સંક્ષિપ્ત સમાચાર (દેશવિદેશ)

Saturday 27th June 2020 08:25 EDT
 
 

વિશ્વના વિવિધ દેશોના મહત્ત્વના સમાચારો ઉડતી નજરે...

• મલાલાનો ઓક્સફર્ડમાં અભ્યાસ પૂરોઃ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂરી કરી લીધી છે. મલાલા અહીં લેડી માર્ગારેટ હૉલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેમણે આ સફળતાની ખુશીની તસવીર પણ શેર કરી હતી.
• પુતિનને પુનઃ રાષ્ટ્રપ્રમુખ બનવું છેઃ રશિયાના ૬૭ વર્ષીય રાષ્ટ્રપતિ પુતિનનો કાર્યકાળ ૨૦૨૪માં પૂરો થશે. હાલના કાયદા પ્રમાણે તેઓ ૨૦૨૪ પછી ચૂંટણી લડી શકે નહીં. પુતિને સોમવારે કહ્યું કે, જો બંધારણમાં ફેરફર થાય તો તેમને ફરી સત્તા સંભાળવી ગમશે. ઉલ્લેખનીય છે કે, રશિયન સંસદના નીચલા ગૃહ ડયૂમામાં પુતિનની ટર્મ લંબાવવા માટે પ્રસ્તાવ લવાયો હતો. સંસદમાં એ પ્રસ્તાવ સાંસદ વેલેન્ટીના તેરેશ્કોવા લાવ્યા હતા. તેરેશ્કોવા ૧૯૬૩માં અંતરિક્ષમાં પગરણ માંડનારી પહેલી મહિલા બન્યા હતા. તેઓ પુતિનના સમર્થક છે. આ ફેરફર માટે ૨૫મીથી ૧લી જુલાઈ સુધી દેશભરમાં મતદાનના અહેવાલ છે.
• મિનેપોલીસમાં ફાયરિંગમાં એકનું મોતઃ મિનેપોલીસમાં ૨૧મી જૂને કરાયેલા આડેધડ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ૧૧ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા એમ પોલીસે કહ્યું હતું. જોકે, અગાઉ પોલીસે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહ્યું હતું પરંતુ પાછળથી તેમાં સુધારો કર્યો હતો. માર્યા ગયેલાનું નામ અને તેની વય જાહેર કરાયા ન હતા. કોઈને અટકાયત કરાઈ હતી કે કેમ તેની પણ માહિતી અપાઈ ન હતી.
• ભારતને જીએસપી દરજ્જાની શક્યતાઃ અમેરિકા ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયત્નોમાં હોવાનું લાગે છે. ટ્રમ્પ વહીવટી તંત્ર ભારતને ફરીથી જીએસપીનો દરજ્જો પરત આપવાનું વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે જૂન મહિનામાં ભારતનો જીએસપી દરજ્જો રદ્દ કર્યો છે. જીએસપી દરજ્જો સૌથી મોટો અને જૂનો યુએસ ટ્રેડ પ્રેફરન્સ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ હેઠળ વિકાસશીલ દેશોની હજારો વસ્તુઓને ડ્યુટી ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે.
• અમેરિકામાં ગુજરાતી ફ્રોડનો આરોપઃ અમેરિકાના શિકાગોમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઝનાં માલિક ભારતીય-અમેરિકી રાહુલ શાહ (ઉં ૫૧) પર કોરોના વાયરસ રાહત યોજનામાં ૪૦૦૦૦૦ ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવાયો છે. ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું કે રાહુલ પર બેંક છેતરપિંડી અને નાણાંકીય સંસ્થાને ખોટા નિવેદન આપવામાં આરોપમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ ઇલિનોઇસમાં ગુનાહિત કેસ નોંધાયો છે.
• યુએસના પૂર્વ એનએસએનું પુસ્તક વિવાદમાંઃ અમેરિકાના પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જ્હોન બોલ્ટનનું પુસ્તક ધ રૂમ વેર ઈટ હેપન્ડ પબ્લિશ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો છે. પુસ્તક કોર્ટમાંથી મંજૂર કરવા ટ્રમ્પે અરજી કરી હતી. પૂર્વ એનએસએ જ્હોન બોલ્ટનના પુસ્તકના અંશો પુસ્તક લોંચ થાય એ પહેલાં જ મીડિયામાં પબ્લિસિટી માટે છપાયા હતા. એ મુદ્દે હવે ટ્રમ્પ અને બોલ્ટન સામસામે થયા છે. ટ્રમ્પના વકીલોએ કોર્ટમાં અરજી કરીને પુસ્તકનું પ્રકાશન અટકાવવા અરજી કરી છે. ટ્રમ્પના વકીલોએ દાવો કર્યો હતો કે એ પુસ્તક કોર્ટમાં રજૂ થાય અને કોર્ટ પરવાનગી આપે તો જ પ્રસિદ્ધ થવું જોઈએ. કારણકે એ પુસ્તકમાં દેશની સુરક્ષા લગતી વિગતો હોવાથી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter