સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 15th April 2020 07:40 EDT
 

• ૧૫ પાક. સૈનિકો અને આઠ ત્રાસવાદી ઠાર માર્યાઃ ભારતીય સૈન્યે ૧૦ એપ્રિલના રોજ અંકુશરેખા પર કેરાન સેક્ટરમાં પાક. છાવણીઓ પર તોપમારો કરતાં આઠ ત્રાસવાદી અને પાકિસ્તાની સૈન્યના ૧૫ સૈનિકો માર્યા ગયા હતા. ગુપ્તચર એકમોના અહેવાલ મુજબ તેમની ચોકીઓ અને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં આવેલી ત્રાસવાદી છાવણીઓ પર તોપમારો કરીને પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે. અગાઉ આ જ વિસ્તારમાં પાંચ એપ્રિલના રોજ ભારતીય સેનાના વિશેષ દળોએ પાંચ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ૧૬૦ ત્રાસવાદી ઘૂસણખોરી માટે તૈયાર હતા અને ૨૪૨ ત્રાસવાદી ઘૂસ્યા હોવાની માહિતી ગુપ્તચર એકમે નોંધી હતી.
• રાજ્યપાલે મ.પ્ર.માં ફ્લોર ટેસ્ટ કરાવ્યો તે યોગ્ય છેઃ મધ્ય પ્રદેશમાં ગયા મહિને કમલનાથ સરકારનાં પતન અને રાજ્યપાલ લાલજી ટંડન દ્વારા ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસની અરજીનો ચુકાદો આપતાં ૧૩મીએ જણાવ્યું હતું કે એમપીમાં ફ્લોર ટેસ્ટનો રાજ્યપાલે આપેલો આદેશ યોગ્ય અને યથાર્થ હતો. કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા કહ્યું હતું કે સરકારે જ્યારે બહુમતી ગુમાવી હતી ત્યારે બહુમતી પુરવાર કરવા આદેશ આપવાનું યોગ્ય હતું.
• આઈ એમ એફ સલાહકાર સમિતિમાં રઘુરામ રાજન સામેલ: રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ પોતાની સલાહકાર સમિતિમાં સામેલ કરાયા છે. આઇએમએફની એમડી ક્રિસ્ટેલિના જોર્જિવાએ નવા એક્સટર્નલ એડવાઇઝરી ગ્રૂપમાં દુનિયાભરના અગ્રણી આર્થિક નિષ્ણાતોની ટીમ બનાવી છે.
• અમેરિકાએ ભારતીયોનાં વિઝાની મુદત લંબાવીઃ અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા યુએસમાં રહેનારા ભારતીયોની વિઝાની મુદત લંબાવવા કરાયેલી રજૂઆતનો સ્વીકાર કરાયો છે. આનો લાભ એચવનબી વિઝા પર અમેરિકામાં ગયેલા અને ત્યાં રહીને જોબ કરતા ભારતીયોને પણ મળશે. અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતની રજૂઆત ધ્યાને લઈને સ્વીકૃતિ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઠપ થઈ જતા અનેક ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે.
• રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેન પર યૌનશોષણનો આરોપઃ યુએસમાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે ડેમોક્રેટના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં આગળ ચાલી રહેલા બિડેન પર એક પૂર્વ સહકર્મી તારા રેડીએ ૧૯૯૩માં યૌનશોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter