સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 05th January 2021 16:48 EST
 

• ભારત સામે ચીનના આક્રમક વલણની ટીકા કરતો કાયદોઃ ચીને ભારત સામે આક્રમકતા દર્શાવી તેની ટીકા કરતું બાઈપાર્ટિસન કોંગ્રેસનલ પ્રોવિઝન અમેરિકામાં કાયદો બન્યું છે. કેમ કે યુએસ કોંગ્રેસે ૭૪૦ અબજ ડોલરના ડિફેન્સ પોલીસી બિલ પરના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિટોને રદ કર્યો છે. જેમાં અન્ય બાબતોની સાથોસાથ લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ પર આક્રમકતા દર્શાવવા બદલ ચીની સરકારને પડકારવાની બાબતનો સમાવેશ થતો હતો.
• વગર વાંકે ૨૮ વર્ષ જેલમાં રહેનારને રૂ. ૭૨ કરોડનું વળતરઃ અમેરિકામાં નિર્દોષ અશ્વેત ચેસ્ટર હોલમેન થ્રીને હત્યાના કેસમાં ૨૮ વર્ષ સુધી જેલમાં રાખવા બદલ સરકારને આશરે રૂ. ૭૨ કરોડ (૯૮ લાખ ડોલર) રકમ ચેસ્ટરને ચૂકવવી પડી છે. ૧૯૯૧માં હત્યા કેસમાં મુખ્ય સાક્ષીએ જુબાનીમાં જૂઠ્ઠું બોલીને ચેસ્ટરને ફસાવી દીધો હતો. તે સમયે તેની ઉંમર ૨૧ વર્ષની હતી. ગત વર્ષે નિર્દોષ છૂટકારા બાદ ચેસ્ટર હોલમેન થ્રીએ સરકાર પર જ વળતર માટે દાવો માંડયો હતો.
• અભિનેત્રી તાન્યા રોબર્ટ્સનું નિધનઃ બોન્ડ સિરીઝની ફિલ્મ ‘અ વ્યુ ટુ કિલ’માં જેમ્સ બોન્ડનો રોલ કરનાર એક્સ્ટ્રેસ તાન્યા રોબર્ટ્સનું ૬૫ વર્ષે ચોથીએ નિધન થયું હતું. તાન્યા રોબર્ટ્સ તેમનું અભિનય ક્ષેત્રનું નામ હતું. તેમનું સાચું નામ વિક્ટોરિયા લિબ્લુમ હતું. મોડેલિંગથી શરૂઆત કર્યા પછી ૧૯૭૫માં હોરર ફિલ્મ ‘ફોર્સ્ડ એન્ટ્રી’ દ્વારા તેઓ હોલિવૂડમાં પ્રવેશ્યા હતા.
• ઇઝરાયલી જાસૂસ જોનાથનની મુક્તિઃ ઈઝરાયલ માટે જાસૂસી કરનાર અમેરિકી અધિકારી જોનાથન પોલાર્ડને ૩૫ વર્ષની કેદ પછી અમેરિકાએ તાજેતરમાં મુક્ત કર્યા હતા. પોલાર્ડે અમેરિકી નૌકાદળના અનેક ગુપ્ત દસ્તાવેજો ઇઝરાયલને આપ્યા હતા. પોલાર્ડ છૂટ્યા પછી પત્ની સાથે ઈઝરાયલ આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ હાજર રહ્યા હતા
• પાકિસ્તાન દૂતાવાસ પાસેથી રૂ. ૪૫૦ કરોડ વસૂલીનો આદેશઃ વિદેશી સંપત્તિ રિકવરી ફર્મ બ્રોડશિટ એલએલસી સાથે પાકિસ્તાને ગરબડ કરી હતી. વિદેશી સંપત્તિ ફર્મને જે રકમ આપવાની હતી તે પાકિસ્તાને આપી ન હતી. ૨૦૧૮થી ચાલતો આ મુદ્દો નેશનલ એકાન્ટબિલિટી બ્યૂરોમાંથી કોર્ટમાં ગયો હતો. એ પછી પાકિસ્તાન દૂતાવાસના બેંક એકાઉન્ટમાંથી તાત્કાલિક ધોરણે રૂ. ૪૫૦ કરોડ કાપી લેવાનો આદેશ બ્રિટિશ હાઈ કોર્ટે બીજીએ કર્યો છે.
