સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Friday 27th November 2020 06:29 EST
 

દેશ-વિદેશમાં બનેલી નાની-મોટી ઘટનાઓ ઉડતી નજરે...

• અગ્રણી ભારતીય-અમેરિકન ડો. લોઢાનું કોરોનાથી નિધનઃ જાણીતા ભારતીય-અમેરિકન ડોક્ટર અને ભારતીય સમુદાયના આગેવાન ડો. અજય લોઢા કોરોના સંક્રમિત થતાં અવસાન પામ્યા છે. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝીશિયન્સ ઓફ ઇન્ડિયા ઓરિજન (‘આપી’)ના પૂર્વ પ્રમુખ લોઢા છેલ્લા આઠ મહિનાથી ક્લીવલેન્ડ ક્લિનિકમાં કોરોના સામે લડી રહ્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની સ્મિતા, પુત્ર અમીત અને પુત્રી શ્વેતાને મુક્તા ગયા છે. ભારતીય હાઇ કમિશને પણ ડો. લોઢાના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
• બાઇડેને વિદેશ પ્રધાન તરીકે બ્લીકેનને પસંદ કર્યાઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને વિદેશ પ્રધાન તરીકે એન્ટની બ્લીકેનને જ્યારે જેક સુલિવાનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પસંદ કર્યા છે. ૫૮ વર્ષના બ્લીકેન ઓબામા વહિવટી તંત્રની પ્રમુખ તરીકેની બીજી ટર્મમાં નાયબ વિદેશ પ્રધાન અને બાઇડેન ઉપપ્રમુખ હતા ત્યારે તેમના સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. ભારતતરફી મનાતા બ્લીકેન બિડેનના પ્રચારમાં ટોચના વિદેશી સલાહકારોમાંના એક હતા. સમગ્ર વિશ્વમાં અમેરિકાના નવેસરથી સંબંધો સ્થાપિત કરવા માટે તેમની પસંદગી કરાઈ હોવાનું બાઇડેનની નજીકના વર્તુળોનું કહેવું છે.
• ક્રાઉન પ્રિન્સ સલમાન અને નેતાન્યાહૂ વચ્ચે મંત્રણાઃ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રવિવારે ગુપચુપ રીતે સાઉદી અરેબિયા ગયા હતા અને તેમણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સાથે ગુપ્ત મંત્રણા કરી હતી. દુશ્મન દેશોના નેતાઓ વચ્ચેની આ પહેલી બેઠક હતી અને એ જોતા આ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના અમેરિકાના પ્રયાસો સફળ થઈ રહ્યા હોય એમ જણાય છે. જોકે, હજી સુધી આ મુલાકાત વિશે ઇઝરાયેલ કે સાઉદી અરેબિયા દ્વારા સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો પણ આ બેઠકમાં હાજર રહ્યા હોવાના અહેવાલો છે.
• ચિરાગ સચદેવને ૩૩ મહિનાની કેદઃ અમેરિકાના રોડ આઈલેન્ડમાં ટેલિ માર્કેટિંગ અને બેન્ક સંબંધિત ઠગાઈ મામલે ચિરાગ સચદેવ નામના ભારતીયને ૩૩ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે. દોષિત ચિરાગે અમેરિકામાં અનેક વૃદ્ધ લોકોના બેન્ક એકાઉન્ટના ઓનલાઈન યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને પૈસા ચોરવાના ષડયંત્રમાં સામેલ હોવાનો એકરાર કર્યો છે. કોર્ટે સચદેવને કેદમુક્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેના પર દેખરેખ રાખવાનો પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીડિતોને નુકસાન ભરપાઈ પેટે ૪૪૪૨ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ સંબંધિત અન્ય એક ઠગાઈ કેસમાં વધુ એક ભારતીય નાગરિક મનીષ કુમારની પણ ધરપકડ કરાઈ છે.
• તિબેટના પ્રમુખ વ્હાઇટ હાઉસની મુલાકાતેઃ તિબેટિયન સરકારના દેશનિકાલ કરાયેલા પ્રમુખ ડો. લોબસંગ સંગયે શુક્રવારે વ્હાઇટ હાઉસની મુલાકાત લઈને ઇતિહાસ સર્જ્યો હતો. ૬ દશકમાં પહેલી વખત આ ઘટના બની હતી. જોકે, એના લીધે ચીન ધૂંઆપૂંઆ થયો છે. હવે અમેરિકા અને ચીનના સંબંધો વચ્ચે ફરી તણાવ વધી શકે છે. ડો. લોબસંગને તિબેટની બાબતોના અમેરિકાના નવા નિમાયેલા વિશેષ સંકલનકાર રોબર્ટ ડેસ્ટ્રોને મળવા માટે વ્હાઇટ હાઉસનું આમંત્રણ અપાયું હતું. કેન્દ્રીય તિબેટિયન વહીવટી તંત્ર માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે. આ મુલાકાતથી કેન્દ્રીય તિબેટિયન વહીવટી તંત્રની લોકશાહી પ્રણાલી અને એના રાજકીય વડાને માન્યતા મળે છે.
• ચીને પશ્ચિમી દેશોની આંખો ફોડવા ધમકી આપીઃ હોંગકોંગના મુદ્દે દુનિયાભરમાં ટીકા થતાં અકળાયેલા ચીને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાને આંખો ફોડીને અંધ કરી દેવાની ધમકી આપી છે. વાસ્તવમાં આ પાંચ પશ્ચિમી દેશોએ હોંગકોંગમાં લોકશાહીને ટેકો આપતા અને ચીનવિરોધી સાંસદોને ગેરલાયક ઠેરવતા ચીનના નિયમોની ટીકા કરીને ‘ફાઇવ આઇઝ’ સંગઠન બનાવ્યું છે. આ પાંચેય દેશોએ ચીનને આ નિયમ રદ કરવા જણાવ્યું છે. જેના પગલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પશ્ચિમી દેશોને ચીનની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાની ચેતવણી આપી છે. ‘ફાઇવ આઇઝ’ વિશે તેણે કહ્યું હતુંઃ ‘તેની પાસે પાંચ આંખો હોય કે દસ, કોઈ ફરક પડતો નથી. ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસનાં હિતોને નુકસાન પહોંચાડવાનું કોઇ સાહસ કરશે તો તેમણે આંખો ફોડવામાં આવી શકે છે.’

• સાઉદી અરેબિયાએ ભારતનો ખોટો નકશો ધરાવતી બેંકનોટ પાછી ખેંચીઃ સાઉદી અરેબિયાએ શનિવારથી શરૂ થયેલા જી-૨૦ શિખર સંમેલન પહેલાં જ ભારતનો ખોટો નક્શો ધરાવતી સ્થાનિક ચલણ રિયાલની બેંકનોટ પાછી ખેંચી લીધી છે. વાસ્તવમાં ૨૦ રિયાલની બેંકનોટ પર ભારતનો ખોટો નકશો છપાયો હતો, જેમાં અવિભાજિત જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ બતાવાયો હતો. ભારત એની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે માત્ર આ નોટને પાછી ખેંચી નથી લેવાઇ, પરંતુ એનું પ્રિન્ટિંગ પણ અટકાવી દેવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter