સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 17th July 2019 07:41 EDT
 

• યુએઈમાં ભારતીયને મળ્યું સૌથી પહેલું ગોલ્ડ કાર્ડઃ કિંગ્સ્ટન હોલ્ડિંગ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર લાલુ સેમ્યુઅલને સોમવારે સારજાહના પહેલા ગોલ્ડન કાર્ડ વિઝા એનાયત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં બિઝમેનોનો કે ખાસ પ્રતિભા ધરાવતા નાગરિકોને પાંચ કે ૧૦ વર્ષના લોંગ ટર્મ વિઝા આપવામાં આવે છે પણ ગોલ્ડ કાર્ડ કાયમી રેસીડન્સના વિઝા આપે છે. આ પ્રકારના વિઝા મેળવનારા લાલુ સેમ્યુઅલ પહેલા ભારતીય છે.
• બ્લેકઆઉટથી ન્યૂ યોર્કમાં ૭૦ હજાર લોકો અંધારમાંઃ અમેરિકાના ન્યૂ યોર્કમાં ૧૩મી જુલાઈએ રાત્રે અચાનક વીજળી ડૂલ થઈ ગઈ. મેનહટન વિસ્તારમાં સૌથી વધુ ઇફેક્ટ થઈ. તેનાથી માર્ગ પર ભારે ભીડ જમા થવા લાગી હતી. ઘણા કલાકો સુધી અંધારપટ રહેતા લોકોએ હોબાળો પણ કર્યો હતો. ટાઇમ્સ સ્કવેર સહિત ઘણા વિસ્તારોમાં ૭૦ હજાર લોકોને અંધારામાં રાત વિતાવવી પડી હતી.
• સિક્યોરિટી અને વાયર ફ્રોડ કેસમાં ભારતીયની ધરપકડઃ અમેરિકાના મેનહટ્ટન સ્થિત હેજ ફંડ કંપનીના સ્થાપક અને એન્ટરપ્રાઇઝના વેપારી અનિલેષ આહુજા સામે હેજ ફંડનો મૂલ્ય વધારવા અને નેટ એસેટમાં કૃત્રિમ દસ કરોડ ડોલરના વધારામાં સિક્યોરિટી ફ્રોડનો આરોપ લગાવાયો હતો. ન્યૂ યોર્કના ન્યૂ રોચેલેના રહેવાસી ૫૧ વર્ષના નીલ અને ૪૪ વર્ષના પૂર્વ ટ્રેડર જેરેમી શોરન સામે વાયર ફ્રોડ અને સિક્યોરિટી છેતરપિંડીનો કેસ ચાલે છે. જો તેમનો ગુનો સાબિત થશે તો ૨૫ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
• લાહોરની કોર્ટે આતંકી હાફિઝને જામીન આપ્યાઃ પાકિસ્તાનમાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે સોમવારે જમાત-ઉદ-દાવાના આતંકી વડા હાફિઝ સઈદ અને તેના ત્રણ સાથીઓને આગોતરા જામીન આપી દીધા હતા. તેના આતંકી સંગઠન દ્વારા મદરેસાની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે આ જામીન અપાયા છે.
• ચીનને અમેરિકા સામે ટ્રેડ વોર ભારે પડ્યુંઃ ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ ઘટીને ૬.૨ ટકા થયો છે. આ છેલ્લા ૨૭ વર્ષનો સૌથી ઓછો વિકાસ દર છે. અમેરિકા સાથેના વેપાર યુદ્ધ અને વૈશ્વિક માગ ઘટવાને કારણે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રનો આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. ચીનની સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ચીનનો જીડીપી ૬.૪ ટકા હતો.
• કંગાળ પાકિસ્તાનને વર્લ્ડબેંકે અબજો ડોલરનો દંડ ફટકાર્યોઃ વર્લ્ડ બેંક સંલગ્ન વિવાદ સમાધાન એજન્સી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટે બલુચિસ્તાનની રેકો ડિક ખાણ મુદ્દે થયેલો સોદો રદ કરવા બદલ પાકિસ્તાનને પાંચ અબજ ૯૭ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. પાકિસ્તાન એક તરફ કંગાળ થવાના આરે છે ત્યાં તેને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. આ દંડ પાકિસ્તાનના ટેથયાન કોપર કંપનીએ ચુકવવો પડશે.
• અમેરિકા પછી યુરોપીયન સંઘની પણ સૈન્ય પરેડઃ યુરોપ અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલી વચ્ચે બેસ્ટાઇલ ડે પરેડમાં ફ્રેન્ચ પ્રમુખ અમાન્યુએલ મેક્રોને ૧૪મીએ યુરોપીયન સંઘને પોતાની સૈન્યશક્તિ બતાવવા હાકલ કરી હતી. ૧૪ જુલાઇ ૧૭૮૪ના દિવસની બેસ્ટાઇલ કિનાની ફ્રેન્ચ ક્રાંતિની યાદમાં દર વર્ષે પેરિસના ચેમ્પ્સ-એલિસીસમાં યોજાતી પરેડમાં આ વખતે જર્મન ચાન્સેલર મેરકલ અને ડચ વડા માર્ક રૂટ સહિત યુરોપીયન સંઘના અન્ય નેતા પણ ફ્રેન્ચ પ્રમુખ સાથે હતા.
• જાપાનમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ હેકઃ જાપાની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિટપોઇન્ટને હેક કરીને ૩.૫ અબજ યેન (૩.૨ કરોડ ડોલર) ઉઠાંતરી થયાની ઘટના ૧૨મીએ બનતાં બિટપોઇન્ટે પોતાની તમામ સેવા સ્થગિત કરી દીધી હતી. રિમિક્સ પોઇન્ટ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતા એક્સચેન્જમાં ઉઠાંતરી થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે ૨.૫ અબજ યેન જેટલા ભંડોળની ઉઠાંતરી થઈ અને તે નાણા ગ્રાહકોના હતા. ઘટનાને પગલે રી-મિક્સ પોઇન્ટના શેરમાં ૧૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter