તહેરાનઃ અમેરિકા અને ઈઝરાયલે અનેક મહિનાઓની અભૂતપૂર્વ તૈયારીઓ બાદ ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. આ કોઈ સામાન્ય હુમલો નહોતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇ સહિત 48 ટોચના નેતાઓની હત્યા કરાઇ છે. વિશ્વની ટોચની એઆઈ કંપની એન્થ્રોપિકની એઆઈ ટૂલ ક્લોડની મદદ પણ લેવાઇ હતી. અમેરિકાએ મહિનાઓ પૂર્વેથી અનેક દેશો સહિત ઈરાનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા વિરુદ્ધ પ્રદર્શનો કરાવ્યા હતા. અમેરિકાએ વિચાર્યું હતું કે, ઈરાનની જનતા સર્વોચ્ચ નેતાના મોત બાદ સત્તા પરિવર્તન માટે માની જશે, પરંતુ હાલ તે જોવા નથી મળી રહ્યું. ઈરાનની રાજધાની તહેરાન સહિત દેશભરમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. કોઈની આંખમાં આંસુ હતાં તો કોઈની આંખમાં ગુસ્સો. તેઓ હુમલાની નિંદા કરવા ભેગા થયા હતા. વેનેઝુએલામાં જેમ નિકોલસ માદુરોની ધરપકડ બાદ તેના 10 સમર્થકો પણ ભેગા થયા નહોતા તેથી ઉલ્ટું ઈરાનમાં આખેઆખો દેશ જાણે રસ્તા પર આવી ગયો હતો. ઈરાનના પવિત્ર શહેરની મસ્જિદના ગુંબજ ઉપર લાલ રંગનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. ઈરાન સિવાય વિશ્વના અનેક દેશો જેવા કે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયામાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ખામેનેઈ પછી હવે ઈરાનમાં સુપ્રીમ લીડરશિપનું સ્થાન એક નવી ત્રિપુટીએ સંભાળ્યું છે. તેને વચગાળાની કાઉન્સિલ નામ અપાયું છે. ખામેનેઈ સુપ્રીમ લીડર એટલે કે વલી-એ-વિલાયત હતા, જે ધાર્મિક અને વહીવટી બંને બાબતોના વડા હતા. વચગાળાની કાઉન્સિલમાં નવી એન્ટ્રી અલી રેઝા અરાફી છે. તેઓ હાલમાં એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના ડેપ્યુટી સ્પીકર છે, જે સુપ્રીમ લીડરની નિમણૂકની પ્રક્રિયા જુએ છે.


