્યાય અને સન્માનની દિશામાં કામ કરશે.
મોદીએ કહ્યું હતું કે ગોટબાયા રાજપક્ષેને શ્રીલંકાની જનતાએ બહુમતી આપી છે અને એ દર્શાવે છે કે દેશની જનતા શ્રીલંકાને મજબૂત દેશ જોવા ઇચ્છે છે. આ માત્ર ભારત જ નહીં પણ આખા હિન્દી મહાસાગર ક્ષેત્ર માટે જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter