સંક્ષિપ્ત (દેશ વિદેશ)

Wednesday 05th February 2020 06:21 EST
 

• ચીનમાં કોરોના પછી બર્ડ ફ્લુઃ ચીનના હુનાન પ્રાંતના શુઆંગ કિંગ જિલ્લાના એક ફાર્મમાં ખતરનાક બર્ડ ફ્લુએ હુમલો કર્યો હોવાના અહેવાલ બીજી ફેબ્રુઆરીએ મળ્યા છે. આ ફાર્મમાં ૭,૮૫૦ મરઘીઓ છે, જેમાંથી ૪૫૦૦નાં મોત થયાં છે. બીજી બાજુ ચીનમાં કોરોનાના ૧૭ હજારથી વધુ કેસ થયા છે, જ્યારે વાઈરસથી પોણા ચારસોથી વધુ મોત થયા છે. લોકોના શબ મળી રહ્યા છે અને લોકો તેમનાં પાલતુ જાનવરોને મારીને ગલીઓમાં ફેંકી રહ્યા છે. વાઈરસનો ફેલાવો ૨૫ દેશો સુધી પહોંચ્યો છે. ચીનમાં કહેર વર્તાવનારા કોરોના વાયરસનો ત્રીજો કેસ ૩જીએ કેરળમાં નોંધાયો છે. ચીનથી પરત આવ્યા હોય એવા કેરળમાં આશરે ૨૦૦૦ પ્રવાસી નોંધાયા છે જેમાંથી વાઈરસનો હવે ત્રીજો કેસ પણ કેરળમાં નોંધાયો છે.
• પૂર્વ રાજાએ લગ્નેતર સંબંધથી દીકરી જન્મ્યાનું સ્વીકાર્યુંઃ બેલ્જિયમના પૂર્વ રાજા આલ્બર્ટ દ્વિતીયએ ૨૦ વર્ષથી ઉછળતા મુદ્દે ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ૫૧ વર્ષ પહેલાં લગ્નેતર સંબંધના કારણે જન્મેલી દીકરીના પિતા હોવાનું સ્વીકાર્યું છે. ૮૫ વર્ષીય પૂર્વ રાજાએ નિવેદન બહાર પાડીને પોતે બેલ્જિયમની કલાકાર ડેલ્ફીનના પિતા છે તેમ સ્વીકાર્યું છે.
• નિર્ભયાના દુષ્કર્મીઓની ફાંસી પ્રતિબંધઃ નિર્ભયા રેપકેસના ચારેય ગુનેગારો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાની ફાંસી પર ૩૦મી જાન્યુઆરીએ રોક લાગી છે. મુકેશની અરજી ફગાવાયા પછી વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં ફાંસીની અરજી ફગાવ્યા પછી તેણે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ૩૦મી જાન્યુઆરીએ આદેશમાં પહેલી ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યે નક્કી કરાયેલી ફાંસી પર સ્ટે આપીને જણાવ્યું કે, આગામી આદેશ સુધી ગુનેગારોની ફાંસી પર સ્ટે રહેશે.
• પુત્રીના જન્મદિને ૨૫ બાળકોનો અપહરણકર્તા ઠારઃ ઉત્તર પ્રદેશના ફારૂકાબાદમાં ૪૦ વર્ષીય સુભાષ બાથમે ૩૧મી જાન્યુઆરીએ પોતાના ઘરે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરીને બાળકોને બોલાવ્યા હતા. સાંજે છ વાગ્યે આ બાળકો ઘરે આવ્યા હતા બાદમાં તેને બંધી બનાવી લેવાયા હતા. જોકે પોલીસે બહુ જ આયોજનબદ્ધ રીતે આ બંધકને ઠાર માર્યો હતો અને બાળકોને રેસ્ક્યુ કરીને છોડાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter