સિઉલઃ સાઉથ કોરિયામાં વર્ષાથી મહિલાઓના જાતીય શોષણ અને અત્યાચારનો સિલસિલો ચાલી રહ્યો છે. દેશભરમાં ગુપ્ત કેમેરાથી મહિલાઓ પર નજર રખાઇ રહી છે. આ નાના કેમેરા જાહેર સ્ટેટરૂમ, હોટલ, ટોઇલેટમાં લગાવાય છે. તેમાં રેકોર્ડ થયેલું કન્ટેન્ટ વેબસાઇટ્સ પર અપલોડ કરી દેવાય છે. લોકો પૈસા આપીને આવી વેબસાઇટ્સ સુધી પહોંચી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાઉથ કોરિયામાં ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે ગુપ્ત કેમેરાથી મહિલાઓના વીડિયો બનાવવા બદલ ૩૦ હજાર પોલીસ કેસ નોંધાયા છે. મહિલા પત્રકાર જિયુન ચોઇએ આ મામલે રિસર્ચ કર્યું છે અને આ શરમજનક કૃત્ય અંગે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી છે. ચોઇ પોતે ગુપ્ત કેમેરોનો શિકાર બની ચૂકી છે. એક પોલીસ અધિકારી એક રાતે તેમને મળવા આવ્યા ત્યારે તેમણે જોયું કે નજીકના એક બિલ્ડિંગની છત પરથી એક વ્યક્તિ છુપાઇને તેમનો વીડિયો બનાવી રહી છે.
મહિલાઓના ગુપ્ત કેમેરાથી વીડિયો બનાવવાના વિરોધમાં ૨૦૧૮માં સિઉલમાં હજારો મહિલાઓએ દેખાવો યોજીને આક્રોશ વ્યક્ત કર્યો. ત્યાર બાદ સરકારે આ અંગે કાયદો ઘડ્યો. બીજી તરફ હ્યુમન રાઇટ્સ વોચ સંગઠને તેના રિપોર્ટમાં જણાવ્યું કે ડિજિટલ જાતીય ગુનાના કેસમાં ન્યાય મેળવવો મુશ્કેલ છે. ૨૦૧૯માં સરકારી ફરિયાદીઓએ ડિજિટલ જાતીય ગુનાના ૪૩.૫ ટકા કેસ રદ કરી દીધા હતા.
ચોઇએ ‘ટાઇમ’ને જણાવ્યું હતું કે, હું પબ્લિક ટોઇલેટમાં પ્રવેશતી ત્યારે આસપાસના નાના કાણાં પર પણ નજર રાખતી હતી. તે શોધવા ક્યારેક તો મારે ઘણી મહેનત કરવી પડતી હતી, કેટલાંય કાણાં ટેપ લગાવીને ઢંકાયેલા જોવા મળતા હતા. તો કેટલાક સ્થળે નિશાન જોવા મળતા હતા, જે એક સમયે ત્યાં કેમેરા હોવાનું દર્શાવતા હતા. ૨૦૧૮માં વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ બદલાઇ છે. આવી ઘટનાઓ મીડિયામાં વધુ જોવા મળી રહી છે.