વોશિંગ્ટન: લેબનન મૂળના અમેરિકન નાગરિક હાદી મતારને જાણીતા લેખક સલમાન રશ્દીની હત્યાની કોશિશ કરવાના ગુનામાં 25 વર્ષની જેલની સજા કરાઇ છે. 27 વર્ષના મતારે ઓગસ્ટ 2022માં ન્યૂ યોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પર જઈને રશ્દી પર ચાકુથી હુમલો કર્યો હતો, જેના કારણે લેખકે પોતાની એક આંખ હમેશ માટે ગુમાવી દીધી છે. અદાલતે ગયા ફેબ્રુઆરીમાં મતારને હત્યાની કોશિશ અને હુમલાના આરોપમાં દોષિત ઠરાવ્યો હતો. ગયા શુક્રવારે કોર્ટે સજા સંભળાવતાં કહ્યું કે આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહીં, બલકે, અભિવ્યક્તિની આઝાદી પર પણ હતો. ઘટના સમયે સલમાન રશ્દી એક સાહિત્યિક કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા, ત્યારે જ મતારે મંચ પર ચડી જઈને રશ્દી પર ચાકુથી ઘણા વાર કર્યા હતા. સજા સંભાળાવાઈ તે પહેલાં અદાલતમાં મતારે સંક્ષેપમાં કહ્યું કે, તેને રશ્દી એક બદમાશ લાગે છે. ઉલ્લેખનીય છે કે, સલમાન રશ્દી સામે 1988માં પ્રકાશિત તેમની નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’માંના એક કાલ્પનિક પાત્ર બાબતે ઈસ્લામી જગતની નારાજગી હતી.