• યમનના વડા પ્રધાન નેતાઓને નિશાન બનાવી બ્લાસ્ટઃ યમનમાં અદન એરપોર્ટ પર ૩૦મીએ થયેલા બ્લાસ્ટમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. સાઉદી અરબથી આવેલી યમનની નવી સરકારનું વિમાન હજુ આ એરપોર્ટ પર ઉતર્યું જ હતું ત્યાં આ વિસ્ફોટ થયો હતો. યમન સરકારનો દાવો છે કે, હુથી બળવાખોરોએ યમનની નવી સરકારને ટાર્ગેટ કરીને તેના નેતાઓને હાનિ પહોંચાડવાનો હતો. જે વિમાન હુમલાખોરોના ટાર્ગેટ પર હતું તેમાં યમનના નવા વડા પ્રધાન મીન અબ્દુલ મલિક સહિત તેમના પ્રધાન મંડળના નેતાઓ સવાર હતા.
• જેક માની સંપત્તિમાં ઘટાડોઃ અલીબાબાના સહસ્થાપક જેક માની સંપત્તિ ઓકટોબર, ૨૦૨૦થી અત્યાર સુધીના બે મહિના દરમિયાન આશરે ૧૧ અબજ ડોલર ગગડી છે. ચીને દેશની અન્ય હેવી વેઇટની સાથોસાથ આ મહાકાય ઇ-કોમર્સ કંપનીની બારીક તપાસમાં વધાર્યા પછી જેક માની સંપત્તિ ૬૧.૭ અબજ ડોલરની ટોચેથી ગગડીને ૫૦.૯ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. જે તેને વિશ્વના ૨૫મા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બતાવે છે.
• અફઘાનિસ્તામાંથી ૧૦ ચીની જાસૂસોને છોડી મુકાયાઃ અફઘાનિસ્તાનમાં ચીનના ૧૦ જાસૂસો પકડાયા હતા. અફઘાનિસ્તાન સરકારે આ જાસૂસોને છોડી મૂકવાના બદલામાં માગ કરી હતી કે એ બાબતે ચીન જાહેરમાં માફી માગે. એ દરમિયાન અચાનક અફઘાન સરકારે જાસૂસોને માફી આપી દીધી હોવાની જાહેરાત કરાઈ હતી. ચીન સાથેની ગુપ્ત વાટાઘાટો પછી આખરે અફઘાનિસ્તાન સરકારે જાહેર કર્યું હતું કે સરકારે ૧૦ ચાઈનીઝ જાસૂસોને માફી આપી દીધી છે. કઈ શરતોના આધારે ચીની જાસૂસોને માફી આપી તે બાબતે અફઘાનિસ્તાને કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી.
• યુએનના સ્થાપક સભ્ય બ્રાયન ઉર્કુટનું નિધનઃ બ્રિટિશ ડિપ્લોમેટ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્થાપક સભ્યો પૈકીનાં એક બ્રાયન ઉર્કુટનું ૧૦૧ વર્ષની વયે ચોથીએ અમેરિકાના માસાચ્યુસેટ્સમાં તેમનું નિધન થયું હતું. બ્રાયન યુએનના અંડર સેક્રેટરી રહી ચૂક્યાં હતાં અને ૧૯૮૫ સુધી યુએનમાં સક્રિય હતાં. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ૨૦ વર્ષના બ્રાયન બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા. ૧૯૪૫ સુધી બ્રિટિશ આર્મીમાં તેઓ સક્રિય રહ્યાં હતાં અને મેજર રેન્ક સાથે તેમણે સેવાનિવૃત્તિ મેળવી હતી. એ વખતે જ બ્રિટિશ સરકારે તેમને યુએનની સ્થાપનામાં સક્રિય કર્યાં હતાં. યુએનમાંથી નિવૃત્તિ બાદ તે અમેરિકામાં જ વસ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter