• ૯\૧૧ મેમોરિયલને ઉડાવવાનો કારસોઃ આતંકના આરોપ હેઠળ અમેરિકન સેનાના ઓહાયોના ૨૦ વર્ષીય સૈનિક કોલ જેમ્સ બ્રિજ્સની જ્યોર્જિયામાં ધરપકડ કરાઈ છે. આ સૈનિક ઓનલાઈન ન્યૂ યોર્ક શહેરના ૯\૧૧ મેમોરિયલ, અન્ય સ્થળો તથા અમેરિકન સૈનિકો પર હુમલો કવતરાની વાત કરતો હતો. બ્રિજ્સ પર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપને મદદ કરવાનો અને સેનાના એક સભ્યની હત્યાના પ્રયત્નનો આરોપ છે.
• ડી સોસો ફરી પોર્ટુગલના રાષ્ટ્રપતિઃ પોર્ટુગલમાં ઉદારવાદી માર્સેલો રેબેલો ડી સોંસા ફરી વાર રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે રવિવારે મતદાન થયું હતું તેમાં સાત ઉમેદવાર હતા જેમાંથી સોસાને ૬૧.૫ ટકા વોટ મળ્યા હતા. આ ગત ચૂંટણીથી ૯ ટકા વધુ હતા. ૨૦૧૬માં તેમને બાવન ટકા વોટ મળ્યા હતા. બીજા ક્રમે રહેલા એના ગોમેજને ૧૪.૮ટકા વોટ મળ્યા હતા.
• ચીનના લડાયક વિમાનો તાઇવાન નજીક પહોંચ્યાઃ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, ચીનના ૮ બોમ્બર પ્લેન અને ૪ ફાઇટર જેટ તાઇવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં ૨૪મીએ પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, તાઈવાને ચીની લડાયક વિમાનોને ચેતવણી આપીને સ્થતિ પર નજર રાખી છે.
• નેપાળમાં ઓલીને તેમના જ પક્ષમાંથી હાંકી કઢાયાઃ નેપાળનાં વડા પ્રધાન કે પી શર્મા ઓલીને પોતાની જ પાર્ટીમાંથી હાંકી કઢાયા છે. સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીનાં પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે આ વાતની પુષ્ટી કરી હતી. ઓલીનાં વિરોધી જૂથની આગેવાની કરતા પુષ્પકમલ દહલ ઉર્ફ પ્રચંડ જૂથે પાર્ટી વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી બદલ ઓલી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નારાયણે કહ્યું કે, વડા પ્રધાન ઓલીનું સભ્યપદ રદ્દ કરાયું છે. આ નિર્ણય ઓલી અને તેમના સમર્થનોની ગેરહાજરીમાં લેવાયો હતો.
• હાવરામાં ભાજપ - તૃણમૂલના કાર્યકરો વચ્ચે અથડામણઃ પશ્ચિમ બંગાળના બેલ્લીમાં ૨૩મીએ ભાજપ - તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પરસ્પર હુમલા કરી સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી હતી. ભાજપે આરોપ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસના ગોળીબારમાં એક ભાજપી કાર્યકરને ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, સમારોહમાં ‘જય શ્રીરામ’ અને ‘મોદી-મોદી’ના નારાથી મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભડક્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ રાજકીય પાર્ટીનો નહીં, પરંતુ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ છે.
• આસામના ૧,૦૬,૦૦૦ પરિવારને જમીનનો અધિકારઃ આસામની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ ૨૩મીએ રાજ્યના ૧ લાખ ૬ હજાર જમીનવિહોણા પરિવારોને જમીનના પટ્ટા સોંપ્યા હતા. આ પ્રસંગે જનસભાને મોદીએ જણાવ્યું કે, આસામમાં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે લગભગ ૬ લાખ પરિવાર જમીનવિહોણા હતા અને તેમની પાસે જમીનના કોઈ દસ્તાવેજ નહોતા. અગાઉની સરકારોએ આ પરિવારોની જરાપણ કાળજી લીધી નહોતી.
• પ્રથમ વખત બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ નહીંઃ ભારતમાં ૨૩મી જાન્યુઆરીએ પરંપરાગત રીતે હલવા સમારંભના આયોજન સાથે બજેટ દસ્તાવેજોના સંકલનની પ્રક્રિયા શરૂ થઇ હતી. સમારંભમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, રાજ્ય કક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો. કોરોનાને લીધે આ વખતે બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ નહીં થાય અને બજેટ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સાંસદોને અપાશે. બજેટ પહેલાં નાણા પ્રધાને યુનિયન બજેટ મોબાઈલ એપ લોંચ કરી હતી.
• મધ્ય પ્રદેશની બાળાના રેપ – હત્યામાં બેને ફાંસીઃ માર્ચ-૨૦૧૯માં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બાંદામાંથી ૧૧ વર્ષની બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર ગેંગરેપનું ખૂલ્યું હતું. તપાસના અંતે પોલીસે બાળાના બે સંબંધી પિતા (ઉં. ૪૨) પુત્ર (ઉં. ૨૫)ની ધરપકડ કરી હતી. કોર્ટે આ બંનેને તાજેતરમાં ફાંસીની ફટકારી હતી.
• દાઉદના અન્ય એક સાથી આરિફ ભૂજવાલાની કરી ધરપકડઃ સ્વ. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બહાર આવેલા ડ્રગ રેકેટમાં એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ દાઉદના કથિત સાથીદાર ચિંકુ પઠાણની ધરપકડ કર્યા પછી ૨૫મી જાન્યુઆરીએ દાઉદના અન્ય એક સાથી આરિફ ભૂજવાલાને રાયગઢથી પકડ્યો હતો.
• ડિજિટલ મતદાર આઈડી લોન્ચઃ નેશનલ વોટર્સ ડેએ ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે, ભારતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં મતદાર કાર્ડ માટે જે મતદારોએ અરજી કરી હશે તે પોતાના મતદાર ઓળખકાર્ડ ડિજિટલ- પીડીએફ ફોર્મેટમાં પ્રાપ્ત કરી શકશે. ૧ ફેબ્રુઆરીથી તમામ મતદારો માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. રવિશંકર પ્રસાદે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ડિજિટલ ઓળખ કાર્ડ લોન્ચ કર્યું હતું.
• TRP કેસમાં અર્નબ ગોસ્વામી પર આફતઃ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના પૂર્વ સીઇઓ પાર્થા દાસગુપ્તાએ મુંબઇ પોલીસને આપેલા લેખિત નિવેદનમાં દાવો કર્યો છે કે ટીઆરપી કૌભાંડ કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ તેમને બે ફેમિલી ટ્રીપ માટે ૧૨૦૦૦ અમેરિકી ડોલર આપ્યા હતા. પૂરક ચાર્જશીટ મુજબ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, રિપબ્લિક ચેનલના પક્ષે રેટિંગ કરવા બદલ અર્નબ પાસેથી ત્રણ વર્ષમાં કુલ રૂ. ૪૦ લાખ મળ્યા હતા.
• ઇરાનમાં ૧૬૦૦ બિટકોઈન સેન્ટર્સ બંધઃ ઇરાકના સંખ્યાબંધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ઠપ્પ થાય છે. વીજકાપથી લોકોમાં આક્રોશથી બચવા ઈરાન સરકારે ખૂબ જ વીજળી ખર્ચી નાંખતા કાયદેસર – ગેરકાયદેસર ચાલતા ૧૬૦૦ બિટકોઈન્સ સેન્ટર્સ ૨૨મીએ બંધ કર્યાં હતા.
• મુંબઈ પાલિકા બે જપ્ત હેલિકોપ્ટરની હરાજી કરશેઃ મુંબઈમાં એક કંપનીએ રૂ. ૧૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવતાં મુંબઈ મહાપાલિકાએ જપ્ત કરેલા કંપનીના બે હેલિકોપ્ટરનું લિલામ કરવાનો નિર્ણય લીધો છે.
• ૩૧ લાખ રોકાણકારો સાથે ફ્રોડઃ ઈડીએ હરિયાણાના હિસ્સારની ફ્યુચર મેકર લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ અને તેના બે ડિરેક્ટરો રાધેશ્યામ અને બંસીલાલ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ જોગવાઇઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. આ કંપની અને તેના ડિરેક્ટરો પર પોન્ઝી એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ દ્વારા ૩૧ લાખ રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ છે. આ અગાઉ એજન્સીએ કંપનીઓની ૨૬૧.૩૫ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી હતી.
• ‘આપ’ના સોમનાથ ભારતીને બે વર્ષ જેલઃ ૨૦૧૬માં એઇમ્સના ચોકીદારને માર મારવાના કેસમાં નવી દિલ્હીની અધિક ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દર કુમાર પાંડેએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને ૨૩મીએ બે વર્ષની જેલની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે ભારતીને જેલ અને દંડના ચુકાદાને પડકારવા ઉચ્ચ અદાલતમાં જવા જામીન અપાયા હતા.
• તાંડવ વેબ સિરીઝ વિવાદઃ ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝાફરની પ્રથમ વેબ સિરીઝ 'તાંડવ'નો વિવાદ વકરતો જાય છે. ધાર્મિક લાગણી દુભાવ્યાના આરોપ બાદ હવે મહારાષ્ટ્ર કરણી સેનાએ પણ વેબ સિરિઝનો વિરોધ કર્યો છે અને વેબ સિરિઝમાં હિન્દુ દેવી અને દેવતાનું અપમાન કરનારાની જીભ કાપી નાંખનારાને રૂ. એક કરોડનું ઈનામ જાહેર કર્યું છે.
• પાદરી પાસે રૂ. ૧૧૮ કરોડનું કાળું નાણુંઃ તામિલનાડુ સ્થિત પાદરી પૌલ ધિનાકરણના ૩૫ સ્થળે દરોડો પાડતાં આવકવેરા વિભાગને રૂ. ૧૧૮ કરોડનું કાળું નાણું મળ્યું હતું. ૨૦ જાન્યુઆરીએ દરોડા બાદ ઓપરેશન પૂરું થયા પછી પાદરીના કોઇમ્બતુર નિવાસેથી ૪.૭ કિલો સોનું પણ મળ્યું હતું.
• કાશ્મીરમાં આતંકીઓએ ધીમા નેટમાં ચાલતી એપ શોધીઃ કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટી પછી ઇન્ટરનેટ સસ્પેન્ડ કરાયું હતું જ્યારે બાદમાં માત્ર ટુ-જી સેવા શરૂ કરાઇ. જેને પગલે હવે પાકિસ્તાની આતંકીઓએ કાશ્મીરમાં યુવકોની આતંકી તરીકે ભરતી કરવા એકદમ ધીમી ગતિના ઇન્ટરનેટમાં પણ ચાલતી એપ્લિકેશનો શોધી હોવાના અહેવાલ છે. જે આતંકી માર્યા ગયા કે ઝડપાયા તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે આ મામલો બહાર આવ્યો છે.