સંક્ષિપ્ત સમાચાર - દેશ-વિદેશ

Thursday 24th December 2020 02:30 EST
 

દેશ-વિદેશમાં બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...

• ન્યૂઝીલેન્ડ હવે કોરોનામુક્તઃ ન્યૂઝીલેન્ડ સરકારે કોરોના વાઇરસ સંબંધિત તમામ પ્રતિબંધોને હટાવી લીધા છે અને દેશને કોરોના ફ્રી જાહેર કર્યો છે. સમગ્ર ન્યૂઝીલેન્ડમાં પાછલા બે સપ્તાહથી એક પણ કોવિડ-૧૯ કેસ નોંધાયો નથી.
• ભારતમાં વેક્સિનેશનનો તખતો તૈયારઃ ભારત સરકારે વેક્સિનેશન માટે તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના રસીકરણ સંબંધિત ઓપરેશનલ ગાઇડલાઇન જાહેર કરી છે. તમામ રાજ્યોને મોકલાયેલી ૧૧૩ પાનાની આ ગાઇડલાઇનમાં રસી આવતા પહેલાની તૈયારી, લાભાર્થીઓની ઓળખની સાથે જ વેક્સિન આવ્યા પછી કે કેવી રીતે લાગશે અને કોણ લગાવશે... જેવી સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે. ગાઇડલાઇન મુજબ રસીકરણની પ્રક્રિયા ચૂંટણીના આયોજનની જેમ હશે. પ્રાથમિકતાના આધારે પહેલા નક્કી કરાયેલા લોકોને જ રસી અપાશે. એક બૂથ પર એક દિવસમાં ૧૦૦થી વધુ લોકોનું રસીકરણ થઇ શકશે નહીં. દેશમાં કુલ કેટલા બૂથ બનાવવા તે હજી નક્કી થયું નથી.
• ટ્રમ્પ સરકારની ધમકી પછી યુએસમાં ફાઇઝરને મંજૂરીઃ દુનિયામાં કોરોના મહામારીનો સૌથી વધુ પ્રકોપ સહન કરનારા અમેરિકાએ ફાઇઝર અને બાયોએનટેકની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. એક્સપર્ટ પેનલે તો શરૂમાં જ તેને મંજૂરી આપી દીધી હતી. આ પછી મામલો ત્યાંના ડ્રગ રેગ્યુલેટર એફડીએ પાસે હતો. અમુક કલાકો સુધી એફડીએ દ્વારા કોઇ મંજૂરી ન મળતા ટ્રમ્પ સરકાર તરફથી દબાણ વધારાયું હતું. આખરે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે એફડીએ કમિશનર સ્કીફન હાનને ફોન કરી કહ્યું કે તે કાં તો શુક્રવાર સાંજ સુધીમાં વેક્સિનને મંજૂરી આપો નહીં તો રાજીનામું આપી નવી નોકરી શોધી લેજો. આ પછી એફડીએએ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી. આમ અમેરિકા વેક્સિનને મંજૂરી આપનાર દુનિયાનો છઠો દેશ બન્યો છે.
• કોરોનાની વૈશ્વિક સ્થિતિ વધુ ભયાનક થઈ શકેઃ વિશ્વમાં કોરોના સંક્રમણનો કુલ આંક ૭.૨૭ કરોડ થયો છે અને ૧૬.૨૦ લાખનાં મોત થઇ ચૂક્યાં છે ત્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે આગામી ચાર-છ મહિનામાં કોરોનાની વૈશ્વિક સ્થિતિ વધુ ભયાનક થઈ શકે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના મતે કોરોનાનાં કારણે લોકડાઉન જેવી સ્થિતિ ૨૦૨૨ સુધી ચાલુ રહી શકે છે અને રેસ્ટોરન્ટ્સે આગામી છ મહિના સુધી તેમના બારણા બંધ રાખવા પડે તેવી શક્યતા છે. ગેટ્સ માને છે કે માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું જેવી ભૂલો અમેરિકામાં વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.
• મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડને પાક.ની આર્થિક સહાયઃ મુંબઇ હુમલાના મુખ્ય આરોપી લશ્કર-એ-તોઇબાના વડા જકી-ઉર-રહેમાન લખવીને પાકિસ્તાન સરકાર દર મહિને દોઢ લાખ રૂપિયા આપશે. ઇમરાન ખાન સરકારના આ પ્રસ્તાવને યુએન સિક્યુરિટી કાઉન્સિલની પ્રતિબંધ સમિતિએ મંજૂરી આપી દીધી છે. ૨૦૦૮માં મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં લખવીનો હાથ હોવાનું સામે આવતાં સિક્યુરિટી કાઉન્સિલે તેને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં નાખી દીધો હતો. લખવીને દર મહિને ભોજનસહાય પેટે રૂ. ૫૦ હજાર, દવા માટે ૪૫ હજાર, વકીલની ફી અને અન્ય ખર્ચાઓ માટે ૨૦-૨૦ હજાર તથા પ્રવાસ માટે ૧૫ હજાર રૂપિયા આપશે.
• શેખ રશીદ હવે પાક.ના ગૃહ પ્રધાનઃ ભારતવિરોધી સતત ઝેર ઓકનાર અને પરમાણુ હુમલાની ધમકી આપનારા નેતાને ઇમરાન ખાન સરકારે પાકિસ્તાનના ગૃહ પ્રધાન બનાવ્યા છે. અત્યાર સુધી એઝાઝ શાહ ગૃહ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હતા. હવે એઝાઝ શાહને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સોંપાયું છે. બીજી તરફ શેખ રશીદે ગૃહ મંત્રાલય સંભાળતા તેમના સ્થાને રેલવે પ્રધાન તરીકે આઝમ ખાન સ્વાતીની નિમણુંક કરાઇ છે.
• ગુગલ - એમેઝોનને ૧૬.૩ કરોડ ડોલરનો દંડઃ ફ્રાન્સમાં ઇન્ટરનેટ યુઝર્સની મંજૂરી વગર વિજ્ઞાાપન કરવા બદલ એમેઝોન અને ગુગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાઇવેસી વોચડોગ દ્વારા કુકીઝની જાહેરાત કરવા બદલ ગુગલને ૧૨.૧ કરોડ અને એમેઝોનને ૪.૨ કરોડ ડોલર દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બંને કંપનીઓએ કુકીઝના વિજ્ઞાપનમાંથી કરોડો ડોલર કમાયા હતા. વોચડોગ સીએનઆઇએલ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને કંપનીઓની ફ્રેન્ચ વેબસાઇટ દ્વારા કુકીઝના વિજ્ઞાપન માટે ઇન્ટરનેટ યુઝર્સની અગાઉથી મંજૂરી લેવામાં આવી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter