કરાંચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ મહિલા પતિનાં મૃત્યુના છ મહિના પછી લગ્ન કરી શકશે. તે ઉપરાંત હિંદુ મહિલા લગ્નવિચ્છેદ માટે પણ અરજી કરી શકે છે. આ પહેલાં અલ્પસંખ્યક મહિલાઓ, વિધવા અને છૂટાછેડા લઈ ચૂકેલી મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર નહોતો. બે વર્ષ પહેલાં સિંધ પ્રાંતની વિધાનસભાએ હિંદુ વિવાહ કાયદો પસાર કર્યો હતો, તે કાયદા અંતર્ગત વિસ્તારમાં વસી રહેલાં ૩૦ લાખથી પણ વધુ હિંદુને લગ્નનોંધણી સહિતના અધિકાર અપાયા હતા. મુસ્લિમ લીગના નંદકુમાર ગોકલાણીએ આ ખરડો વિધાનસભામાં પસાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંદુ સમાજમાં ખાસ કરીને વિધવા મહિલાઓને રૂઢિવાદી રીતરિવાજો બીજી વાર લગ્ન કરવાની છૂટછાટ નથી આપતા. કાયદો ઘડાયા પછી વિધવા મહિલાને ફરી લગ્ન કરવાનો અધિકાર મળશે. સિંધના કાયદાપ્રધાને જણાવ્યું હતું કે ખરડો સર્વસહમતીથી પસાર થયો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બહુમતી હિંદુ રહે છે. હૈદરાબાદ, કરાચી અને સુક્કરના કેટલાક વિસ્તારોમાં તેઓ વસે છે.