સંતાન માટે નામ શોધવાની મૂંઝવણ છે? નાણાં ચૂકવો ને નામ મેળવો

Tuesday 24th May 2022 09:00 EDT
 
 

ન્યૂ યોર્કઃ નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા કે નામમાં શું રાખ્યું છે પરંતુ, બાળકોના નામ રાખવા માટે ધનવાન લોકો હજારો ડોલરની રકમ ચૂકવવા તૈયાર છે. પેરન્ટ તરીકે દંપતીની પ્રથમ મૂંઝવણ સંતાનનું શું નામ રાખવું તે જ હોય છે. આ લોકોને મદદરૂપ થવા નામ પાડવાનો વ્યવસાય વિકસ્યો છે અને પ્રોફેશનલ બેબી નેમર એક નામ સૂચવવા માટે 1500 ડોલરથી માંડી 13,000 ડોલર સુધીની તગડી ફી વસૂલે છે. યુએસના 33 વર્ષીય ટેઈલર એ. હમ્ફ્રીએ 2020ના વર્ષમાં 100થી વધુ બાળકોનાં વિશિષ્ટ નામ સૂચવીને 150,000 યુએસ ડોલરની કમાણી કરી છે.
ન્યૂ યોર્કના બિઝનેસવૂમન ટેઈલર એ. હમ્ફ્રીને તો કોઈ સંતાન નથી પરંતુ, પોતાને ઉત્સાહી લેખક અને વાર્તાકાર ગણાવે છે અને તેઓ બ્રાન્ડિંગ, માર્કેટિંગના નિષ્ણાત તરીકે સતત સોશિયલ મીડિયા પર દેખાયા કરે છે. રેકી પ્રેક્ટિશનર ટેઈલરે અગાઉ મેચમેકર, ફંડરેઈઝર અને ઈવેન્ટ્સના આયોજક તરીકે પણ કામ કરી ચૂ્ક્યાં છે અને બે મોટા સ્ક્રીનપ્લે પણ લખ્યાં છે. આમ છતાં, તેમને બાળકોનાં નામનું ભારે વળગણ હતું
આખરે 2015માં ‘What’s In a Baby Name’ વેબસાઈટમાં પોતાની પસંદગીના નામ અને તેના અર્થ આપવાની શરૂઆત પછી 2018માં પ્રોફેશનલ બેબી નેમર બિઝનેસ શરૂ કર્યો હતો.
ટેઈલર જણાવે છે કે કે, જો તમે સૌથી વધુ લોકપ્રિય નામો પર નજર કરશો તો તેમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને આપણી મહત્ત્વાકાંક્ષાઓની સ્વાભાવિક નિશાની જોવાં મળશે. સંતાનના આગમનની રાહ જોતાં પેરન્ટ્સ કેટલી રકમ ચૂકવી શકે તેમ છે તેના પર આધાર રાખી ટેઈલરની સેવા એક ફોન કોલથી માંડીને સારાં નામોની યાદી અને પરિવારની વંશાવળી કે ઈતિહાસની તપાસ સુધીની રહે છે, જેમાં જૂના પારિવારિક નામો શોધી કાઢવાનો સમાવેશ થાય છે. પેરન્ટ્સના બિઝનેસને સુસંગત અને બ્રાન્ડ ઉભી કરવા બાળકનું નામ આપવાનું કાર્ય પણ તેઓ કરે છે. ટેઈલરનું લોકપ્રિય ટિકટોક એકાઉન્ટ પણ છે જેમાં તે ઘણી વખત નિઃશુલ્ક સલાહ આપે છે.
તાજેતરમાં જ ટેઈલરે એક દંપતીના બાળકનું નામ પાર્ક્સ - Parks પસંદ કર્યું હતું કારણ કે તેમણે પ્રથમ વખત ચુંબન પાર્કર નામના ટાઉનમાં કર્યું હતું. બીજાં અથવા ત્રીજાં બાળકનું નામ શું પાડવું તેની મૂંઝવણ ભારે હોય છે કારણકે પેરન્ટ્સને નામ ખૂટી ગયાં હોવાનું લાગે છે. આ વખતે ટેઈલર તેમની મદદ કરે છે.
પોતાના બાળકનું નામ રાખવાની જવાબદારી અન્યને સુપરત કરવાને ઘણા લોકો આળસ તરીકે લેખાવે છે પરંતુ, ટેઈલર કહે છે કે તગડી ફી ચૂકવતા પેરન્ટ્સ આળસુ નહિ પરંતુ, ઉત્સાહી અને આતુર પરફેક્શનિસ્ટ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter