• માલ્યાને ૫ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા આદેશઃ સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ના કોર્ટના અનાદરમાં કેસમાં વિજય માલ્યાની રિવ્યુ પિટિશન સોમવારે ફગાવી દીધી હતી અને માલ્યાને પાંચમી ઓક્ટોબરે બપોરે બે વાગ્યે કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે. માલ્યાને ન્યાયિક આદેશોને કોરાણે મૂકીને ડિયાજિયો કંપની પાસેથી મળેલા ૪ કરોડ ડોલર સંતાનોના બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને કોર્ટનો અનાદર કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૯ મે ૨૦૧૭ના રોજ દોષિત ઠેરવ્યો હતો. માલ્યાએ આ કેસમાં રિવ્યુ પીટિશન દાખલ કરી હતી. તે માર્ચ ૨૦૧૬થી લંડનમાં રહે છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયત્નશીલ છે.
• સિંગાપોરની સંસદમાં ભારતવંશી વિપક્ષના નેતાઃ સિંગાપોરના ભારતીય મૂળના નેતાએ સિંગાપોરના વિપક્ષના નેતા બનીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય મૂળના નેતા સિંગાપોરમાં વિપક્ષના નેતા બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. સિંગાપોરમાં ૧૦ જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સિંહની વર્ક્સ પાર્ટીએ ૯૩માંથી ૧૦ સંસદી બેઠકો જીતી લીધી હતી. જેના કારણે તેમનો પક્ષ સૌથી મોટો વિપક્ષ બની ગયો છે. સામાન્ય ચૂંટણી પછી સોમવારે પ્રથમ વખત સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સંસદના નેતા ઈન્દ્રાણી રાજાએ વિપક્ષના નેતા તરીકે ૪૩ વર્ષીય પ્રિતમ સિંહની જાહેરાત કરી હતી. સંસદને સંબોધતાં પ્રિતમ સિંહે જણાવ્યું હતું કે વિદેશીઓ અને તેમની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સિંગાપોરમાં અર્થતંત્રમાં વિદેશીઓનો મહત્ત્વનો ફાળો છે. વિદેશીઓએ સિંગાપોરમાં અને નોકરીઓનું સર્જન કર્યું છે. સંસદના નેતા ઈન્દ્રાણી રાજા પણ ભારતીય મૂળના છે અને તે સત્તામાં રહેલી પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટીના નેતા છે.
• સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને રૂ. ૧નો દંડઃ કોર્ટની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ કર્યો હતો. જો ભૂષણ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દંડ ન ભરે તો તેમને ૩ મહિનાની કેદ અને ૩ વર્ષ સુધી વકીલાત પર પ્રતિબંધની સજા ફટકારવામાં આવી હતી. પ્રશાંત ભૂષણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું પૂરા સન્માન સાથે કોર્ટના ચુકાદાને સ્વીકારું છું. કોર્ટના આદેશને પગલે હું રૂ.૧નો દંડ ભરીશ પણ ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવાનો મારો અધિકાર સુરક્ષિત રહેશે. ચુકાદા પછી તેમના વકીલ રાજીવ ધવન દ્વારા દંડ ભરવા માટે ભૂષણને રૂ.૧નો સિક્કો આપવામાં આવ્યો હતો. કોર્ટ તેમજ ચીફ જસ્ટિસ પર કોમેન્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ૧૪ ઓગસ્ટે ભૂષણને અવમાનના કેસમાં દોષિત ઠરાવ્યા હતા પણ સજાનો ચુકાદો ૩૧ ઓગસ્ટ સુધી અનામત રાખ્યો હતો.
• રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મેહુલ ચોકસીએ ફંડ આપ્યુંઃ ભારતીય જનતા પાર્ટીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ)ના ફંડિંગને લઈને કહ્યું કે, RGFને બેન્ક ફ્રોડમાં ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીઓમાંથી ડોનેશન મળતું હતું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, RGFને ચોક્સી ઉપરાંત ઝાકીર નાઇક, યસ બેન્કનાં રાણા કપૂર અને જિજ્ઞોશ શાહ તરફથી પણ ડોનેશન મળતું હતું. આ દરેક વ્યક્તિઓ કોઈને કોઈ કૌભાંડમાં સામેલ છે. RGFને મળતું ડોનેશન કોઈ સંયોગ નહીં પણ સમજી વિચારીને કરવામાં આવેલ સાજિશ હતી.
• યુએસમાં કોરોનાનો કેર ઘટ્યોઃ દુનિયાના સુપરપાવર અમેરિકા અને બ્રાઝિલ કોરોના સામે ઘૂંટણિયે પડી ગયા છે. પરંતુ સોમવારે આ બન્ને દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં ૩૩,૯૮૧ અને બ્રાઝિલમાં ૧૫,૩૪૬ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં ૫૪ દિવસ અને બ્રાઝિલમાં ૧૧૫ દિવસ બાદ ૪૦૦ કરતા ઓછા મોત થયા છે. સમગ્ર દુનિયાભરમાં કોરોનાના ૨.૫૪ કરોડ કેસ છે, ૧.૭૭ લાખ લોકો સાજા થયા છે તો અત્યાર સુધી ૮.૫૧ લાખ લોકોના મોત થયા છે. હાલમાં ૬૮.૩૮ લાખ લોકો સારવાર હેઠળ છે. ઈન્ડોનેશિયામાં ૧૦૦ કરતા પણ વધારે ડોક્ટરોના મોત થવાની સાથે જ દેશમાં કોરાનાનું સંક્રમણ અત્યંત ઝડપી ગતિએ ફેલાઈ રહ્યું છે.
• વસતી ગણતરી અને એનપીઆર કામગીરી મુલત્વીઃ દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ચાલુ વર્ષે યોજાનારી પહેલા તબક્કાની વસતી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર સુધારવાની કામગીરી મોકૂફ રહે તેવી સંભાવના છે. દેશમાં કોરોના મહામારી ઘટવાના કોઇ અણસાર દેખાતાં ન હોવાથી વસતી ગણતરી અને એનપીઆર સુધારવાની કામગીરી એક વર્ષ વિલંબિત થઇ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે વસતી ગણતરી આવશ્યક કામગીરી નથી.
• કોંગ્રેસ બંધારણનું પાલન નથી કરતી - સિબ્બલનો આક્રોશઃ કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણી યોજવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે ભાજપ પર આરોપો લગાવનારા કોંગ્રેસમાં જ બંધારણનું પાલન નથી થઇ રહ્યું. સાથે પોતાનો રોષ ઠાલવતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની જે બેઠક યોજાઇ હતી તેમાં મેં જે પણ સુચનો સલાહ અને પ્રસ્તાવ મુક્યા હતા તેમાંથી કોઇ પર વિચારણા નથી કરવામાં આવી રહી. જ્યારે ૨૩ નેતાઓએ પત્ર લખીને ચૂંટણી યોજવા અને કાયમી પ્રમુખ નિમવાની માગણી કરી તો આ નેતાઓને જયચંદ અને ગદ્દાર કહેવામાં આવ્યા ત્યારે કોઇ અન્ય નેતાએ તેમનો બચાવ ન કર્યો તે દુ:ખદ છે.