સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

Friday 05th December 2025 09:58 EST
 
 

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે. સાથે સાથે જ સેલિના જેટલીએ રૂ. 50 કરોડના નુક્સાનની ભરપાઈની માગ કરી છે. એક અહેવાલ અનુસાર સેલિનાએ આવકનો સ્ત્રોત ગુમાવવા બદલ અને મિલકતની નુકસાનીની ભરપાઈ માટે આ રકમ માગી છે. સેલીના જેટલીએ દાવો કર્યો છે કે તેના પર સતત ત્રાસ ગુજારાતો હતો અને તેનો પાસપોર્ટ પણ છીનવી લેવાયો હતો. તે કોઇ પ્રકારે પાસપોર્ટ મેળવી લઇને પાડોશીની મદદથી ભારત પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે સેલિના જેટલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પણ બીજા નંબરે રહી ચુકી છે.

સેલિનાને પીટર સાથેના 14 વર્ષના લગ્નજીવનથી ત્રણ દીકરા છે. સેલિનાએ 2011માં ઓસ્ટ્રીઅન હોટેલીયર અને આન્ત્રપ્રિન્યોર પીટર સાથે લગ્ન કર્યા હતા. 2012માં તેમને ત્યાં જોડીયા દીકરાનો જન્મ થયો હતો, જેના નામ વિન્સ્ટન અને વિરાજ રખાયા હતા. ત્યાર બાદ 2017માં ફરી તેમને ત્યાં જોડિયા દીકરાઓ શમશેર અને આર્થરનો જન્મ થયો હતો. બાદમાં શમશેરનું હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું.
તાજેતરમાં સેલિના જેટલી તેના ભાઈ રિટાયર્ડ મેજર વિક્રાંત જેટલીની સપ્ટેમ્બર 2024થી યુએઈમાં ગેરકાયદે અટકાયત કરાઇ હોવાના અહેવાલો બાદ ચર્ચામાં હતી. સેલિના જેટલીએ દિલ્હી હાઈ કોર્ટમાં આ મુદ્દે અરજી કરીને તેના ભાઈને કાયદાકીય મદદ પૂરી પાડવાની માગણી કરી હતી. બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતીય અધિકારીઓ આ મુદ્દે બનેતેટલી મદદ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલાયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું, ‘આપણા દુતાવાસે હવે આ મામલો પાતાના હાથમાં લીધો છે અને અમારા કોન્સ્યુલર તેમની નિયમિત મુલાકાત લઈ રહ્યા છે, તેઓ ચાર વખત મુલાકાત લઈ ચુક્યા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter