અમદાવાદ: વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી સન્માનિત કરાયા છે. કેનેડાના ગવર્નર જનરલ મેરી સિમોન દ્વારા 31 ડિસેમ્બરના રોજ આ જાહેરાત કરાઈ હતી.
‘ઓર્ડર ઓફ કેનેડા’ તેવા વ્યક્તિઓને અપાય છે, જેમના યોગદાનથી અન્ય લોકોના જીવન સમૃદ્ધ બન્યાં હોય અને કેનેડાની પ્રગતિમાં તેમનો નોંધપાત્ર ફાળો હોય. આ સન્માન હેઠળ ત્રણ કેટેગરી છે - મેમ્બર (MC): કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય અથવા પ્રાદેશિક અસર માટે (લગભગ 70 ટકા પ્રાપ્તકર્તાઓ); ઓફિસર (OC): કોઈ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરની અસાધારણ અસર માટે (લગભગ 20-25 ટકા); તથા કમ્પેનિયન (CC): રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અસર માટે (લગભગ 5-10 ટકા). ડો. શાહને ઓફિસર શ્રેણીમાં સામેલ કરાયા છે, જેને ભારતના પદ્મ ભૂષણ ખિતાબ સમક્ષ માનવામાં આવે છે.
વર્ષ 2025ની યાદીમાં કેનેડાના ગવર્નર જનરલે કુલ 80 વ્યક્તિને ‘ઓર્ડર ઓફ કેનેડા’થી સન્માનિત કર્યા છે. ડો. ચંદ્રકાંત શાહ માટે જારી કરાયેલા પ્રશસ્તિ-પત્ર (Citation)માં જણાવાયું છે કે, ‘યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના ડાલા લાના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમેરિટસ તરીકે ચંદ્રકાંત
શાહે દેશવ્યાપી જનઆરોગ્ય શિક્ષણમાં પરિવર્તન આણ્યું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન આરોગ્ય માટે સશક્ત પ્રયત્નો કર્યા છે.’
ડો. ચંદ્રકાંત શાહનો જન્મ 7 એપ્રિલ 1936ના રોજ લીંબડીમાં થયો હતો. તેમણે 1961માં અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી અને 1962માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. પછીથી તેઓ કેનેડામાં સ્થાયી થયા છે. તેમણે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો તેમજ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને કેનેડામાં જનઆરોગ્ય નીતિ તથા શિક્ષણને નવી દિશા આપતી દીર્ઘ અને પ્રભાવશાળી કારકિર્દી ઘડી છે.
ઓર્ડર ઓફ કેનેડા સન્માન એનાયત કરવાનો સમારોહ 19 માર્ચે કેનેડાની રાજધાની ઓટાવા સ્થિત રિડો હોલ
ખાતે યોજાશે. ડો.ચંદ્રકાંત શાહની ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ કેનેડા’ તરીકેની પસંદગી ગુજરાત માટે વિશેષ ગૌરવનો વિષય છે.


