• તઝાકિસ્તાનમાં ભૂકંપઃ મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે તઝાકિસ્તાનમાં સવારે ૭:૦૦ વાગ્યે ૬.૮ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભૂંકપનું કેન્દ્રબિંદુ રાજધાની દુશાન્બેથી ૩૪૧ કિ.મી. દૂર હોવાનું જણાવાયું છે.
• ૫૮ ઇન્ટરનેટ ઉપગ્રહનું અંતરિક્ષમાં લોન્ચિંગઃ એલોન મસ્કની સ્પેસેક્સ કંપનીએ ૧૩મી જૂને ૫૮ જેટલા સ્ટારલિંક ઉપગ્રહ અને પૃથ્વીનું નિરીક્ષણ કરતા ત્રણ નાના ઉપગ્રહોને ફ્લોરિડાથી અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા હતા.
• ભારતીય ફાઇટર જેટ પાક.માં દેખાયાની અફવાઃ ભારતીય વાયુ સેનાનાં ફાઇટર જેટ પાકિસ્તાનનાં કરાચી અને બહાવલપુરની આસપાસ ઉડી રહ્યાંના સમાચારા તાજેતરમાં રાત્રે પાકિસ્તાનનાં સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ સમાચાર વહેતા થતાં જ સમગ્ર પાકિસ્તાનમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ અફવા હોવાનું જણાવાયું હતું.
• ચીનમાં ભયાનક પૂર, ૧૩નાં મોતઃ ચીનના ગ્વાંગ્શી અને હૂનાનમાં ભયાનક પૂરના કારણે ૧૩ લોકોનાં મોત અને ૧૨થી વધુ લાપતા થયાના અહેવાલ ૧૦મી જૂને હતાં. નદીઓ માટે વિખ્યાત ગ્વાંગ્સી પ્રાંતમાં નદીઓ ગાંડીતૂર બનતાં બે લાખ લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.
• બલૂચોના દેખાવથી પાક. સેના ડરીઃ આશરે બે સપ્તાહ પહેલાં બલુચિસ્તાનના તરબૂતમાં એક માતા અને તેની ૪ વર્ષની પુત્રીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સત્તાધારી બલુચિસ્તાન આવામી પાર્ટી (બીએપી)ના સભ્યોએ જ હત્યા કરી હોવાનું કહીને બલુચો દેખાવ કરે છે અને તાજેતરમાં બ્રાબચાહ વિસ્તારમાં બલુચોના હિંસાત્મક દેખાવથી પાક. સેનાએ ડરીને પીઠેહઠ કરી હતી.