સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 04th December 2019 07:07 EST
 

• પાકિસ્તાની સેનાના ૭ જનરલ બાજવાની વિરુદ્ધમાંઃ પાકિસ્તાનમાં આર્મી ચિફ જનરલ બાજવાના સેવા વિસ્તરણ પર સેનામાં જ બળવો થયો છે. પાકિસ્તાની સેનાના ૭ જનરલે ચિફજસ્ટિસ આસિફ સઈદ ખોસા સાથે હાથ મિલાવ્યા છે. આ સાત જનરલોનું માનવું છે કે ઇમરાન સરકારના પગલાંથી તેમની લશ્કરી વડા બનવા પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
• ભારતીય વિદ્યાર્થી ‘જાપાન ઈંગ્લિશ કોન્ટેસ્ટ’માં વિજેતાઃ ઓલ જાપાન સ્ટુડન્ટ ઈંગ્લિશ પ્રેઝન્ટેશન કોન્ટેસ્ટમાં ભારતીય વિદ્યાર્થી ત્રિશિત બેનર્જીને ૧લી ડિસેમ્બરે વિજેતા ઘોષિત કરાયો હતો. જાપાનમાં આ સ્પર્ધા જીતનારો ત્રિશિત પ્રથમ ભારતીય વિદ્યાર્થી છે. અગાઉ કોઈ ભારતીય સ્ટુડન્ટને આવી સિદ્ધિ મળી નથી. આ સ્પર્ધામાં ફુકુશિમા પ્રાંતમાં કઈ રીતે પ્રવાસીઓને આકર્ષવા એ અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું. જાપાનની યુનિવર્સિટીઓમાં ભણતા ૭૯૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૩ રાઉન્ડમાં સ્પર્ધા યોજાઈ હતી.
• હત્યા કેસમાં સૂરીનામના રાષ્ટ્રપતિને ૨૦ વર્ષની સજાઃ સૂરીનામના રાષ્ટ્રપતિ ડિસાઈ બૂટર્સને ૩૭ વર્ષ જૂના એક કેસમાં ૨૦ વર્ષના કારાવાસની સજા થઈ છે. બૂટર્સને ૧૯૮૨માં વકીલો, પત્રકારો અને વિપક્ષી યુનિયન લીડર્સ સહિત ૧૫ લોકોની હત્યાના કેસમાં દોષિત જાહેર કરાયા છે. બૂટર્સ ચીનની સત્તાવાર મુલાકાતે હતા. તેઓ આ ચુકાદા અંગે ૩૦મી નવેમ્બરથી બે સપ્તાહમાં અપીલ કરી શકે છે. બૂટર્સે એમના પર લાગેલા આરોપોને નકારતાં કહ્યું હતું કે ૧૯૮૨માં જે લોકો માર્યા ગયા હતા એ પારામારિબો કિલ્લામાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા.
• ટેરર ફાયનાન્સ બદલ હાફિઝ સામે ખટલો ચાલશેઃ મુંબઈ ત્રાસવાદી હુમલાના માસ્ટર માઈન્ડ અને પ્રતિબંધિત જેયુડીના કર્તાહર્તા હાફિઝ સઇદ પર ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવાના આરોપમાં ત્રાસવાદી વિરોધી અદાલતમાં કેસ ચાલશે. લાહોરમાં એક ત્રાસવાદ વિરોધી અદાલતે (એટીસી) સજમાત-ઉદ-દાવા (જેયુડી) પ્રમુખ સઈદ અને તેના સાથીઓ વિરુદ્ધ કેસની તાજેતરમાં સુનાવણી કરી હતી અને આરોપ નક્કી કરવા ૭ ડિસેમ્બરની તારીખ નિર્ધારિત કરી હતી. એટીસીના જજ અર્શદ હુસૈને ભુઠ્ઠાએ ૭ ડિસેમ્બરે સઈદ અને અન્ય પર આરોપ નક્કી કરશે. એમ અદાલતના એક અધિકારીએ જણાવ્યું હતું.
• સિયાચીનમાં ફરી હિમપ્રાયત, બે જવાન શહીદઃ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં ૩૦મી નવેમ્બરે થયેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત થતા બરફના પહાડો વચ્ચે બે જવાન દબાઈ જતાં શહીદ થઈ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને બાકીના જવાનોને બહાર કાઢ્યા હતા.
• ‘સરકારની ટીકા કરતાં લોકો ડરે છે’ ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સામે કહ્યું કે દેશમાં અત્યારે ભયનો માહોલ છે. લોકો સરકારની ટીકા કરતા ડરી રહ્યાં છે. કારણ કે લોકો માને છે કે તેમની ટીકાને સરકાર કેવી રીતે લેશે તે કહેવાય નહીં. જ્યારે બજાજની વાતને રદિયો આપતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે સરકાર પારદર્શિતાથી કામ કરી રહી છે. સુધાર કરીશું. કોઈને ડરવાની જરૂર નથી. મુંબઈમાં એક કાર્યક્રમમાં રાહુલ બજાજે ઉપરોક્ત વાત કરી હતી. તેમણે ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અંગે પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter