સાત રાજ્યોમાં હિન્દુઓ લઘુમતી છતાં લાભોથી વંચિત

Tuesday 27th October 2020 16:38 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ છે જેમાં માગણી કરાઈ છે કે દેશમાં લઘુમતીની વ્યાખ્યા બદલવી જોઈએ, કેમ કે ઘણાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં હિન્દુઓ લઘુમતીમાં છે, પણ તેમને લઘુમતીમાં નથી ગણાતા. પરિણામે લાભોથી વંચિત રહે છે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે વિવિધ હાઈ કોર્ટમાં આ મામલે જે પણ અરજીઓ થઈ છે તેને ટ્રાન્સફર કરવામાં આવે અને સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ૨૬ વર્ષ પહેલા જાહેર કરેલા નોટિફિકેશનમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બુદ્ધિષ્ટ, પારસીને લઘુમતી જાહેર કરવામાં આવ્યા હતા. આ નોટિફિકેશનને પડકારવામાં આવ્યું છે.
અરજદારોની દલીલ છે કે, કાશ્મીર જેવા અનેક રાજ્યો છે જ્યાં હિન્દુઓ લઘુમતીમાં હોવા છતાં તેમને બહુમતીમાં જ ગણવામાં આવે છે. પરિણામે તેમને લઘુમતીના લાભ નથી મળી રહ્યાં અને વર્ષોથી તેમને આ લાભોથી વંચિત રખાયા છે. માટે હવે દેશમાં લઘુમતીની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે અને જે રાજ્યોમાં હિન્દુઓ સંખ્યાની દૃષ્ટિએ લઘુમતીમાં હોય તેમને તેનો લાભ પણ મળવો જોઈએ.
સાથે જ દિલ્હી, મેઘાલય, ગુવાહાટી હાઈ કોર્ટમાં આ મામલે જે અરજીઓ પેન્ડિંગ છે તેને ટ્રાન્સફર કરી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરાવી તેવી પણ માગ કરાઈ છે. અરજદારે દાવો કર્યો હતો કે મિઝોરમમાં ૨.૭૫ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૫ ટકા, મેઘાલયમાં ૧૧.૫૩ ટકા, અરુણાચલમાં ૨૯ ટકા, મિઝોરમમાં ૩૧.૩૯ ટકા, પંજાબમાં ૩૮.૪૦ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૨૮.૪૪ ટકા, લક્ષ્યદ્વીપમાં ૨.૫ ટકા હિન્દુઓ છે અને આ આંકડા લઘુમતીમાં આવે પણ તેમને લાભ નથી મળી રહ્યાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter