સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 21st April 2020 15:27 EDT
 

યોગી આદિત્યનાથના પિતાનું નિધનઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટ (૮૯)નું સોમવારે નિધન થયું હતું. તેમને લીવર અને કિડનીમાં સમસ્યાના કારણે ૧૩ માર્ચે એઇમ્સ, દિલ્હી ખાતે દાખલ કરાયા હતા. તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં વતન પંચુરમાં મંગળવારે કરાયા હોવાનું પરિવારે જણાવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં યોગી અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા.
ટોમ એન્ડ જેરી સર્જક જિન ડાઈચનું નિધનઃ વિખ્યાત કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઈલસ્ટ્રેટર, પોપય ધ સેલર મેન અને મુનરો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક-નિર્માતા જિન ડાઈચનું ૯૫ વર્ષની વયે નિધન થયાના સમાચાર ૧૬મી એપ્રિલે વહેતા થયા હતા. જિન ડાઈચનું નિધન ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં તેમના એપાર્ટમેન્ટમાં થયું હોવાના અહેવાલ હતા.
કેદારનાથના દ્વાર ૧૪ મેએ ખૂલશેઃ ઉત્તરાખંડમાં કેદાર મંદિરના કપાટ આ વખતે ૨૯ એપ્રિલના બદલે ૧૪ મેના રોજ ખૂલશે. તો બદરીનાથના કપાટ ૩૦ એપ્રિલના સ્થાને ૧૫ મેના રોજ ખૂલશે.
કિમ જોંગ ઉનની સ્થિતિ ગંભીરઃ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગની હાર્ટની સર્જરી બાદ તેમની તબિયત સારી ન હોવાના સમાચાર છે. આ સ્થિતિમાં કિમ જોંગ પછી તેમની બહેન કિમ યો જોંગને નોર્થ કોરિયન સત્તામાં શક્તિશાળી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે.
ક્રૂડના બેરલ દીઠ ભાવ ગગડ્યાઃ મંદીના કારણે ૨૦મી એપ્રિલે ન્યૂ યોર્ક ક્રૂડ ઓઈલના ભાવ સોમવારે મોડી સાંજે ૪૫ ટકાથી વધુ તૂટીને બેરલ દીઠ ૧૧ ડોલરની સ્થિતિએ ઊતરીને ૧૦.૦૧ ડોલર થયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ આશરે ૬ ટકા તૂટીને ૨૬.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter