સંધિના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ હવે હોર્મુઝ પર અંકુશની લડાઇ

Wednesday 15th April 2026 06:29 EDT
 
 

વોશિંગ્ટન, તેલ અવીવઃ અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે નવી દિશામાં પ્રવેશ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ ફી વસૂલવાની ઈરાનની કવાયતને નિષ્ફળ બનાવવા અમેરિકાએ વળતી નાકાબંધી કરી છે. ઈરાનને ટોલ ફી ચૂકવાનારા જહાજને યુએસ નેવી અટકાવી દેશે તેવી ટ્રમ્પની ચીમકી બાદ સ્થિતિ વધારે વણસી છે. અમેરિકાએ ઈરાનના પોર્ટ્સ અને કાંઠા વિસ્તારોની નાકાબંધી કરવાની ધમકી ઉચ્ચારી છે ત્યારે વળતા જવાબમાં ઈરાને પર્શિયન અખાત અને ઓમન અફાતમાં આવેલા બંદરો પર હુમલાનું એલાન કર્યું છે. હોર્મુઝની ખાડી પર વર્ચસ્વ સ્થાપવા ચાલી રહેલી ચડસા-ચડસીએ પશ્ચિમ એશિયાના સમગ્ર દરિયા કાંઠે અરાજકતાનું જોખમ ઊભું કરી દીધું છે.
ઈરાનની નાકાબંધી કરવા માટે આપેલી સમયમર્યાદા પૂરી થતાંની સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાએ કરેલા હુમલામાં મોટાભાગની નૌસેના ખતમ થવા છતાં ઈરાન પાસે કેટલાક ફાસ્ટ એટેક જહાજો છે. અમેરિકાએ કરેલી નાકાબંધીની નજીક પણ ઈરાનનું કોઈ જહાજ ફરકે તો તેને ફૂંકી મારવાનું એલાન પ્રમુખ ટ્રમ્પે કર્યું છે. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના જહાજો પરના હુમલા અત્યંત ઝડપી અને ક્રૂર હશે. ડ્રગ ડિલરનો સફાયો કરવા અમેરિકાએ જે પદ્ધતિ અપનાવી હતી, તેનો ઉપયોગ ઈરાન સામે થશે.
અમેરિકા-ઈરાન યુદ્ધ સાતમા અઠવાડિયામાં પ્રવેશ્યું છે અને સંધિના દરેક પ્રયાસ નિષ્ફળ ગયા છે. અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાના શસ્ત્ર વિરામની મુદત 22 એપ્રિલે પૂરી થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન ખાતે યોજાયેલી વાટાઘાટો સદંતર નિષ્ફળ રહેતા હવે આ કામચલાઉ વિરામનું અસ્તિત્વ પણ ડામાડોળ છે. અમેરિકા-ઈરાન વચ્ચેની લડાઈ તીવ્ર બની રહી છે ત્યારે ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં હિજબુલ્લાહ પર હવાઈ અને જમીની હુમલા ચાલુ રાખ્યા છે.
યુદ્ધમાં ઈરાનનો હાથ ઉપર રહ્યોઃ ‘નાટો’
‘નાટો’ના પ્રમુખ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે કહ્યું હતું કે, ઈઝરાયેલ અને અમેરિકા સામેના યુદ્ધમાં ઈરાનનો હાથ ઉપર રહ્યો છે કે, કારણ કે વ્યૂહાત્મક હોર્મુઝની ખાડી પર ઈરાનનો અંકુશ છે. ઈરાનનું અઘોષિત પરમાણુ શસ્ત્ર હોર્મુઝની ખાડી છે. અમેરિકાએ પોતાની ઈચ્છાથી યુદ્ધ શરૂ કર્યું હતું અને ઈરાન પાસે હજુ ઘણાં બધાં પત્તા છે અને ઈરાન કઈ ચાલ રમશે તેની બીક લાગે છે.
ઓપેક દેશોમાં ક્રૂડ ઉત્પાદન તળિયે
મધ્ય પૂર્વ, આફ્રિકા અને વેનેઝુએલા સહિત 12 ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની સત્તાવાર યાદી મુજબ, ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સાવ તળિયે છે. અગાઉ 20.70 મિલિયન બેરલ પ્રતિ દિન ક્રૂડનું ઉત્પાદન થતુ હતું, જે માર્ચ મહિનામાં ઘટીને 7.89 મિલિયન બેરલે પહોંચ્યું છે. શિપિંગ પ્રક્રિયામાં અવરોધના કારણે ઓઈલ સપ્લાયમાં ચિંતાજનક સ્થિતિ છે. હાજર બજારમાં ક્રૂડની ખરીદીનો રઘવાટ અને ઉત્પાદનમાં ઘટાડાના કારણે તેની કિંમતો વધી છે. યુદ્ધની સ્થિતિના કારણે વર્તમાન ત્રિમાસિકમાં પણ ક્રૂડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ભારતીય જહાજોને મદદ કરવા ઇરાનની તૈયારી
ભારત સાથે સારા સંબંધો હોવાનું જણાવીને ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ભારતીય જહાજોને પસાર કરાવવામાં મદદરૂપ થવા તૈયારી દર્શાવી છે. ભારતીય જહાજો પાસેથી ટોલ ફી વસૂલાતી હોવાના દાવાને પણ ઈરાને ફગવી દીધા હતા. ભારત ખાતે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલિએ પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે, ઈરાન અને ભારતના સંજોગ તથા હિત સમાનતા ધરાવે છે. પડકારજનક સમયે પણ બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. હોર્મુઝની ખાડીમાંથી ભારતીય જહાજોને પસાર થવા દેવા ઈરાને ક્યારેય ટોલ ફી વસૂલી નથી. ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની ખાડીમાં ઈરાનને ટોલ ચૂકવનારા જહાજોને અટકાવી દેવાની ધમકી ટ્રમ્પે આપી છે અને હોર્મુઝ ફરતે નાકાબંધી ગોઠવી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter