સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 16th September 2020 08:28 EDT
 

• પાકિસ્તાનમાં વિદેશી મહિલા પર ગેંગરેપઃ પાકિસ્તાનમાં ૧૦મીએ પરોઢિયે ફ્રાન્સની મહિલા પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઇવ કરીને લાહોર-સિઆલકોટ મોટરવે પર ગુજરાનવાલા જતી હતી. ત્યારેે મહિલાને કારમાંથી ખેંચીને તેના પર દુષ્કર્મ થયાની ફરિયાદ મહિલાએ પોલીસમાં નોંધાવી હતી. મહિલાની પોલીસ ફરિયાદ પછી કેસની તપાસ કરતા અધિકારીએ વળી ઘટના માટે મહિલાને જવાબદાર ઠેરવવા પ્રયાસ કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.
• અફઘાન સરકાર-તાલિબાન વચ્ચે ઐતિહાસિક મંત્રણાઃ અફઘાનિસ્તાનમાં દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષ પછી હવે પ્રદેશમાં શાંતિ સ્થપાય તે માટે કતારના દોહામાં પ્રયાસો થઈ રહ્યાં છે. અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે શરૂ થયેલી શાંતિમંત્રણા સફળ રહેશે તો ૧૯ વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી નાટો સૈનિકોની વાપસીનો રસ્તો ખુલ્લો થશે. દોહા ખાતે અફઘાન તાલિબાનોનું કાર્યાલય છે.
• ઈરાને ચેમ્પિયન રેસલર નાવિદ અફકારીને ફાંસી આપીઃ ઈરાન સરકારે ચેમ્પિયન રેસલર નાવિદ અફકારીને આખરે ૧૨મીએ ફાંસીની સજા આપી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ, દુનિયાભરના લગભગ ૮૫ હજાર રમતવીરો સહિત વિશ્વના કેટલાક દેશોએ નાવિદને ફાંસી ન આપવાની અપીલ ઈરાનને કરી હતી. જોકે ઈરાને કોઈની વાત કાને ન ધરીને ૨૭ વર્ષના ચેમ્પિયન રેસલર નાવિદ અફકારીને એક મર્ડરના આરોપમાં મૃત્યુદંડ અપાયો હતો.
• પત્રકાર ખશોગીના હત્યારાઓની મોતની સજા કેદમાં તબદીલ: સાઉદી અરેબિયાની એક કોર્ટે પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે દોષિત પાંચ લોકોની મોતની સજા ૭થી ૨૦ વર્ષની કેદમાં ફેરવી છે. સાઉદીનું કહેવું છે કે ખશોગીના પરિવારે દોષિતોને માફ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે તેમની મોતની સજાને કેદમાં ફેરવવાનું નક્કી કરાયું છે. જોકે, ખશોગીની ફિયાન્સી હાતિજ જેંગીજે આ નિર્ણયને ન્યાયની મજાક ગણાવ્યો છે. તૂર્કીના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયે પણ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, આ નિર્ણય વિદેશી સમુદાયની અપેક્ષાઓ પર ખરો નથી ઉતરતો. સાઉદી સરકારન મુખ્ય ટીકાકાર ખશોગીની ૨૦૧૮માં તૂર્કીના ઇસ્તંબુલ શહેર સ્થિત સાઉદીના દૂતાવાસમાં સાઉદી એજન્ટોની ટીમે હત્યા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter