સલમાન રશ્દીની હાલત સુધરીઃ વેન્ટિલેટર હટાવાયું

Tuesday 16th August 2022 14:45 EDT
 
 

ન્યૂ યોર્કઃ હુમલાનો ભોગ બનેલા બ્રિટિશ-અમેરિકન બુકર પ્રાઈઝ વિજેતા લેખક સલમાન રશ્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા છે. હવે તેઓ વાતચીત કરી શકે છે. રશ્દીના એજન્ટ એન્ડ્રયુ વાયલીએ આ માહિતી આપી હતી. ‘ધ સેતાનિક વર્સીસ’ના લેખક રશ્દી પર ગયા શુક્રવારે ન્યૂ યોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન લેબેનોન મૂળના અમેરિકન યુવકે હુમલો કરી દીધો હતો. ચપ્પા વડે તેમના પર 15થી વધુ પ્રહાર કરાયા હતા.
અમેરિકી પ્રમુખ જો બાઈડન સહિત દુનિયાના અનેક નેતાઓએ આ હુમલાની ટીકા કરી હતી. હુમલાખોર હાદી મતાર સામે ન્યૂ યોર્ક પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. રશ્દીને 1980ના દાયકામાં તેમણે લખેલી બુક ‘ધ સેતાનિક વર્સીસ’ને કારણે સતત ધમકીઓ મળતી હતી. તેમના પર હુમલાની અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ ટીકા કરી છે. અમેરિકન મીડિયાએ રશ્દીની સુરક્ષામાં બેદરકારી મુદ્દે સવાલ ઊઠાવ્યા છે.
ભારતવંશી લેખક રશ્દી પશ્ચિમી ન્યૂ યોર્કમાં એક કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન જ તેમની પર શખસે હુમલો કરી દીધો હતો. 1980ના દાયકામાં રશ્દીએ લખેલા પુસ્તકને કારણે ઇરાને તેમની હત્યાની ધમકી આપી હતી. પશ્ચિમ ન્યૂ યોર્ક સ્થિત ચોટાકુઆ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રશ્દી વ્યાખાન આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હુમલાખોર સ્ટેજ પર ધસી ગયો હતો અને જ્યારે મંચ પર રશ્દીની ઓળખ અપાઈ રહી હતી ત્યારે હુમલાખોરે તેમને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. હુમલાને કારણે રશ્દી સ્ટેજ પર ગબડી પડ્યા હતા અને આસપાસ રહેલા લોકેએ હુમલાખોરને પોતાના કાબુમાં લઈ લીધો હતો.

‘સેતાનિક વર્સિસ’ને કારણે ફતવો જાહેર થયો
સલમાન રશ્દી પોતના પુસ્તક સેતાનિક વર્સિસને કારણે ઇસ્લામિક જગતના રોષનો ભોગ બન્યા છે. તેમનું આ પુસ્તક 1988થી જ ઇરાનમાં પ્રતિબંધિત છે અને ઘણાં મુસ્લિમો તે પુસ્તકને ઇશ્વરનું અપમાન સમજે છે. પુસ્તકના પ્રકાશનના એક વર્ષ બાદ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા રુહોલ્લા ખોમૈનીએ રશ્દીની કતલ કરવા માટે ફતવો જારી કર્યો હતો અને જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ રશ્દીની હત્યા કરશે તેને 30 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ઇરાન સરકારે ઘણાં સમય અગાઉ જ આ ફતવા સાથે પોતાને કોઈ લેવાદેવા હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ રશ્દી વિરુદ્ધની લાગણી સતત વકરતી રહી છે. 2012માં ઇરાનની અર્ધસરકારી ધાર્મિક સંસ્થાએ રશ્દીની હત્યા માટેના ઇનામની રકમને 28 લાખથી વધારીને 33 લાખ ડોલર કરવાની જાહેરાત કરી હતી. રશ્દીએ તે સમયે પોતાની સામે કોઈ ખતરો હોવાની વાતને નકારતા કહ્યું હતું કે, લોકોને ઇનામમાં રસ હોવાનો કોઈ પુરાવો નથી.

33 વર્ષ બાદ બદલા માટે હુમલો કરાયો
ઉલ્લેખનીય છે કે, સલમાન રશ્દી દ્વારા 1988માં ‘સેતાનિક વર્સિસ’ નામની નોવેલ લખવામાં આવી હતી. જાણકારોના મતે આ પુસ્તકમાં રશ્દી દ્વારા ઇસ્લામનું અપમાન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક આવ્યાના 33 વર્ષે ફરી એક વખત વિવાદ વકર્યો છે અને તેમની ઉપર બદલો લેવા માટે હુમલો કરાયાના અહેવાલો છે.

રોલિંગને પણ હત્યાની ધમકીઃ હવે તમારો વારો
લેખક રશ્દી પર થયેલા હુમલાની નિંદા કરવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત લેખિકા જેકે રોલિંગને હવે મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. 57 વર્ષીય જેકે રોલિંગે પોતાને મળેલી ધમકીનો એક સ્ક્રિનશોટ ટ્વિટર પર શેર કર્યો હતો. હેરી પોટરની સિરિઝને પગલે પ્રખ્યાત બનેલી લેખિકા રોલિંગે રશ્દી પર થયેલા હુમલાની ટીકા કરી હતી. જેને પગલે તેને ધમકી મળી હતી કે ચિંતા ના કરો, આગામી નંબર તમારો છે.
આ પહેલા જેકે રોલિંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે સલમાન રશ્દી પર જીવલેણ હુમલો થયો તેનાથી દુઃખી છું, આશા કરું છું કે તેઓ બહુ જ ઝડપથી ઠીક થઈ જશે. જેના જવાબમાં એક ટ્વિટર યુઝરે કહ્યું હતું કે તમે ચિંતા ના કરો, આગામી નંબર તમારો છે.
આ ટ્વિટર યુઝર અગાઉ સલમાન રશ્દી પર હુમલો કરનારાના વખાણ કરી ચુક્યો છે. હવે તેણે રોલિંગને ધમકી આપી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે લેખકો પર હુમલાની મુદ્દાની ચર્ચા જાગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter