સાઉદીમાં ભ્રષ્ટાચાર સામે શિકંજોઃ ૧૧ પ્રિન્સ અને ૪ પ્રધાનોની ધરપકડ

Wednesday 08th November 2017 06:27 EST
 
 

રિયાધઃ સાઉદી અરેબિયામાં પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન સત્તાનાં સૂત્રો સંભાળવાની તૈયારીમાં છે ત્યારે દેશમાં શરૂ કરાયેલા ભ્રષ્ટાચાર-વિરોધી અભિયાન અંતર્ગત સત્તાવાળાઓએ અબજોપતિ શાહજાદા અલ વાલીદ બિન તલાલ સહિત ૧૧ રાજકુંવરોની ધરપકડ કરી છે.
આ ઉપરાંત ૪ વર્તમાન પ્રધાન અને ડઝનથી વધુ પૂર્વ પ્રધાનોની પણ અટકાયત કરવામાં આવી છે. સાઉદી સરકારે રાજગાદીના પ્રબળ દાવેદાર અને સાઉદી નેશનલ ગાર્ડના વડા, સાઉદી નૌકાદળના વડા અને નાણા પ્રધાનને પણ બરતરફ કરી નાખ્યા છે.
રોયલ ડિક્રી દ્વારા જાહેર કરાયેલા અને સાઉદીમાં અત્યંત શક્તિશાળી બનેલા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનાં નેતૃત્વમાં રચાયેલી નવી ભ્રષ્ટાચારવિરોધી સમિતિએ ચોથી નવેમ્બરે મોડી રાત્રે આ આકરાં પગલાં લીધાં હતાં. આ સમિતિ ૨૦૦૯માં જેદાહમાં આવેલાં વિનાશક પૂર અને સેંકડો લોકોનો ભોગ લેનાર મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વાઇરસ સામે લડવા અપાતી સરકારી સહાયમાં આચરાયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. આ સાથે સાઉદી કિંગ સલમાન અને તેમના પાટવી કુંવરનું સાઉદી પરનું નિયંત્રણ વધુ મજબૂત બન્યું છે.
સાઉદી સરકારે જણાવ્યું હતું કે, સમિતિ ધરપકડ વોરંટ જારી કરવાના પ્રવાસ પર નિયંત્રણો અને પ્રતિબંધ લાદવાના, બેન્ક એકાઉન્ટ જપ્ત કરવાં જેવાં પગલાંનો અધિકાર ધરાવે છે. આ કેસો અદાલતને હવાલે થાય ત્યાં સુધીમાં સમિતિ નાણાનો સ્રોત શોધી શકે છે. ફંડ ટ્રાન્સફર અટકાવી શકે છે
અને અન્ય આગોતરાં પગલાં લઈ શકે છે.

પ્રિન્સની હકાલપટ્ટી

સાઉદીના પૂર્વ શાસક સ્વ. કિંગ અબ્દુલ્લાહના શક્તિશાળી પુત્ર પ્રિન્સ મિતેબ બિન અબ્દુલ્લાહની પણ ધરપકડ કરાઈ છે. તેમને સાઉદીના નેશનલ ગાર્ડના વડાપદેથી બરતરફ કરી દેવાયા છે. પ્રિન્સ મિતેબને સ્થાને ઓછા જાણીતા એવા પ્રિન્સ ખાલિદને નેશનલ ગાર્ડના વડા નિયુક્ત કરાયા છે.

ઇસ્લામિક ફરજઃ ધર્મગુરુ

દેશના ધર્મગુરુઓની ટોચની કાઉન્સિલે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઇસ્લામિક ફરજ છે. ધર્મગુરુઓનાં સમર્થનથી પાટવી કુંવરનાં ભ્રષ્ટાચારવિરોધી અભિયાનને વધુ બળ મળ્યું છે.

પશ્ચિમી જગતની કંપનીઓમાં સન્નાટો

પ્રિન્સ અલ વાલીદ બિન તલાલ મિડલ ઇસ્ટના સૌથી અમીર શેખ પૈકીના એક છે. તેઓ ટ્વિટર, એપલ, રુપર્ટ મર્ડોકના ન્યૂઝ કોર્પોરેશન, સિટી ગ્રૂપ ફોર સિઝન્સ, ફેરમોન્ટ અને મોવનપિક હોટેલ ચેઇન સહિતની મલ્ટિનેશનલ કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. તેઓ અમેરિકામાં ઉબરની સ્પર્ધકો લિફટ અને કેરીમમાં મૂડીરોકાણ ધરાવે છે. તેમની ધરપકડથી પશ્ચિમનાં બિઝનેસ જગતમાં સોંપો પડી ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter