• તુલસી ગેબાર્ડનો હિલેરી સામે બદનક્ષીનો કેસઃ યુએસ ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તુલસી ગેબાર્ડને પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને અમેરિકાના જાસૂસ ગણાવ્યા હતા. એ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તુલસીએ હિલેરી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે અને પાંચ કરોડ ડોલરના વળતરની માગણી કરી છે.
• અફઘાનથી દિલ્હી આવી રહેલું વિમાન ક્રેશઃ અફઘાનિસ્તાનના પૂર્વ ગઝની પ્રાંતમાં સોમવારે અફઘાન એરલાઈન્સનું દિલ્હી આવતું એક વિમાન ક્રેશ થયું હતું. આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણ હેઠળનો ગણાય છે. આ પ્લેનમાં ૧૧૦ પ્રવાસીઓ સવાર હતા તેવી માહિતી પ્રાથમિક ધોરણે મળી હતી. તમામ પ્રવાસીઓના મોત થયાની આશંકા છે. વિમાન પડતાની સાથે જ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. કેટલા લોકોના મોત થયા તે અંગે જાણ થઇ નથી.
• ઇરાનના હુમલામાં ૩૪ સૈનિકોને માથામાં ગંભીર ઈજાઃ અમેરિકા-ઈરાન વચ્ચેના ઘર્ષણમાં અમેરિકાના એક પણ સૈનિકને ઈજા થઈ નથી એવો દાવો ટ્રમ્પે કર્યો હતો. એ પછી આખરે અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્વીકાર્યું હતું કે ઈરાને કરેલા હુમલામાં ૩૪ સૈનિકોને માથાની ઈજા થઈ હતી અને એમાંથી અડધો અડધ સૈનિકો હજુય સારવાર હેઠળ છે. દરમિયાન ફરી એક વખત ઇરાનના કાયદાવિદ હમજેઇએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને ૩૦ લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
• જર્મનીમાં શૂટઆઉટમાં છનાં મોતઃ જર્મનીના દક્ષિણે આવેલા શહેર રોટ એમ સીમાં આડેધડ ગોળીબારમાં ૨૪મીએ છ જણા માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હોવાનું પોલીસે કહ્યું હતું. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ હતી. તે સિવાય અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી.
• કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પાસે મર્યાદિત વિકલ્પઃ અમેરિકા કોંગ્રેશનલ રિસર્ચ રિપોર્ટ (સીઆરએસ)માં કહેવાયું છે પાકિસ્તાન પાસે જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયનો જવાબ આપવા માટે અત્યંત મર્યાદિત વિકલ્પ છે. નિષ્ણાતોનું માનવું છે કે પાક.નું આતંકી સંગઠનોને પાછળથી સમર્થન આપવાના લાંબા ઇતિહાસને જોતાં તેની વિશ્વસનીયતા ઘટી છે.
• ધમકી પછી શીખ નેતા ટોનીએ સપરિવાર પાકિસ્તાન છોડ્યુંઃ પાકિસ્તાનના જાણીતા શીખ નેતા રાધેશસિંહ ઉર્ફે ટોનીભાઇએ સપરિવાર પાકિસ્તાન દેશ છોડવો પડ્યો છે. તેઓ ૨૦૧૮માં પેશાવરથી ચૂંટણી લડ્યા હતા. ત્યાર પછી ધમકીઓ મળવાનું શરૂ થતાં તેઓ પેશાવર છોડીને લાહોરમાં સ્થાયી થયા. તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે વાત માત્ર મારા જીવની હોત તો હું કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાન ન છોડત પણ સવાર પરિવારનો અને મારી સાથે જોડાયેલા લોકોની જિંદગીનો પણ હતો તેથી બીજો કોઇ વિકલ્પ નહોતો.
• સાઉદી ક્રાઉન પ્રિન્સે એમેઝોનના માલિકનો ફોન હેક કર્યોઃ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા એક વોટ્સએપ મેસેજ દ્વારા એમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હેક કરાયો હોવાની માહિતી સામે આવતા સમગ્ર વિશ્વમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે. ધ ગાર્ડિયનના તાજેતરના અહેવાલ પ્રમાણે સાઉદી પ્રિન્સ અંગત રીતે આ હેકિંગમાં સંકળાયેલા હતા. તેમણે મેસેજ દ્વારા વાઈરસ મોકલીને બેજોસના ફોનમાંથી કેટલાક ડેટા મેળવી લીધા હતા.