સિડનીઃ ભારતના પહલગામમાં ગયા એપ્રિલમાં ઇસ્લામિક આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી હતી કંઇક તે જ પ્રકારે આતંકી પિતા-પુત્રે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર નિર્દોષ લોકોને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કરીને 15ના જીવ લીધા હતા. રવિવારે સાંજે સ્થાનિક સમય મુજબ સાંજે સિડનીના બોન્ડી બીચ પર બે બંદૂકધારીએ યહૂદી સમુદાયના લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં 15 યહૂદી નાગરિક માર્યા ગયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા. મૃતકો પૈકી કેટલાંક બાળકો પણ હતાં. સુરક્ષા દળોના વળતા જવાબમાં હુમલાખોર પિતા માર્યો ગયો છે જ્યારે પુત્ર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઓસ્ટ્રેલિયામાં આશરે 1.20 લાખ યહૂદી રહે છે, જેઓ હાલમાં હનુક્કાહનો તહેવાર ઊજવી રહ્યા છે. હુમલા સમયે બોન્ડી બીચ પર લગભગ 300 યહૂદી હાજર હતા, આ સમયે જ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસે એક હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો, જ્યારે બીજો હોસ્પિટલમાં દાખલ છે. આતંકી હુમલા વેળા ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વોર્ન પણ બોન્ડી બીચ પર હાજર હતો. તેણે એક રેસ્ટોરન્ટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હુમલા બાદ વડાપ્રધાન એન્થોની અલ્બેનીસએ જણાવ્યું હતું કે, યહૂદીઓ નિશાન પર હતા. હુમલાખોરોએ જાણી જોઈને યહૂદીઓના પવિત્ર તહેવારનો દિવસ પસંદ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આતંકી હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી તેની નિંદા કરી હતી.
અસલી હીરો
આ આતંકવાદી હુમલામાં મૃતકોનો આંકડો હજુ ઘણો વધવાની શક્યતા હતી. જોકે બોન્ડી બીચ પર ફળ વેચતા 43 વર્ષીય અહમદ અલ અહમદે પોતાના જીવની પરવા કર્યા વગર ઝાડ પાછળ છુપાઈને ગોળીબાર કરતા એક આતંકીને પાછળથી આવી ઝડપી લીધો હતો. આખું ઓસ્ટ્રેલિયા હવે અહેમદને ‘અસલી હીરો’ કહી રહ્યું છે.
ચારેતરફ લોહી અને મૃતદેહો
આ હુમલાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરતા જોવા મળે છે. એક-બે ગોળીબાર થતાં જ નાસભાગ મચી ગઈ હતી. ચારે તરફ મૃતદેહો જોવા મળી રહ્યા હતા. લોહીથી લથપથ લોકો પીડાથી ચીસો પાડી રહ્યા હતા, જ્યારે બીજી બાજુથી આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હતા. આ ઘટના પછી મેલબર્નમાં યોજાનારા હનુક્કાહ ઉત્સવને રદ કરાયો હતો. યહૂદી ડેપ્યુટી બોર્ડે સમુદાયના સભ્યોને ઘરની અંદર રહેવા જણાવ્યું હતું. આ હુમલામાં ઇઝરાયલ-ઓસ્ટ્રેલિયા યહૂદી કાઉન્સિલના અધ્યક્ષ આર્સન ઓસ્ટ્રોવિસ્કી પણ ગંભીર રીતે ઘવાયા હતા.
આતંકી હુમલાખોર સાજિદ ભારતીય
50 વર્ષીય આતંકી સાજિદ અકરમ મૂળ તેલંગાણાના હૈદરાબાદનો રહેવાસી હતો. તે હૈદરાબાદથી સ્ટુડન્ટ વિઝા પર નોકરીની શોધમાં 1998માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. બાદમાં તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યાં અને ત્યાં જ સ્થાયી થયો. તેલંગાણા પોલીસના મતે અગાઉ ભારતમાં સાજિદ સામે કોઈ ગુનાઇત રેકોર્ડ નથી. સાજિદ પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ હતો. સાજિદના પરિવારે જણાવ્યું છે કે, વર્ષો પહેલાં જ સાજિદ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા કેમ કે તેણે ખ્રિસ્તી સાથે લગ્ન કર્યાં હતાં.


