સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 27th November 2019 06:43 EST
 

• સિયાચીનમાં ભારત પ્રવાસન વિક્સાવી ન શકેઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સિયાચીનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. રાજનાથે એ ક્ષેત્રનો અમુક ભાગ પ્રવાસન માટે ખુલ્લો પણ મૂક્યો હતો. એ પછી ૨૧મી નવેમ્બરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, સિયાચીન વિવાદિત વિસ્તાર છે. ત્યાં પ્રવાસન વિકસાવી શકાય નહીં.
• શ્રીલંકામાં ચીન તરફી મહિન્દા રાજપક્ષેના શપથઃ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાપક્ષેએ મોટાભાઈ મહિન્દા રાજક્ષેને વડા પ્રધાન તરીકે શપથ અપાવતાં શ્રીલંકાના વિવાદાસ્પદ રાજપક્ષે બંધુઓએ ૨૧મીએ ફરી એક વખત દેશના રાજકારણ પર તેમની પક્કડ મજબૂત બનાવી છે. વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી ચીન તરફી વલણ માટે જાણીતા મહિન્દા રાજપક્ષેએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે શ્રીલંકાની સમૃદ્ધિ-શાંતિ માટે ભારત સામે મળીને કામ કરીશું.
• ભારત પેલેસ્ટાઇનની જનતાની તરફેણમાંઃ પેલેસ્ટાઇનના સ્વતંત્ર રાષ્ટ્રને માન્યતા આપતા પોતાના ઐતિહાસિક વલણને વળગી રહેતાં ભારતે પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના અધિકારની તરફેણમાં ૧૬૬ દેશો સાથે સંયુક્ત રાષ્ટ્રમાં મત આપ્યો હતો. ભારત અને અન્ય ૧૬૫ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિની બેઠકમાં પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના અધિકારના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.
• જર્મનીના મ્યુઝિયમમાંથી રૂ. ૭૮૯૫ કરોડના ખજાનાની ચોરીઃ વિશ્વવિખ્યાત ડ્રેસડન મ્યુઝિયમના ગ્રેન વોલ્ટમાં ૧૮મી સદીના રત્ન-આભૂષણોની ચોરી થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો. ચોરાયેલા આભૂષણોની કિંમત રૂ. ૭૮૯૫ કરોડ આંકવામાં આવી છે. ૨૫મી નવેમ્બરે વહેલી સવારે ચોરો બારી તોડીને મ્યુઝિયમમાં ઘુસ્યા હતા અને ત્યાંની અંદરનો પાવર સપ્લાય કાપી નાંખ્યો હતો. મ્યુઝિયમમાં ઘૂસીને ચોરોએ ત્રણ રત્નોની ચોરી કરી લીધી હતી.
• હોંગકોંગ ચૂંટણીમાં લોકશાહી તરફી પક્ષોએ મેદાન માર્યુંઃ હોંગકોંગમાં લોકશાહીની માગ સાથે છેલ્લા ૬ મહિનાથી ચાલતી હિંસાની વચ્ચે શહેર ચૂંટણીમાં લોકશાહી સમર્થકોએ જીત મેળવી હતી. સોમવારે શહેરમાં જિલ્લા પરિષદની ૪૫૨ બેઠકોની ચૂંટણી હતી જેમાં લોકશાહી સમર્થક પાર્ટીઓને ૩૯૦ બેઠકો પર જીત મેળવી હતી જે ચીની શાસન માટે એક મોટા ઝટકા સમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter