સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 21st June 2017 08:34 EDT
 

• માલીમાં આતંકી હુમલમાં બે અધિકારીનાં મોત: માલીની રાજધાની બામાકો પાસે આવેલા લોકપ્રિય ટુરિસ્ટ રિસોર્ટ પાસે થયેલા હુમલામાં ચાર જિહાદીઓને ઠાર મરાયા છે અને પાંચ જિહાદીઓની ધરપકડ કરાઈ છે તેમ માલી સરકારે ૧૯મીએ જણાવ્યું હતું. આ હુમલામાં યુરોપિયન યુનિયનના બે અધિકારીઓના મોત થયા હતા.
• ફ્રાન્સ સંસદીય ચૂંટણીમાં મેક્રની પાર્ટીનો વિજય: ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં મેક્રની પાર્ટી લા રિપબ્લિકા એન માર્શેએ ૫૭૭ બેઠકોની સંસદમાં ૩૫૦ બેઠકો જીતી લીધી છે.
• સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં ઘણા ઓછા: સ્વિત્ઝર્લેન્ડના પ્રાઇવેટ બેન્કર્સના એક ગ્રૂપનું કહેવું છે કે સ્વિસ બેન્કમાં ભારતીયો કરતાં સિંગાપુર, હોંગકોંગ જેવા ફાયનાન્સિયલ હબના પૈસા વધુ છે. અહેવાલ પ્રમાણે ૨૦૧૫ના અંત સુધીમાં સ્વિસ બેન્કમાં ભારતીયોના માત્ર ૧.૨ બિલિયન ફ્રેન્ક (લગભગ રૂ. ૮૩૯૨ કરોડ) છે.
• એફ-૧૬ ફાઈટર પ્લેન ભારતમાં બનાવવા સમજૂતીઃ લડાયક વિમાન એફ-૧૬ના ભારતમાં ઉત્પાદન માટે અમેરિકી કંપની લોકહિડ માર્ટિન અને ભારતની કંપની તાતા એડવાન્સ્ડ સિસ્ટમ વચ્ચે સોમવારે સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
• ૧ જુલાઈથી વિદેશ યાત્રા માટે ડિપાર્ચર કાર્ડ ભરવું નહીં પડેઃ વિદેશી બાબતોના મંત્રાલયે ૧૪ જૂનના રોજ બહાર પાડેલા જાહેરનામામાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એર પોર્ટ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવાની માગ કરવામાં આવી છે. જોકે, રેલવે, દરિયાઇ બંદરો અને લેન્ડ ઇમિગ્રેશન ચેકપોસ્ટ્સ પર ડિપાર્ચર કાર્ડ્સ ભરવાનું ચાલુ રહેશે.
• લાલુની દીકરી મિસા અને પુત્ર તેજસ્વીની સંપત્તિઓ ટાંચમાંઃ બેનામી સંપત્તિ મામલે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની રાજ્યસભા સાંસદ દીકરી મિસા ભારતી અને બિહારના ઉપમુખ્ય પ્રધાન તેજસ્વી યાદવની કેટલીક સંપત્તિઓ આઇટી વિભાગે બેનામી સંપત્તિ અંતર્ગત ટાંચમાં લીધી છે. આ સંપત્તિઓમાં મિસાના પતિ શૈલેશકુમારની મિલકત પણ સામેલ છે. નાણાકીય ગોટાળાના આરોપો હેઠળ મિસા, તેજસ્વી અને શૈલેશ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
• મ. પ્રદેશમાં વધુ ત્રણ ખેડૂતનો આપઘાત કુલ આંક ૧૭ઃ મધ્ય પ્રદેશમાં ૧૯મીએ વધુ ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરતાં આઠ જૂનથી અત્યાર સુધીમાં આપઘાત કરનારા ખેડૂતોની સંખ્યા ૧૭ થઇ ગઇ છે. દેવાના બોજથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના મૂળ વતન સિહોરમાં જ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ૧૯મીએ સવારે સિહોર જિલ્લાના જમુનાઇ ખુર્દ ગામમાં ૫૫ વર્ષીય ખેડૂત બંસીલાલ મીણાએ પંખા સાથે લટકીને ફાંસો ખાઇ લીધો હતો.
• બિહારમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરી ટ્રેનમાંથી ફેંકી દેવાઈઃ બિહારના લખીસરાયમાં દસમા ધોરણની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ કર્યા બાદ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાઈ હતી. આ ઘટના લાખોચક ગામમાં બની હતી. વિદ્યાર્થિની મોડી રાત્રે શૌચાલય માટે બહાર નીકળી હતી ત્યારે ગામના બે યુવક મૃત્યુંજયકુમાર અને સંતોષકુમાર તેનું અપહરણ કરીને જંગલમાં લઈ ગયા રહ્યા. ત્યાં તેમણે ક્રૂર રીતે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તે બેભાન થતાં તેને વંશીપુર સ્ટેશનથી મૌર્યા એક્સપ્રેસમાં લઈ ગયા અને કિઉલ સ્ટેશન નજીક નીચે ફેંકી ફરાર થઈ ગયા હતા.
• ભારતના મંગળ યાનને ૧૦૦૦ દિવસ પૂરા થયા: સમગ્ર વિશ્વમાં વખણાયેલા દેશના મહત્ત્વાકાંક્ષી મંગળ મિશનને સોમવારે ૧૦૦૦ દિવસ પૂરા થયા છે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ જણાવ્યું હતું કે, મંગળ યાને તેની ભ્રમણ કક્ષામાં સોમવારે ૧૦૦૦ દિવસ પૂરા કર્યાં છે જે તેના નિર્માણ વખતે નક્કી કરાયેલા દિવસો કરતાં અનેક ગણા વધારે છે. પૃથ્વી પર ગણવામાં આવતા ૨૪ કલાકના દિવસ મુજબ આ એક હજાર દિવસ ગણવામાં આવે છે, જ્યારે મંગળના દિવસ-રાતની ગણતરી મુજબ ૯૭૩.૨૪ Mars Sols કહેવામાં આવે છે. મંગળ યાને અત્યાર સુધીમાં મંગળના ૩૮૮ ફેરા કર્યાં છે. મતલબ કે તેણે ભ્રમણ કક્ષાના ૩૮૮ ચક્કર લગાવ્યા છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે મંગળયાન મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું હતું.
• ૩૦ જૂને મધ્યરાત્રિએ સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટી લોન્ચઃ સંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ૩૦ જૂને મધ્ય રાત્રે જીએસટી લોન્ચ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન છે. આ સાથે જ ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટની મધરાતની યાદ તાજા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter