સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 16th February 2021 15:46 EST
 

• જલગાંવમાં ટ્રક પલટી જતાં ૧૫નાં મોતઃ મહારાષ્ટ્રના જલગાવમાં એક પપૈયા ભરેલી ટ્રક ૧૫મીએ રસ્તાની બાજુમાં પલટી જતાં ૧૩ મજૂર અને બે બાળકનાં મૃત્યુ થયાં હતા. અકસ્માતમાં બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ મુલાકાતઃ કોંગ્રેસ નેતા અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૧૧મીએ મૌની અમાસના દિવસે અલાહાબાદના ઐતિહાસિક આનંદ ભવનની મુલાકાત બાદ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર સ્નાન કર્યું હતું.
• જમ્મુમાં વિસ્ફોટનું કાવતરું નિષ્ફળઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સીઆરપીએફના કાફલા પર કરાયેલા આતંકી હુમલાની બીજી વરસીના દિવસે જમ્મુના બસ સ્ટેન્ડથી ૭ કિલો વિસ્ફોટક ધરાવતો આઇઇડી મળ્યો હતો. પોલીસે આ ઘટનામાં બસ સ્ટેન્ડના વિસ્તારમાંથી જ અલ બદ્રના સુહૈલ બશીર નામના આતંકવાદીને ઝડપી લીધો હતો.
• જેએમજે ગ્રૂપને ત્યાં દરોડાઃ આવકવેરા વિભાગે મુંબઇના જે. એમ. જોશીના જેએમજે ગ્રૂપને ત્યાં દરોડા પાડીને રૂ. ૧૫૦૦ કરોડના જાહેર ન કરાયેલા ટ્રાંઝેક્શનને શોધી કાઢ્યું હોવાના અહેવાલ ૧૫મીએ હતા.
• સેન્સેક્સમાં ૫૨૦૦૦ની સપાટી પહેલી વાર પારઃ ભારતના શેરબજારોમાં સોમવારે પ્રારંભે તેજી સાથે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાનીમાં મુંબઇ શેરબજારનો સૂચકાંક દિવસના અંતે ઐતિહાસિક રીતે પહેલી વાર ૫૨૦૦૦ પોઇન્ટની સપાટી પાર કરી ગયો હતો.
• ચાર બેન્કોના ખાનગીકરણની તૈયારીઃ સરકારી કંપનીઓ અને બેન્કોને વેચીને સરકારની આવક વધારવાના પ્રયાસોમાં ભારત સરકારે મધ્યમ કદની ચાર સરકારી બેન્કો બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાનગીકરણની તૈયારી શરૂ કર્યાના અહેવાલ છે.
• ફટાકડાના કારખાનામાં આગ લાગતાં ૧૫ લોકોનાં મોતઃ વિરુધુનગરમાં ૧૨મીએ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતમાં ૧૫નાં મૃત્યુ અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. ૩૬ જેટલા લોકોને શિવાકાશી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
• કોક, પેપ્સી, પતંજલિને કરોડોનો દંડઃ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષણ ફેલાવવા બદલ હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજિસને રૂ. ૫૦.૬૬ કરોડ, બિસ્લેરીને રૂ. ૧૦.૭૫ કરોડ, પેપ્સીને રૂ. ૮.૭ કરોડ, પતંજલિને રૂ. એક કરોડ અને નોરિશ્કો બેવરેજીસને રૂ. ૮૫.૯ લાખ દંડ ફટકાર્યો છે. આ કંપનીઓને દંડ ભરવા ૧૫ દિવસનો સમય અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter