સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 19th May 2020 15:32 EDT
 

• ઓડિશા-પશ્ચિમ બંગાળમાં સુપર સાઈક્લોન એમ્ફાનઃ એમ્ફાન વાવાઝોડાએ સુપર સાઈક્લોન બની ઓડિશા-પશ્ચિમ બંગાળમાં દહેશત ફેલાવી હોવાના અહેવાલ ૧૯મીએ હતા. નેશનલ ડિઝાસ્ટરની ૩૭ ટીમ સજ્જ કરાઈ છે. વાવાઝોડું ૨૩૦થી ૨૬૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે કહેર વર્તાવી શકે છે. વાવાઝોડાના પગલે બદલાયેલા વાતાવરણના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ હતો. વડા પ્રધાને એમ્ફાન સામે લડવા માટેની તૈયારીની સમીક્ષા કરી હતી.
• નકસલીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદઃ મહારાષ્ટ્રના નકસલવાદીઓથી પ્રભાવિત ગઢચિરોલીના ભામરાગઢ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં પોલીસના બે જવાન ૧૭મીએ શહીદ થયાં હતાં. આ અથડામણમાં અન્ય ત્રણ જવાનો ઘાયલ પણ થયા છે.
• પાકિસ્તાનનો ડોક્ટર અમેરિકામાં હુમલો કરવા માગતો હતો: અમેરિકામાં પાકિસ્તાની ડોક્ટર લોન વોલ્ફ (ઉં ૨૮) આતંકી હુમલો કરવા માગતો હોવાનું તેની પૂછપરછમાં જાહેર થયું છે. મુહમ્મદ મસૂદ નામના આ આતંકીની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને તેની સામે અભિયોગ ચલાવવામાં આવ્યું હતું, જે દરમિયાન તેણે અમેરિકામાં આઈએસ માટે મોટા હુમલાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
• ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોતઃ ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત થઇ ગયાના અહેવાલ ૧૭મી મેએ હતા. વેઇ હર્ટઝલિયા કાથેના પોતાના નિવાસે પથારીમાં મૃત મળી આવ્યા હતા. આ ઘટના રવિવારે વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના શપથ સમારંભના થોડા કલાકો પહેલાં જ બની હતી. વેઇના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. જે ઇઝરાયલમાં ન હતાં.
• કાબુલમાં ગર્ભવતી મહિલાઓ સહિત ૨૪ની હત્યાઃ અફઘાનમાં કાબુલમાં શિયા મુસ્લિમો વાળા વિસ્તારમાં આઇએસના આતંકીઓએ ૧૬મી મેએ હુમલો કર્યો હતો તેમાં મૃત્યુઆંક વધીને ૨૪ પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન સરકાર આ હુમલા માટે તાલિબાન નામના આતંકી સંગઠનને જવાબદાર ઠેરવી રહી છે પણ અમેરિકાએ દાવો કર્યો છે કે આ હુમલો આઇએસ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના નિશાના પર શિયા મુસ્લિમો હતા. આ હુમલો એક મેટરનિટી હોમ પર કરવામાં આવ્યો હતો, તે સમયે ૧૦૦થી વધુ મહિલાઓ ત્યાં હાજર હતી અને અનેક બાળકો પણ હતા.
• રવાંડામાં આઠ લાખ લોકોના નરસંહારનો આરોપી ઝડપાયોઃ ૨૫ વર્ષથી દુનિયાનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ફેલિસીન (ઉં ૮૪) કાબુગા ૧૬મી મેએ ફ્રાન્સમાંથી ઝડપાયો હતો. તેના માથે આઠ લાખ લોકોની હત્યાનો ગુનો નોંધાયો હતો. ૧૯૯૪માં રવાન્ડામાં એક નફરત ફેલાવતી કેમ્પેઈન તેણે શરૂ કરાવી હતી, જેમાં ૧૦૦ દિવસમાં જ આઠ લાખનો નરસંહાર થયો હતો. ફેલિસીન બિઝનેસમેન હતો. નકલી પાસપોર્ટ અને ઓળખપત્ર સાથે તે ફ્રાન્સમાં રહેતો હતો. તેને ઈન્ટરનેશનલ કોર્ટમાં રજૂ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter