કોલંબોઃ શ્રીલંકા છેલ્લા ઘણાં સમયથી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી હતી અને આખરે જનાક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે. અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હિંસક દેખાવોએ શનિવારે જનવિદ્રોહનું સ્વરૂપ લઈ લીધું. હજારો દેખાવકારો રાજધાની કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા, જેના કારણે સુરક્ષાકર્મીઓ હોવા છતાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સાએ ભાગી જવું પડ્યું. સર્વપક્ષીય બેઠક પછી વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી. આમ છતાં, લોકો રાષ્ટ્રપતિભવન પછી સંસદ ભવન પહોંચ્યા અને ત્યાંથી આગળ કૂચ કરીને વડા પ્રધાન નિવાસને પણ ઘેરીને આગચંપી કરી.
રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાગી ગયા પછી રાજપક્સાએ કોઈ નિવેદન નથી કર્યું. હાલ તેઓ ક્યાં છે તે પણ કોઈ જાણતું નથી. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ 20 વીવીઆઈપી વાહનો સાથે એરપોર્ટ ગયા હતા. એક અન્ય રિપોર્ટમાં તેઓ નૌસેનાના યુદ્ધજહાજમાં રવાના થઈ ગયા હોવાનો પણ દાવો કરાયો છે. એક વીડિયોમાં રાજપક્સા અન્ય એક શિપ પર અનેક સૂટકેસ મૂકતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસેલા એક દેખાવકારે કહ્યું છે કે, મારા માટે આજે સ્વતંત્રતા દિવસ છે. અમે અત્યાચારી અને લાલચુ નેતાઓ પાસેથી આઝાદી મેળવી છે.
છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં લોકો દેખાવોમાં સામેલ થવા કોલંબો આવતા હતા. આ દેખાવોમાં સનથ જયસૂર્યા જેવા મોટા ક્રિકેટર પણ સામેલ હતા. તેમણે કહ્યું કે, અમે ઝડપથી જીતની ઉજવણી કરીશું. સમગ્ર કોલંબોમાં સેના તહેનાત કરાઈ હોવા છતાં લોકોના ઉગ્ર દેખાવો ચાલુ છે. દેખાવકારોને ખદેડવા પોલીસે ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન થયેલા ઘર્ષમાં 50થી વધુ લોકોને ઈજા થઈ છે.
એશિયાઇ દેશો માટે મોટો બોઠપાઠ
• જવાબદાર કોણ? આ માટે શ્રીલંકાના અનેક રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સરકાર જ જવાબદાર. જોકે, વધુ ખરાબ સ્થિતિ ગોટાબાયા રાજપક્સાના કારણે થઈ. તેમણે ભારે બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રપતિના હોદ્દાને સર્વશક્તિમાન બનાવ્યો અને બધી જ તાકાત પોતે લઈ લીધી. હવે પ્રજા પરિણામ ભોગવી રહી છે. તેમના પર દેશનો વિશ્વાસ ઊઠી ગયો છે. રાજપક્સાએ જવું જ પડશે, તેના વિના પ્રજા શાંત નહીં થાય.
• આવી સ્થિતિ કેમ સર્જાઈ?: સૌથી મોટું કારણ ખેતી માટે કેમિકલ આયાત પર પ્રતિબંધ લગાવ્યો તે હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં રાજપક્સા સરકારે દેશને અચાનક ઓર્ગેનિક જાહેર કર્યો, જે મૂર્ખતાભર્યો નિર્ણય હતો. પ્રવાસન બરબાદ થઈ ગયું. આમ છતાં, હાલના નેતાઓએ ખુરશી છોડી નહીં.
• તો હવે શું?: રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને રાજીનામાની જાહેરાત કરી દીધી છે. દેશમાં સર્વપક્ષીય સરકાર રચવાના ચક્રો ગતિમાન થયા છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન રાજીનામું સોંપે પછી જ કંઇક ચિત્ર સ્પષ્ટ થશે.
• બોધપાઠ શું છે?: આ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એશિયાઈ દેશો માટે બોધપાઠ છે. સમયસર લોકોની ભાવના નહીં સમજાય તો ગૃહયુદ્ધ ફાટી નીકળી શકે છે. શ્રીલંકા ભારતના કેરળ જેવો સમૃદ્ધ દેશ છે. ગૃહયુદ્ધ વખતે પણ અહીંના લોકોએ ગરીબી નથી જોઈ, એટલે તેઓ આવું આર્થિક સંકટ સહન ના કરી શક્યા. શ્રીલંકા પણ પાકિસ્તાન જેવો નિષ્ફળ દેશ છે, જેના માટે ગોટાબાયાનો વધુ પડતો આત્મવિશ્વાસ જવાબદાર છે.
• હવે ભારતની ભૂમિકા શું?: ભારત ખૂબ સાવચેતીથી નિર્ણયો લે છે. ભારતનો હેતુ શ્રીલંકાની પ્રજાને મદદનો છે. જોકે, ભારત હાલની શ્રીલંકા સરકાર સાથે છે તેવું ના દેખાવું જોઈએ. શ્રીલંકામાં હાલ પાવર વેક્યુમ છે. આ સ્થિતિ શાંત પણ થઈ શકે છે અને ખતરનાક દિશા પણ લઈ શકે છે. અન્ય દેશો માટે શ્રીલંકામાં હાલ ઓછા વિકલ્પ છે.
પાડોશી દેશને તમામ સ્તરે મદદઃ ભારત
ભારતનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તે સંકટના સમયે શ્રીલંકાના લોકોની સાથે ખભેખભા મિલાવીને ઊભું છે અને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. તેઓ બંધારણીય રીતે લોકશાહી ઢભે તેમની આશા અને અપેક્ષાઓ સંતોષવા તેમજ પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે જવા ઇચ્છે છે જેમાં ભારત તમામ પ્રકારની મદદ કરશે. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, શ્રીલંકાની પડોશી દેશ તરીકે તમામ મદદ કરાઈ રહી છે. જે ચાલુ રાખવામાં આવશે. હાલ શરણાર્થીઓની કોઈ સમસ્યા નથી.
બીજી તરફ ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત અને શ્રીલંકા વર્ષોથી પડોશી દેશ રહ્યા છે. શ્રીલંકા અને તેની પ્રજા સામે અનેક પડકારો છે. ભારત તેનાથી સારી રીતે માહિતાગર છે. ભારત સરકાર તેને બધી જ મદદ કરવા તૈયાર છે. આ માટે ક્રેડિટ લાઈન અપ દ્વારા ઇંધણ અને ખાતર આપવામાં આવ્યા છે.


